Jacqline Fernandez Birthday : બોલિવૂડની ગ્લેમરસ અને શ્રીલંકન બ્યૂટી જેકલીન ફર્નાડીસનો આજે 11 ઓગસ્ટના રોજ બર્થડે છે. તે આજે પોતાનો 38મો બર્થડે ઉજવી રહી છે. તેમના જન્મદિવસના આ ખાસ પ્રસંગ પર સોલિબ્રિટિઝથી લઈને ફેન્સ સુધી દરેક લોકો તેમને ખૂબ જ વધામણી આપી રહ્યા છે. અભિનેત્રીએ પોતાની સુંદરતાની સાથે સાથે તેના ચાહકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. શ્રીલંકામાં જન્મેલી જેકલીન બોલિવૂડમાં લાંબી સફર ખેડી છે. જેકલીન કેવી રીતે ટીવી રિપોર્ટરમાંથી એક્ટ્રેસ બની તેની રસપ્રદ કહાની વાંચો.
જેકલીન એક ટીવી રિપોર્ટર
જેકલીનનો જન્મ 11 ઓગસ્ટ, 1985ના રોજ શ્રીલંકાના કોલંબોમાં થયો હતો. અભિનેત્રીએ તેનો પ્રારંભિક અભ્યાસ બહેરીનમાં પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ તેણે ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી ઓફ સિડનીમાંથી માસ કોમ્યુનિકેશનની ડિગ્રી મેળવી હતી. ગ્રેજ્યુએશન પછી જેકલીને શ્રીલંકામાં થોડો સમય ટીવી રિપોર્ટર તરીકે પણ કામ કર્યું છે.
જેકલીન ફર્નાન્ડીસનો સંઘર્ષ
જેકલીન રિપોર્ટિંગ દરમિયાન શ્રીલંકામાં મોડલિંગ ઈન્ડસ્ટ્રીમાં જોડાઈ હતી અને તે દિવસોમાં રેમ્પ વોક પણ કરતી હતી. આ તકે અભિનેત્રીએ ઘણી સૌંદર્ય સ્પર્ધાઓમાં પણ ભાગ લીધો હતો. જેકલીને 2006માં ‘મિસ શ્રીલંકા યુનિવર્સ’નો ખિતાબ પોતાના નામે કર્યો હતો અને ‘મિસ યુનિવર્સ’ સ્પર્ધામાં શ્રીલંકાનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું.
એક મોડલ તરીકે સફળ થયા બાદ જેકલીનને વિદેશી પ્રોજેક્ટ્સની ઓફર મળવા લાગી હતી, પરંતુ આ દરમિયાન તે એક મોડેલિંગ પ્રોજેક્ટ માટે વર્ષ 2009માં ભારત આવી હતી. જ્યાંથી તેની બોલિવૂડમાં કરિયરની શરૂઆત થઈ હતી.
જેકલીન ફર્નાન્ડીસને આ ફિલ્મથી સાચી ઓળખ મળી
જેકલીનને સુજોય ઘોષે અલાદ્દીન માટે પસંદ કરી હતી. વર્ષ 2009માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં તેની સાથે રિતેશ દેશમુખ અને અમિતાભ બચ્ચન પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. જો કે ખરા અર્થમાં તેને બોલિવૂડમાં ઓળખ ‘મર્ડર 2’ ફિલ્મથી મળી હતી.
જેકલીન ઘણા ટીવી શોની જજ પણ રહી ચૂકી છે
આ પછી તેણે હાઉસફુલ 2, રેસ 2, કિક, હાઉસફુલ 3, રેસ 3 જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. ગયા વર્ષે જેકલીન અક્ષય કુમારની ફિલ્મ ‘રામસેતુ’માં પણ જોવા મળી હતી. જેકલીને કન્નડ ફિલ્મ ‘વિક્રાંત રોણા’માં પણ કામ કર્યું છે. આ સાથે જ જેકલીન ઘણા ટીવી શોની જજ પણ રહી ચૂકી છે.
આ ફિલ્મે જેકલીનને સફળતાના શિખરે બેસાડી
25 જુલાઈ 2014ના રોજ આવેલી સલમાન ખાનની ફિલ્મ ‘કિક’ ઘણી સફળ રહી હતી. આ ફિલ્મે જેકલીનની કારકિર્દીને જોરદાર સફળતા અપાવી. જેકલીનને સફળ અભિનેત્રીઓના જૂથમાં સ્થાન મળ્યું.
જેકલીન ફર્નાન્ડીસની નેટવર્થ
જેકલીન અત્યાર સુધીમાં 35થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. જો કે તેમાંથી 11 ફિલ્મો બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નથી. અહેવાલો અનુસાર,જેકલીનની કુલ સંપત્તિ લગભગ 101 કરોડ રૂપિયા છે. જેકલીન એક ફિલ્મ માટે લગભગ 4 થી 6 કરોડ રૂપિયા લે છે.
જેકલીન ફર્નાન્ડીસનું કાર કલેક્શન
આ સિવાય જેકલીેનનું મુંબઈમાં પોતાનું ઘર પણ છે. લક્ઝરી કારનું પણ વિશાળ કલેક્શન છે. શ્રીલંકામાં સાઉથ કોસ્ટ પાસે જેકલીન પાસે પોતાનો ટાપુ પણ છે. ઉપરાંત જેકલીન ફર્નાન્ડીઝ બે રેસ્ટોરન્ટની માલિક પણ છે. એક મુંબઈના બાંદ્રામાં છે અને બીજું શ્રીલંકામાં છે.





