Jawan Controversy : બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનની આગામી ફિલ્મ જવાન 7 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઇ રહી છે. આવી સ્થિતિમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. શાહરૂખ ખાન અને ફિલ્મના નિર્માતાઓને મોટો ઝટકો લાગી શકે છે. જવાનના એક સંવાદ સામે વિવાદ છેડાયો છે. જેને પગલે કરણી સેનાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
હકીકતમાં જવાનમાં એક સંવાદ છે – એક રાજા થા, એક કે બાદ એક જંગ હારતા ગયા, ભૂખા પ્યાસા ધૂમ મચા રહા થા જંગલ મેં, બહુત ગુસ્સે મેં થા! આ સંવાદ સામે કરણી સેનાએ વાંધો ઉઠાવ્યો છે. તેમજ આ સંવાદને ફિલ્મમાંથી હટાવવાની માંગ કરી રહ્યા છે. કરણી સેનાના મતે, જવાનમાં આ સંવાદનો તાલ્લુક મહારાણા પ્રતાપ સાથે છે. ત્યારે શાહરૂખ ખાન આ ડાયલોગ દ્વારા લોકોની ભાવનાને ઠેસ પહોંચાડી રહ્યો છે તેમ કરણી સેનાનું નિવેદન છે.
કરણી સેનાના અધ્યક્ષ સુરજીત સિંહ રાઠોડે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘મેં આ સંવાદ સામે ઓશિવારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જો નિર્માતાઓએ જવાનના આ સંવાદને રિલીઝ પહેલા હટાવ્યો નહીં તો જે તે સમયે મહારાણા પ્રતાપે અકબર સાથે જે કર્યું હતું તે થશે.’
વધુમાં સુરજીત સિંહે કહ્યું હતું કે, ‘અમે બીજી વાર એવું થાય તે ઇચ્છતા નથી. તેથી તુરંત ફિલ્મના આ ડાયલોગને હટાવી દેવામાં આવે.’ મહત્વનું છે કે, શાહરૂખ ખાનની આ બીજી સૌથી મોટી એક્શન ફિલ્મ છે. જે 7 સ્પેટમ્બરના રોજ રિલીઝ થવા જઇ રહી છે. ત્યારે જવાનનું એડવાન્સ બુકિંગ પણ શરૂ થઇ ગયું છે.
શાહરૂખ ખાનની જવાનને લઇને લોકોમાં ભારે ઉત્સાહ છે. જેને પગલે સેકનિલ્કના મતે, જવાને એડવાન્સ બુકિંગમાં અત્યાર સુધીમાં 13.17 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. તેથી જવાનની 4.26 લાખ ટિકિટો વેચાય ગઇ છે.
ઉલ્લેખનીય છે કે, જવાનમાં શાહરૂખ ખાન સાથે સાઉથ સુપરસ્ટાર નયનથારા, દીપિકા પાદુકોણ, વિજય સેતુપતિ વગેરે જેવા સ્ટાર્સ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.