Junior Ntr : સાઉથ સુપરસ્ટાર જૂનિયર એનટીઆર (Jr Ntr) RRR મુવીથી દુનિયાભરમાં પોતાના નામનો ડંકો વગાડ્યો હતો. જૂનિયર એનટીઆર આજે 20 મેએ પોતાનો 41મો બર્થડે સેલિબ્રેટ (Jr Ntr Birthday) કરી રહ્યો છે. એક એવો સમય હતો જ્યારે એનટીઆરને લોકો તેના દેખાવને લઇને પણ ટ્રોલ કરતા હતા. જૂનિયર એનટીઆરના જન્મદિવસના ખાસ અવસર પર તેની ફિલ્મી કરિયરથી માંડીને પર્સનલ લાઇફ અને નેટવર્થ વિશે જણાવીશું.
જૂનિયર એનટીઆર તેલુગુ સ્ટાર, ફિલ્મમેકર અને આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એન.ટી.રામા રાવનો પૌત્ર છે. જૂનિયર એનટીઆરનો બર્થડે 20 મે 1983ના રોજ હૈદરાબાદમાં થયો હતો. જૂનિયર એનટીઆર રોયલ ફેમિલીમાંથી આવે છે છતાં તેમના માટે ફિલ્મી કરિયરમાં પોતાનું સ્થાન બનાવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો.
જૂનિયરનું સાચું નામ નંદમુર્તી તારક રામા રાવ છે. એક્ટર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ટાઇગરના નામથી જાણીતો છે. જુનિયર એનટીઆરએ 8 વર્ષની ઉંમરે તેની અભિનય કારકિર્દી શરૂ કરી હતી. અભિનેતાએ ફિલ્મ ‘બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર’માં બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું. આ મુવીમાં એક્ટરે રાજા ભરતનું પાત્ર નિભાવ્યું હતું. અભિનેતાએ તેની ફિલ્મી કારકિર્દીમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. જૂનિયર એનટીઆરએ લીડ એક્ટર તરીકે 2001માં રિલીઝ થયેલી ફિલ્મ નિન્નુ ચૂડાલાની હતું.
ઉલ્લેખનીય છે કે, ફિલ્મી દુનિયામાં એન્ટ્રી બાદ લોકો જૂનિયર એનટીઆરને તેના મોટાપા અને લૂકને લઇને ચીડવતા હતી. તેઓને બદસૂરત પણ કહેતા હતા. વર્ષ 2006માં રિલીઝ થયેલી એક્ટરની ફિલ્મ રાખીમાં તેને ખુબ ટ્રેલિંગનો સામનો કરવો પડ્યો હતો. તે જ સમયે જૂનિયર એનટીઆરનો વજન લગભગ 100 કિલો આસપાસ હતો.
આ પછી વર્ષ 2007માં રિલીઝ થયેલી ફિલ્મ લોક પરલોકમાં જૂનિયર એનટીઆર જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં પરફેક્ટ પાત્ર નિભાવવા માટે એક્ટરે 20 કિલો વજન વધાર્યો હતો. આ પછી જૂનિયર એનટીઆર વર્ષ 2013માં રિલીઝ થયેલી ફિલ્મ બાદશાહ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. જેમાં એક્ટરે તેના સિક્સ પેક એબ્સ દેખાડી બધાને દંગ કરી દીધા હતા.
જૂનિયર એનટીઆરની પહેલી સુપરહિટ ફિલ્મ વર્ષ 2001માં રિલીઝ થયેલી સ્ટૂડેંટ નંબર 1 હતી. આ ફિલ્મ એસ.એસ. રાજામૌલીએ ડાયરેક્ટ કરી હતી. આ સિવાય જૂનિયર એનટીઆર લોક-પરલોક, સિમ્હાદ્રી અને RRR વગેરે જેવી હિટ ફિલ્મો આપી ચૂક્યો છે.
મીડિયા અહેવાલ અનુસાર, જૂનિયર એનટીઆરની કૂલ નેટવર્થ 450 કરોડ રૂપિયા છે. એક્ટર પાસે હૈદરાબાદના પોશ વિસ્તાર જુબલી હિલ્સ સ્થિત આલીશાન બંગલો છે. જેની કિંમત આશરે 25 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત એક્ટર હૈદરાબાદ આસપાસ એક ફાર્મહાઉસ, મુંબઇ અને બેંગલોરમાં એક-એક એપાર્ટમેન્ટ છે.
મીડિયા અહેવાલ અનુસાર, જૂનિયર એનટીઆર પાસે લેંબોર્ગિની યૂરસ ગ્રેફાઇટ કેપ્સૂલ જેવી લકઝરી કાર છે. જેણે ખરીદનાર એનટીઆર પહેલો ભારતીય છે. આ સિવાય તેની પાસે રેંજ રોવર વોગ, પોર્શ 718 કેમેન અને BMW 720 એલ.ડી છે. જૂનિયર એનટીઆર એક ફિલ્મ માટે 50થી 60 કરોડ રૂપિયા ફી લે છે. એક્ટર સાઉથ ઇન્ડસ્ટ્રીના સૌથી વધુ ફી લેનારા એક્ટર્સની યાદીમાં સામેલ છે.
જૂનિયર એનટીઆરના વર્કફ્રન્ટની વાત કરીએ તો એક્ટર ટૂંક સમયમાં ‘દેવરા’માં જોવા મળશે. એક્ટરના બર્થડે પર ‘દેવરા’નું ફર્સ્ટ સોન્ગ ‘ફિયર’ રિલીઝ કરી દેવાયું છે. જેમાં એક્ટર દમદાર એક્શન મોડમાં જોવા મળ્યો છે. ખાસ વાત એ છે કે, આ ફિલ્મમાં પહેલીવાર જૂનિયર એનટીઆર અને જાહ્નવી કપૂર એક સાથે સ્ક્રીન પર જોવા મળશે.