Kalki 2898 Ad Release: કલ્કિ 2898 એડી થિયેટરમાં 27 જૂને રિલિઝ થઇ ગઇ છે. આ સાયન્સ ફિક્શન ફિલ્મમાં અમિતાભ બચ્ચન, પ્રભાસ, કમલ હસન, દીપિકા પદુકોણ અને દિશા પટાણી જેવા ફેમસ સ્ટાર છે. નાગ અશ્વિન દ્વારા નિર્દેશિત અને વૈજયંતી મૂવીઝ દ્વારા નિર્મિત આ ફિલ્મ ભારતની સૌથી મોંઘી ફિલ્મ પૈકીની એક હોવાનું માનવામાં આવે છે. કલ્કિ ફિલ્મ બનાવવા પાછળ ઘણા વર્ષોની મહેનત અને ખર્ચ થયો છે. ચાલો જાણીયે કલ્કિ ફિલ્મની સુપર કાર થી લઇ સુપર સ્ટાર સુધીની ખાસિયતો
કલ્કિ 2898 એડી – ફિલ્મ બનાવવામાં 5 વર્ષ લાગ્યા
કલ્કિ 2898 ના નિર્દેશક એડી નાગ અશ્વિનનું કહેવું છે કે તેઓ 2019થી આ ફિલ્મ પર કામ કરી રહ્યા છે. ફિલ્મ વિશે જાણકારી આપતા તેઓ જણાવે છે કે, ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં અને સ્ટાર કાસ્ટ નક્કી કરવામાં કરવામાં એક વર્ષનો સમય લાગ્યો હતો. અલબત્ત ફિલ્મ શૂટિંગ કરવું ખૂબ જ સરળ હતું. દરેક કલાકારે બહુ સારી એક્ટિંગ કરી છે.
કલ્કિ 2898 એડી મૂવી એક સાયન્સ ફિંક્શન ફિલ્મ છે. આ ફિલ્મની કહાણી ભવિષ્યની છે, જે કાશી પર આધારિત છે. આ ફિલ્મમાં કાશી ભવિષ્યમાં કેવી હશે, કેટલી બદલાઇ ગઇ હશે, તે સમયે કેવા પ્રકારના વાહનો હશે, લોકો કેવા પ્રકારના કપડા પહેરશે, પ્રાણીઓ કેવા હશે, આ બધી બાબતો પર ઘણી વિગતવાર કામ કરવામાં આવ્યું છે, જેના કારણે સમય લાગ્યો હતો. કલ્કિ અવતારના સમયને માનવ સભ્યતાનો સૌથી કાળો સમય કહેવામાં આવ્યો છે એટલે અમારી ફિલ્મની ટ્રીટમેન્ટમાં અમારે આ વાતનું ધ્યાન રાખવું પડયું હતું.
અમિતાભ બચ્ચન ફિલ્મના સૌથી પહેલા સ્ટાર કાસ્ટ
ફિલ્મ કલ્કિ 2898 એડીને ભારતની સૌથી મોંઘી ફિલ્મ કહેવામાં આવી રહી છે. આ ફિલ્મમાં ઘણા દિગ્ગજ કલાકારો છે, જેમણે દમદાર એક્ટિંગ કરી છે. ફિલ્મના નિર્માતામાં એક સી સ્વપ્ના દત્ત કહે છે, સૌથી પહેલા આ ફિલ્મ સાથે અમિતાભ બચ્ચન જોડાયા હતા. સામાન્ય રીતે એવું કહેવાય છે કે પાંચ છ મિટિંગ બાદ એ સ્ક્રીપ્ટ વાંચવા સંમત થાય છે પરંતુ ચાર પાંચેક મિટિંગમાં તેમણે ફિલ્મની સ્ટોરી સાંભળી હતી. તેમને ફિલ્મની સ્ટોરી અને રોલ બંને દમદાર લાગતાં આ ફિલ્મ માટે હા પાડી હતી. આ ફિલ્મનું દરેક પાત્ર ખૂબ જ મહત્ત્વ ધરાવે છે, એટલે કોઈને પણ ક્યારેય કોઈની પાસેથી અસુરક્ષાનો અનુભવ થયો નથી. દરેક પાત્ર મહત્વપૂર્ણ છે અને તેમના વગર કહાણી અધૂરી છે.
50 લોકોની ટીમે દોઢ વર્ષમાં તૈયાર કરી કલ્કિ ફિલ્મની હાઈટેક બુજ્જી કાર
ફિલ્મ ડિરેક્ટર નાગ અશ્વિને કલ્કિ 2898 એડીના મૂવીના મહત્વના પાંચ સ્ટારમાં ફિલ્મની કાર બુજ્જીનું નામ જોડ્યું છે. તેમણે જણાવ્યું કે, બુ્જ્જી કાર બનાવવામાં દોઢ વર્ષ લાગ્યો છે. તેઓ તેમના બાળપણના સપના જણાવતા કહે છે કે, મને લાગે છે કે દરેકનું બાળપણનું એવું સપનું હોય છે કે કદાત બોલતી કાર આપણી પાસે હોત અને આ ફિલ્મથી અમે આ સપનું સાકાર કર્યું છે. તે સરળ ન હતું, તે એક મોટા એન્જિનિયરિંગ પ્રોજેક્ટ જેવું હતું. તેની ડિઝાઇન અવતાર, એન્ડ ગેમ જેવી હોલિવૂડ ફિલ્મોના ડિઝાઇનર હૈસુ વાંગે તૈયારી કરી હતી, પરંતુ વાસ્તવિકતામાં ડિઝાઇન મેળવવી મુશ્કેલ હતી.
કલ્કિ ફિલ્મની આ બુજ્જી કાર નિર્માણની શરૂઆત મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ કરી અને ત્યારબાદ જય મોટર્સ કંપની તેમા જોડાઈ હતી. આ ફિલ્મ બનાવવી એ એક મોટો પડકાર હતો, સાથે સાથે આવી કાર બનાવવી પણ પોતાનામાં કોઈ પડકારથી ઓછું નહોતું. આ કાર ચાર નહીં પણ ત્રણ પૈડા વાળી ગાડી છે. મને લાગે છે કે એકવાર થિયેટરની બહાર નીકળ્યા પછી લોકો બુજ્જીને ભૂલી શકશે નહીં. હકીકતમાં, બુજ્જી કાર ફિલ્મનું ખૂબ જ મહત્ત્વનું પાત્ર છે આથી તેનું ડબિંગ સાઉથની બિગ સ્ટાર કીર્તિ સુરેશે કર્યું છે.
કલ્કિ ફિલ્મની કહાણી બે પાર્ટમાં આવશે
સાઉથ મૂવી ની ફેમસ પાન ઇન્ડિયા ફિલ્મોની જેમ કલ્કિ 2898 એડીની કહાણી પણ બે ભાગ રજૂ થશે. ફિલ્મ ડિરેક્ટર નાગ અશ્વિનનું કહે છે કે, તેઓ ફિલ્મના બંને પાર્ટનું શૂટિંગ એક સાથે કરવાના હતા પરંતુ પ્રથમ પાર્ટમાં જ ઘણો સમય લાગ્યો, જેના કારણે બંને પાર્ટ્સનું એક સાથે શૂટિંગ કરી શકાયું નથી. હાલ ફિલ્મના બીજા પાર્ટ પર કામ શરૂ થઇ ગયું છે. નાગ અશ્વિન જણાવે છે, તેઓ આ ફિલ્મને ફ્રેન્ચાઇઝી ફિલ્મની જેમ ડેવલપ કરવાનું વિચારતા નથી. તેની ફિલ્મની સ્ટોરી બે પાર્ટમાં પૂર્ણ થશે.
આ પણ વાંચો | કલ્કિ 2898 એડી રિલીઝ, પ્રભાસની ફિલ્મ જોયા બાદ દર્શકોએ કર્યા ભરપૂર વખાણ, આટલી કરી શકે કમાણી?
કલ્કિ ફિલ્મ – મહાભારતથી પ્રેરિત
ફિલ્મ કલ્કિ 2898 એડીનું ટ્રેલર લોન્ચ થયા બાદ તેની તુલના હોલિવૂડ ફિલ્મ ડ્યુન સાથે થવા લાગી છે. થોડા અઠવાડિયા પહેલા હૈદરાબાદના રામોજી સ્ટુડિયોમાં સુપરકાર બુજ્જીના લોન્ચિંગ દરમિયાન ડિરેક્ટર નાગ અશ્વિને આશંકા વ્યક્ત કરતા કહ્યું હતું કે મને ખબર છે કે લોકો તેની સરખામણી સ્ટાર વોર્સ અથવા ડ્યુન સાથે કરશે. તેમને જે કરવું હોય તે કરે, મને કોઈ સમસ્યા નથી. હું કહેવા માંગુ છું કે મારી ફિલ્મ ખૂબ જ દેશી છે. આ ફિલ્મની કહાણી કાશીમાં સેટ થયેલી છે, કારણ કે આપણા ગ્રંથોમાં છે કે, સૃષ્ટિની શરૂઆત કાશીથી થઇ છે એટલે ભવિષ્યની સૌથી મહત્ત્વની ઘટના માટે અમે કાશીની પસંદગી કરી છે. અમારી ફિલ્મની કહાણી માયથોલોજી થી પ્રેરિત છે, જેનો મહાભારત સાથે ઉંડો સંબંધ છે.