/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/kapil-sharma-news.jpg)
કપિલ શર્માને 'હાર્ટ અટેક પરાઠા' ખવડાવનાર સામે કેસ દાખલ
Kapil Sharma News : પ્રચલિત કોમેડિયન કપિલ શર્માને 'હાર્ટ અટેક પરાઠા' ખવડાવવો દુકાનદાર વીર દવિંદર સિંહને ભારે પડ્યું છે. તેની સામે FIR દાખલ કરવામાં આવી છે. હાલમાં જ કપિલ શર્માએ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ જોયો હતો. જે બાદ તે 'હાર્ટ અટેક પરાઠા' ખાવા માટે પત્ની ગિન્ની સાથે જાલંધર પહોંચ્યો હતો. પરાઠા ખાધા પછી કપિલ શર્માએ વીર દવિંદર સિંહના સ્વાદિષ્ટ પરાઠાના વખાણ કર્યા હતા. જોકે, હવે પરાઠા બનાવનારા વીર દવિંદર સામે જાલંધરની પોલીસ ચોકી 6માં ફરિયાદ નોંધાઈ છે. જાણો, શું છે સમગ્ર મામલો?
હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ અનુસાર, કપિલ શર્મા અને તેની પત્ની ગિન્ની ચતરથને પરાઠા ખવડાવવા માટે વીર દવિંદરે મોડી રાત સુધી પોતાની દુકાન ખુલ્લી રાખી હતી. આ જ કારણે દવિંદર સામે કલમ 188 અંતર્ગત કેસ દાખલ કર્યો છે.
આ તરફ દવિંદર સિંહે પોલીસ પર બંધ રૂમમાં મારપીટ કરવાનો આક્ષેપ કર્યો છે. જાલંધર પ્રેસ ક્લબમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વીર દવિંદરે SHO અજાયબ સિંહ પર મારઝૂડ કરવાનો તેમજ ખરાબ વર્તન કરવાનો આક્ષેપ કર્યો છે. વીર દવિંદર સિંહે જણાવ્યું કે, મોડલ ટાઉનમાં મોડી રાત્રે તે પોતાની દુકાનમાં પરાઠા બનાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. પરંતુ SHO અજાયબ સિંહને ખબર પડી કે, તેની દુકાન પર કપિલ શર્મા પરાઠા ખાવા આવ્યો છે તો તેણે વીર દવિંદર સિંહને પકડી લીધો અને મારઝૂડ કરી હતી. વીર દવિંદર સિંહે જણાવ્યું કે, થોડા કલાકો સુધી તેને રૂમમાં બંધ રાખવામાં આવ્યો અને તેની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. પરાઠા બનાવતા વીર દવિંદર સિંહે હવે SHO સામે કાર્યવાહીની માગ કરી છે.
બીજી તરફ અજાયબ સિંહે પોતાનો પક્ષ મૂકતાં કહ્યું કે, આસપાસ રહેતા લોકોએ ફરિયાદ કરી હતી કે, વીર દવિંદર સિંહના ત્યાં જે લોકો પરાઠા ખાવા આવે છે તે ખૂબ ગંદકી ફેલાવે છે. દવિંદર સિંહ મોડી રાત્રે 2 વાગ્યા સુધી પરાઠા ખવડાવે છે. આ ફરિયાદના આધારે તેની સામે FIR નોંધી છે. જોકે, હવે આ સમગ્ર મામલે કોમેડિયન કપિલ શર્માનું રિએક્શન આવે છે કે નહીં તે જોવાનું રહેશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us