kapil sharma kaps cafe firing : કોમેડિયન કપિલ શર્મા ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. તેના કેનેડામાં આવેલા કૈપ્સ કાફે પર ફરી એકવાર ફાયરિંગની ઘટના સામે આવી છે. એક મહિનામાં આ બીજી વખત છે જ્યારે તેના કાફે પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલાની જવાબદારી ગુરપ્રીત સિંહ ઉર્ફે ગોલ્ડી ઢિલ્લોન અને લોરેન્સ બિશ્નોઇ ગેંગે લીધી છે. તેમની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર ફાયરિંગનો એક વીડિયો પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
ઈન્ડિયા ટુડેના રિપોર્ટ મુજબ સોશિયલ મીડિયા પર જે પોસ્ટ વાયરલ થઇ રહી છે તેમાં લખ્યું છે કે જય શ્રી રામ. સત શ્રી અકાલ બધા ભાઈઓને રામ રામ. સરેમાં કપિલ શર્માના Kaps Cafe માં આજે થયેલી ગોળીબારીની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા ગોલ્ડી ઢિલ્લોને લીધી છે. અમે તેને ફોન કર્યો, પરંતુ તેણે કોલનો જવાબ આપ્યો નહીં, તેથી અમારે કાર્યવાહી કરવી પડી. જો તે હજુ પણ કોઇ જવાબ નહીં આપે તો અમે ટૂંક સમયમાં મુંબઇમાં આગળની કાર્યવાહી કરીશું.
મુંબઈ પોલીસ અને અન્ય એજન્સીઓ તપાસ કરી રહી છે
સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા વીડિયોમાં ગોળીબારનો અવાજ સંભળાય છે. સાથે જ હવે મુંબઈ પોલીસ અને અન્ય એજન્સીઓ આ મામલે તપાસ કરી રહી છે. હાલ કપિલ શર્મા કે તેના કેફે દ્વારા આ હુમલા અંગે કોઇ માહિતી શેર કરવામાં આવી નથી.
આ પણ વાંચો – ગોવામાં છે અજય દેવગન અને કાજોલનો વૈભવી વિલા, એક રાતનું ભાડું 75,000 રૂપિયા
પહેલો હુમલો જુલાઈમાં થયો હતો
કપિલ શર્મા અને તેની પત્ની ગિન્નીનું કાફે જૂનના અંતમાં અને જુલાઈની શરૂઆતમાં ખોલવામાં આવ્યું હતું. 10 જુલાઇના રોજ તેમના કાફે પર પહેલીવાર હુમલો થયો હતો, જેની જવાબદારી ખાલિસ્તાની આતંકવાદી હરજીત સિંહ લાડીએ લીધી હતી. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) દ્વારા લિસ્ટેડ મોસ્ટ વોન્ટેડ આતંકી લાડી પ્રતિબંધિત સંગઠન બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ સાથે જોડાયેલો છે.
પહેલા હુમલાના થોડા દિવસ બાદ કૈપ્સ કેફેએ એક પોસ્ટ પોસ્ટ કરીને જાણકારી આપી હતી કે તેમણે પોતાનું કાફે ફરીથી ઓપન કરી દીધું છે, પરંતુ હવે ફરીથી આવી ઘટના બની છે. આવી સ્થિતિમાં કપિલ આગળ શું નિર્ણય લે છે તે જોવું પડશે.