કોમેડી સર્કસ કો અજૂબેમાં કપિલ શર્મા સાથે કામ કરનાર અભિનેતા અને કોમેડિયન તીર્થાનંદ રાવે આત્મહત્યાનો પ્રસાય કર્યો હતો. અહીંયા ખાસ વાત એ છે કે તીર્થાનંદ રાવે સોશિયલ મીડિયા પર લાઇવ સેશન દરમિયાન આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ તકે તેણે આરોપ લગાવ્યો કે, તેની આ પરિસ્થિતિ માટે એક મહિલા જવાબદાર છે. હવે શા માટે તીર્થાનંદે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો તે અંગે જાણો આ અહેવાલમાં.
ફેસબુક પર લાઇવ સેશન દરમિયાન તીર્થાનંદે ઘટસ્ફોટ કર્યો હતો કે, તે એક મહિલા સાથે લિવ ઇન સંબંધમાં હતો, પરંતુ તેણીએ કથિત રીતે તેને ઇમોશનલ બ્લેકમેલ કર્યો હતો અને તેની પાસેથી પૈસાની માંગણી કરી હતી. તીર્થાનંદે વીડિયોમાં કહ્યું હતું કે, આ મહિલાના કારણે મારા પર 3-4 લાખ રૂપિયાનુ દેવુ છે. હું તેને ગયા વર્ષે ઓક્ટોબરથી ઓળખું છું. તેણીએ મારી સામે ભાયંદરમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને મને ખબર પણ નહોતી કે કયા કારણોસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. પછી તે મને ફોન પણ કરતી અને કહેતી કે તે મળવા માંગે છે.
લાઈવ સેશન દરમિયાન પોતાની આપવિતી સંભળાવતા તીર્થાનંદે ફિનાઈલની એક બોટલ કાઢી અને તેને ગ્લાસમાં નાખીને પી લીધું હતું. રાવનો વીડિયો જોઈ તેના મિત્રો તરત જ તેના ઘરે દોડી આવ્યા હતા જ્યાં અભિનેતા બેભાન હાલતમાં મળી આવ્યો હતો. તેઓએ તરત જ પોલીસને બોલાવી અને તેને હોસ્પિટલ લઈ ગયા હતાં.
જો કે, આ પહેલીવાર નથી જ્યારે તીર્થાનંદ રાવે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોય. તેણે ડિસેમ્બર 2021માં પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેણે 27 ડિસેમ્બર, 2021ના રોજ ફેસબુક પર લાઇવ સેશન દરમિયાન તેના સહાયકને ફોન કર્યો હતો કે તે ઘણા કારણોસર જીવનમાં આ સખત પગલું ભરી રહ્યો છે.
ધ ઇન્ડિયન એક્સપ્રેસે તીર્થાનંદ રાવનો સંપર્ક કર્યો, ત્યારે તેમણે જણાવ્યું હતું કે કે તેઓ હવે ઘરે પાછા પરત ફરી ગયા છે અને સારું અનુભવે છે. વધુમાં તીર્થામંદે તેના કામ વિશે જણાવ્યું હતું કે, હવે નિયમિતપણે કામ કરી રહ્યો છે અને તાજેતરમાં જ અભિષેક બચ્ચન સાથે સાઉથ રિમેક માટે પણ શૂટિંગ કર્યું છે. “મને કપિલ શર્મા શોમાં જુનિયર નાના પાટેકર તરીકે બોલાવવામાં આવે છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં, મેં વાગલે કી દુનિયાના લગભગ 12 થી 14 એપિસોડનું શૂટિંગ કર્યું, જેમાં હું જોશી કાકાનો રોલ કરું છું. જાન્યુઆરીમાં મેં અભિષેક બચ્ચન સાથે એક ફિલ્મ પણ કરી જે સાઉથની રિમેક છે, મેં તેની સાથે બે દિવસ કામ કર્યું. મેં માર્ચમાં એક એવોર્ડ ફંક્શનમાં પણ પરફોર્મ કર્યું હતું.





