Karisma Kapoor | બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂર (Karisma Kapoor) ના ભૂતપૂર્વ પતિ અને અબજોપતિ બિઝનેસમેન સંજય કપૂર (sunjay Kapoor) નું 12 જૂનના રોજ લંડનમાં અચાનક અવસાન થયું હતું. માહિતી મુજબ ગાર્ડ્સ પોલો ક્લબમાં પોલો મેચ રમતી વખતે તેમને અસ્વસ્થતા અનુભવાવા લાગી અને થોડા સમય પછી તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.
નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર, કરિશ્મા કપૂર (Karisma Kapoor) ના ભૂતપૂર્વ પતિ સંજય કપૂરનું અવસાન રમત દરમિયાન મધમાખી તેના ગળામાં ગઈ અને તેના ડંખથી તેને હાર્ટ એટેક આવ્યો. સંજય કપૂર વિશ્વની અગ્રણી ઓટો કમ્પોનન્ટ કંપનીઓમાંની એક સોના કોમસ્ટારના ચેરમેન હતા. 2015માં તેમના પિતા ડૉ. સુરિન્દર કપૂરના અવસાન બાદ તેણે કંપનીનો હવાલો સંભાળ્યો અને તેને નવા માર્કેટમાં લાયા હતા.
સંજય કપૂરના મૃત્યુ બાદ કંપની શેરમાં ઘટાડો
કંપનીનું માર્કેટ કેપ લગભગ 31,000 કરોડ રૂપિયા (4 બિલિયન ડોલર) છે. સંજયના મૃત્યુ બાદ શેરમાં 7%નો ઘટાડો થયો અને કંપનીમાં ઉત્તરાધિકારી વિશે અટકળો વધી હતી. કંપનીએ એક નિવેદન જારી કરીને કહ્યું, “સંજય કપૂરની વિચારસરણી અને સખત મહેનત હંમેશા અમારી કંપની માટે પ્રેરણારૂપ રહેશે.
અમે અમારા ગ્રાહકો, કર્મચારીઓ અને શેરધારકોને ખાતરી આપીએ છીએ કે કંપનીનું સંચાલન રાબેતા મુજબ ચાલુ રહેશે”. હાલમાં કંપની મેનેજમેન્ટ બોર્ડ દ્વારા ચલાવવામાં આવી રહી છે અને તાજેતરમાં જેફરી માર્ક ઓવરલીને નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
રાની કપૂર શું કહે છે?
સંજય કપૂરના મૃત્યુ બાદ પરિવારમાં વારસદારને લઈને પણ વિવાદ ઉભો થયો છે. તેની માતા રાની કપૂરે આરોપ લગાવ્યો કે શોકના સમયગાળા દરમિયાન તેમને મહત્વપૂર્ણ નિર્ણયોથી દૂર રાખવામાં આવ્યા હતા અને દબાણ હેઠળ કેટલાક દસ્તાવેજો પર સહી કરવામાં આવી હતી.
રાની કપૂરે કંપની બોર્ડ પર પરિવારની સંમતિ વિના સંજયની પત્ની પ્રિયા સચદેવ કપૂરને નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બનાવવાનો આરોપ લગાવ્યો હતો. જોકે, કંપનીએ આ આરોપોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે રાની કપૂર પાસે 2019 થી કોઈ શેર નથી અને બધા નિર્ણયો નિયમો અનુસાર લેવામાં આવ્યા હતા.
પૂર્વ પતિ સંજય કપૂરની પ્રોપર્ટી માંથી કરિશ્મા કપૂર અને તેના બાળકોને શું મળ્યું?
ફોર્બ્સ અનુસાર સંજય કપૂરની કુલ સંપત્તિ લગભગ ₹10,300 કરોડ હતી. તેની વસિયત અને ટ્રસ્ટ હેઠળ, મિલકતની જવાબદારી હવે તેની પત્ની પ્રિયા સચદેવ કપૂરને આપવામાં આવશે. આનો અર્થ એ થયો કે તેના પુત્ર અઝારિયસનો હિસ્સો પરોક્ષ રીતે તેની માતા દ્વારા સંચાલિત કરવામાં આવશે.
બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂરએ સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. બંનેના 2016 માં છૂટાછેડા થઈ ગયા હતા. આ લગ્નથી જન્મેલા બાળકો સમાયરા અને કિયાન માટે નાણાકીય વ્યવસ્થા પહેલાથી જ કરવામાં આવી હતી.
અહેવાલો અનુસાર બંને બાળકોને 14 કરોડ રૂપિયાના બોન્ડ ભેટમાં આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમને દર મહિને 10 લાખ રૂપિયાની નિયમિત આવકની ખાતરી આપવામાં આવી છે. આ સાથે કસ્ટડી ફાળવણી દરમિયાન સંજય કપૂરના પિતાના નામે એક મિલકત પણ કરિશ્મા કપૂરને આપવામાં આવ્યું હતું.