Karisma Kapoor ex husband Sunjay Kapur death investigation | કરિશ્મા કપૂરનો પૂર્વ પતિ સંજય કપૂરનું થોડા દિવસ પહેલા હાર્ટ એટેકને કારણે મૃત્યુ થયું હતું. સંજય કપૂરની માતા રાની કપૂરે યુકે પોલીસને તેના પુત્રના મૃત્યુના સંજોગોની સંપૂર્ણ તપાસ માટે પત્ર લખ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાની કપૂરે સંજયના મૃત્યુની આસપાસના શંકાસ્પદ સંજોગોની તપાસની માંગ કરી છે. સંજય કપૂરનું 12 જૂને અવસાન થયું હતું.
કરિશ્મા કપૂરના ભૂતપૂર્વ પતિ સંજય કપૂરની માતા રાની કપૂર દ્વારા તપાસની માંગ
સંજય કપૂરના પરિવારમાં તેની પત્ની પ્રિયા સચદેવ, બે બાળકો અને તેની બહેનો મંદિરા કપૂર અને સુપર્ણા મોટવાણી છે. ગયા મહિને, સમાચાર એજન્સી ANI સાથે વાત કરતી વખતે રાની કપૂરે કહ્યું હતું કે તેમને હજુ સુધી તેના પુત્રના મૃત્યુનું કારણ ખબર નથી. તેમણે કહ્યું, “મારી પણ હવે ઉંમર થઇ ગઈ છે. હું મારા મૃત્યુ પહેલાં આ મામલે સ્પષ્ટતા ઇચ્છું છું.”
25 જુલાઈના રોજ રાની કપૂરે તેના કાનૂની પ્રતિનિધિઓ દ્વારા સોના કોમસ્ટારના બોર્ડને પત્ર લખીને કંપનીની વાર્ષિક સામાન્ય સભા (AGM) મુલતવી રાખવાની માંગ કરી હતી. તેણે કંપની પર સંજયના મૃત્યુ પછી કૌટુંબિક વારસો હડપ કરવાનું દબાણ કરવાનો અને દસ્તાવેજોનો દુરુપયોગ કરવાનો આરોપ મૂક્યો હતો.
તેના જવાબમાં સોના કોમસ્ટારે કહ્યું કે રાની કપૂર ન તો શેરહોલ્ડર છે અને ન તો કંપનીમાં કોઈ સત્તાવાર પદ ધરાવે છે અને તેથી કોર્પોરેટ નિર્ણયોને પ્રભાવિત કરવાનો કોઈ કાનૂની અધિકાર નથી. કંપનીએ તેના નિવેદનમાં કહ્યું, “વ્યવસાય ચલાવવા માટે તેની સંમતિ જરૂરી નથી.”





