Mamta Kulkarni Mahamandaleshwar Controversy: બોલીવૂડની શ્રેષ્ઠ અને બોલ્ડ અભિનેત્રીઓમાંની એક મમતા કુલકર્ણીએ પોતાના કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે સૈફ અલી ખાન, શાહરૂખ ખાન અને સલમાન ખાન સાથે ઘણી ફિલ્મો કરી છે. જો કે થોડા સમય બાદ એક્ટ્રેસે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું અને અચાનક ત્યાંથી ગાયબ થઇ ગઇ. હવે મમતા કિન્નર અખાડાના મહામંડલેશ્વર બનવાને કારણે ચર્ચામાં છે. જ્યારથી તેને મહામંડલેશ્વર બનાવવામાં આવી છે ત્યારથી જ આ મુદ્દે વિવાદ ચાલી રહ્યો હતો.
મમતા કુલકર્ણીને મહા કુંભ મેળામાં કિન્નર અખાડામાં મહામંડલેશ્વર બનાવવામાં હતી. જો કે ત્યારબાદ વિવાદ થતા તેની મહામંડલેશ્વર પદવી રદ કરવામાં આવી. કિન્નર અખાડાના મહામંડલેશ્વર હિમંગીએ પણ આરોપ લગાવ્યો હતો કે મમતા કુલકર્ણી 10 કરોડ રૂપિયા આપી મહામંડલેશ્વર બની હતી. હવે અભિનેત્રીએ એક ઇન્ટરવ્યૂમાં આનો જવાબ આપ્યો છે. આવો જાણીએ તેણે આ વિશે શું કહ્યું છે.
મમતા કુલકર્ણીના બેંક ખાતા જપ્ત?
મમતા કુલકર્ણીએ હાલમાં જ આપ કી અદાલત શોમાં ભાગ લીધો હતો, જ્યાં તેમણે મહામંડલેશ્વર બનવા અંગે પોતાની ફિલ્મો સહિત પોતાના અંગત અને બિઝનેસ જેવા મુદ્દાઓ પર વાત કરી હતી. આ દરમિયાન તેમને પૂછવામાં આવ્યું કે મહામંડલેશ્વર હિમાંગીએ કહ્યું કે તમે 10 કરોડ આપીને મહામંડલેશ્વર બની ગયા છો. તેના જવાબમાં અભિનેત્રીએ કહ્યું કે, “મારી પાસે 10 તો શું મારી પાસે 1 કરોડ રૂપિયા પણ નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા મારા બેંક ખાતાઓ સીલ કરવામાં આવ્યા છે. તમને તો એ પણ ખબર નથી કે હું મારી જિંદગી કેવી રીતે જીવી રહી છું. મેં ઘણી બધી વસ્તુઓનો ભોગ આપ્યો છે. મારું ખાતું ફ્રીઝ થઈ ગયું છે, મારી પાસે પૈસા નથી. ગુરુને ભેટ આપવી પડે છે, જે મેં ઉધાર લઈ 2 લાખ રૂપિયા આપ્યા છે.
પોતાને માતા કાલીના પ્રતિક તરીકે વર્ણવી
આ પછી જ્યારે મમતા કુલકર્ણીને પૂછવામાં આવ્યું કે તમે કહો છો કે તમારી પાસે માતા કાલીની શક્તિ છે, તેથી રથ મહાકુંભમાં અટકી ગયા. તેના જવાબમાં તેણે કહ્યું કે હું તેનું પ્રતીક છું. તેણે કહ્યું કે તેના ત્રણ એપાર્ટમેન્ટ ખરાબ હાલતમાં છે, ઉધઇ લાગી ગયા છે અને નાણાકીય કટોકટીને કારણે 23 વર્ષથી ખોલવામાં આવ્યા નથી. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, સીબીઆઈના એક અધિકારીએ પ્રમોશન મેળવવા માટે તેમનું નામ એક કેસ સાથે જોડ્યું હતું, પરંતુ બાદમાં તેમને તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા. આખરે હાઈકોર્ટે આ કેસને ફગાવી દીધો હતો.