બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા આજે ગ્લોબલ સ્ટાર બની ગઇ છે. ત્યારે પ્રિયંકા ટૂંક સમયમાં હોલિવૂડ વેબ સીરિઝ ‘સિટાડેલ’માં જોવા મળશે. તેમની આ સીરિઝ ટૂંક સમયમાં પ્રસારિત થવાની છે. આ વચ્ચે પ્રિયંકા ચોપરાને લઇને એવા સમાચાર પ્રકાશમાં આવ્યાં છે કે, અભિનેત્રી ન્યૂયોર્કમાં આયોજિત મેટ ગાલા ઈવેન્ટમાં ભાગ લઇને પોતાની અદાઓનો જલવો વિખેરશે. મેટ ગાલા ઈવેન્ટ 1લી મેથી શરૂ થશે.
વેરાયટીના સિનિયર કલ્ચર એન્ડ ઈવેન્ટ્સ એડિટર માર્ક માલ્કિને ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપતા કહ્યું હતું કે, પ્રિયંકા ચોપરા પણ મેટ ગાલાનો એક ભાગ છે. પ્રિયંકા ચોપરાએ મને હમણાં જ કહ્યું કે, તે સોમવારે મેટ ગાલામાં હશે. આ સિવાય માર્કે ટ્વીટમાં એ પણ જણાવ્યું કે, પ્રિયંકા ચોપરાએ પણ તેની સાથે તેના લુક વિશે વાત કરી જે થીમ આધારિત હશે.
મેટ ગાલા 2023માં પ્રિયંકા ચોપરા ઉપરાંત આલિયા ભટ્ટ અને અન્ય ઘણા સ્ટાર્સ પણ ભાગ લેશે. રિપોર્ટ અનુસાર, આલિયા ભટ્ટ મેટ ગાલામાં ડેબ્યૂ કરવા જઈ રહી છે અને તે ઈવેન્ટમાં ડિઝાઈનર પ્રબલ ગુરુંગે ડિઝાઈન કરેલા આઉટફિટમાં જોવા મળશે. મહત્વનું છે કે, પ્રિયંકા ચોપરા આ પહેલા ત્રણ વખત મેટ ગાલા ઈવેન્ટમાં હાજરી આપી ચૂકી છે. વર્ષ 2023માં તે આ ઈવેન્ટમાં ચોથી વખત ભાગ લેશે.
પ્રિયંકા ચોપરાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેની નવી વેબ સીરિઝ સિટાડેલમાં હોલીવુડ સ્ટાર રિચર્ડ મેડન સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે.આ સિરીઝમાં પ્રિયંકા ચોપરા એક્શન અને સ્ટંટ સિક્વન્સ કરતી જોવા મળશે. પ્રિયંકા ચોપરાનું સિટાડેલ 28 એપ્રિલ, 2023ના રોજ એમેઝોન પ્રાઇમ વિડિયો પર પ્રસારિત થશે.