Aamir Khan 3 Idiots Millimetre Rahul Kumar married : શું તમને આમિર ખાનની ફિલ્મ “3 ઇડિયટ્સ” નો રમતિયાળ અને બુદ્ધિશાળી છોકરો “મિલીમીટર” યાદ છે, જે કપડાં ઇસ્ત્રી કરતો હતો? એન્જિનિયરિંગ કોલેજ કેમ્પસમાં રેન્ચો અને તેના મિત્રોને મદદ કરનાર તે નાના પાત્રએ દર્શકના દિલમાં અમીટ છાપ છોડી હતી. આ પાત્ર ભજવનાર અભિનેતા રાહુલ કુમાર હવે મોટો થઈ ગયો છે. જોકે તેને ઓળખવો ઘણો મુશ્કેલ બની ગયો છે. રાહુલે લગ્ન પણ કરી લીધા છે અને તેમની પ્રેમ કહાની એકદમ ફિલ્મી છે.
રાહુલની પ્રેમ કહાની ફિલ્મી સ્ક્રિપ્ટ જેવી જ છે
રાહુલની કહાની ફિલ્મી સ્ક્રિપ્ટ જેવી જ છે. હાલમાં જ તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તે પોતાની પત્ની કેઝીબાન દોગન સાથે દેખાય છે. નવી દિલ્હીમાં એક પોટ્રેટ ફોટોગ્રાફરે તેમને જોયા અને સહજ રીતે પૂછ્યું કે શું તે તેમનો પોટ્રેટ લઈ શકે છે. રાહુલ અને કેઝીબાન હસ્યા અને સંમત થયા હતા.
ફોટોગ્રાફરે તેમનું નામ પૂછતાં જ રાહુલે હસતાં હસતાં જવાબ આપ્યો કે હું રાહુલ છું અને આ મારી પત્ની કેઝીબાન છે. તે તુર્કીથી છે. આ સાંભળી ફોટોગ્રાફર આશ્ચર્યચકિત થયો અને મજાકમાં પૂછ્યું કે ઓહ, તો લગ્ન થઇ ચુક્યા છે? કેઝીબાને હસતાં હસતાં જવાબ આપ્યો, હા, અમારા લગ્ન 4 મેના રોજ થયા હતા. જ્યારે ફોટોગ્રાફરે જિજ્ઞાસાપૂર્વક પૂછ્યું કે તેઓ કેવી રીતે મળ્યા ત્યારે કેઝીબાને કહ્યું કે મેં 3 ઇડિયટ્સ ફિલ્મ જોઇ હતી, જેમાં તે મિલિમીટર હતો. ફિલ્મ જોયા પછી મેં તેને મેસેજ કર્યો અને પછી અમે વાત કરવાનું શરૂ કર્યું હતું. તે લગભગ 14 વર્ષ પહેલાની વાત છે.
આ પણ વાંચો – રશ્મિકા મંદાના વિજય દેવરકોંડા ઉદયપુરમાં લગ્ન કરશે?
રાહુલે સફેદ શર્ટ અને બેજ રંગનું પેન્ટ પહેર્યું હતું, જ્યારે કેઝીબાન લાલ સૂટમાં ખૂબ જ સુંદર દેખાતી હતી. રાહુલ માત્ર એક અભિનેતા જ નહીં, પણ એક ગાયક અને સંગીતકાર પણ છે. તે બંદિશ બેન્ડિટ્સ, કેમ્પસ બીટ્સ અને સંદીપ ઔર પિંકી ફરાર જેવા પ્રોજેક્ટ્સમાં જોવા મળ્યો છે.
લોકોએ કરી કોમેન્ટ
વીડિયો વાયરલ થતાં જ પ્રશંસકો ઘણી કોમેન્ટ કરવા લાગ્યા હતા. એકે યુઝરે લખ્યું કે મિલિમીટર હવે કિલોમીટર બની ગયો છે. અન્યએ લખ્યું કે તમે બંને એકસાથે ખૂબ જ સુંદર લાગો છે. એક યુઝરે કહ્યું કે રાહુલ પહેલા પણ ક્યૂટ હતો પણ હવે તે હેન્ડસમ લાગી રહ્યો છે અને તેની પત્ની એક પરી છે.





