શાનદાર અભિનયથી લાખો લોકોના દિલમાં પ્રભુત્વ જમાવનાર અભિનેતા નવાઝુદ્દીન સિદ્ધીકી અને સુંદરતામાં મોખરે નામ આવતી અભિનેત્રી ઉર્વશી રૌતેલા ચર્ચામાં છે. આમ તો ઘણા સમયથી બંને કલાકારો પોતાના અંગત જીવનને કારણે પૂરજોશમાં ચર્ચામાં છે. પરંતુ આ વખતે તેઓ સેન્ટ્રલ કન્ઝયુમર પ્રોટેક્શન ઓથિરિટી દ્વારા નોટિસ ફટકારવામાં આવી હોવાથી લોકોના જીભે ચડ્યાં છે. ક્યા કારણથી તેઓને નોટિસ ફટકારવામાં આવી અને સમગ્ર મામલો શું છે તે અંગે આ અહેવાલમાં વાંચો.
પ્રાપ્ત વિગત અનુસાર, નવાઝુદ્દીન સિદ્ધીકી અને ઉર્વશી રૌતેલાનું નોટિસનું કારણ ગેમિંગ કંપની લોટસ 365 હોવાનું સામે આવ્યું છે. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, લોટસ 365 વર્ષ 2015થી ભારતનું સૌથી વિશ્વસનીય સ્પોર્ટ્સ એક્સચેન્જ છે. CCPAએ કંપનીને તેના પુરાવા રજૂ કરવા કહ્યું છે. લોટસ 365ને નવાઝુદ્દીન સિદ્દીકી અને ઉર્વશી રૌતેલા પણ પ્રમોટ કરે છે અને આ બંને કલાકારોને કંપનીને એન્ડોર્સ કરવા માટે નોટિસ પણ આપવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, સમગ્ર મામલે ઉર્વશી અને નવાઝુદ્દીનને પૂછવામાં આવ્યું છે કે, એન્ડોર્સ કરતા પહેલા તેઓએ કંપનીનો દાવો સાચો હોવાનું કેવી રીતે જાણ્યુ હતું. કન્ઝ્યુમર્સ અફેયર્સ મિનિસ્ટ્રી સેલેબ્સને ઉત્પાદનો માટે સાઇન અપ કરતા પહેલા ‘સ્પેસિફિક ડીલીજેન્સ’ કરવાનું કહ્યું હતું.
આ સેલેબ્સે એ પણ સાબિત કરવું પડશે કે તેઓએ બ્રાન્ડ દ્વારા કરવામાં આવેલા દાવાઓને સમર્થન આપતા પહેલા તેમની પ્રામાણિકતા કેવી રીતે ચકાસી છે. નવાઝુદ્દીન અને ઉર્વશીની સાથે કુલ 3 સેલેબ્સને તેની નોટિસ મળી છે, જેમાં તેમને કંપનીની ભ્રામક જાહેરાતને એન્ડોર્સ કરવા વિશે પૂછવામાં આવ્યું છે.