OMG 2 Release Date : બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર તેની આગામી ફિલ્મ ‘OMG 2’ને કારણે સતત ચર્ચામાં છે. વર્ષ 2012માં રિલીઝ થયેલી અક્ષય કુમાર અને પરેશ રાવલ સ્ટારર ફિલ્મ ઓહ માય ગોડ ઘણી હિટ સાબિત થઇ હતી. હવે, ઓહ માય ગોડની સફળતાના 11 વર્ષ પછી અક્ષય કુમાર સોશિયલ કોમેડી ઓહ માય ગોડ 2 સાથે પાછો ફર્યો છે. આ ફિલ્મને લઇને દર્શકોમાં ભારે ઉત્સાહ છે. આ વચ્ચે આજે સોમવારે OMG 2નું ટીઝર રિલીઝ થઇ ગયું છે. રસપ્રદ વાત એ છે કે, ઓહ માય ગોડમાં અક્ષય કુમારને ભગવાન કૃષ્ણ તરીકે દર્શવવામાં આવ્યો હતો, જ્યારે આ વખતે અભિનેતા શિવજીના રૂપમાં જોવા મળશે.
‘ઓહ માય ગોડ 2’માં અક્ષય કુમાર, યામી ગૌતમ અને પંકજ ત્રિપાઠી પણ મુખ્ય ભૂમિકામાં છે. OMG 2ના ટીઝરની વાત કરીએ તો ટીઝરની શરૂઆત પંકજ ત્રિપાઠીના અવાજથી થાય છે. પંકજ ત્રિપાઠી કહે છે કે, ભગવાન હોય કે ન હોય, વ્યક્તિ આસ્તિક કે નાસ્તિક હોવાનો પુરાવો આપી શકે છે. પણ ભગવાન પોતે બનાવેલા માણસો વચ્ચે ક્યારેય ભેદ કરતા નથી. નાસ્તિક કાનજી લાલ મહેતા હોય કે આસ્તિક કાન્તિ શરણ મુદગલ હોય, દુ:ખની હાકલ તેમને હંમેશા પોતાના લોકો તરફ ખેંચી જ લે છે.
આ પછી અક્ષય કુમારની એન્ટ્રી થાય છે. તે પંકજ ત્રિપાઠીને કહે છે કે, ‘રખ વિશ્વાસ તુ હૈ શિવ કા દાસ’. એકંદરે ટીઝર એકદમ પાવરફુલ લાગે છે. અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠી મજબૂત દેખાઈ રહ્યા છે. ટીઝર આપીને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ ફિલ્મ OMG જેટલી સફળ રહેશે. રસપ્રદ વાત એ છે કે, OMG 2માં અરુણ ગોવિલ ભગવાન રામના રોલમાં જોવા મળશે. અરુણ ગોવિલે પણ રામાનંદ સાગરની રામાયણમાં ભગવાન શ્રીરામનું પાત્ર ભજવ્યું હતું.
આ ફિલ્મ 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે. મહત્વનું છે કે, અક્ષય કુમાર માટે આ ફિલ્મ સુપરહિટ જાય તે ખુબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે તેની ગયા વર્ષે મોટા બજેટની ફિલ્મો ખરાબ રીતે સિનેમાઘરોમાં નીચે પટકાઇ ગઇ છે. જેમાં સમ્રાટ પૃથ્વીરાજ, બચ્ચન પાંડે, રામ સેતુ, સેલ્ફી અને અતરંગી રે જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.