Palash Muchhal Meet Premanand Maharaj : સ્મૃતિ મંધાના અને સંગીતકાર પલાશ મુછલના લગ્ન સ્થગિત થયા બાદ ઘણી અટકળો થઇ રહી છે. લગ્નની આગલી રાતે તબિયત બગડતા સ્મૃતિ મંધાનાના પિતાને હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ લગ્ન મુલતવી રાખવામાં આવ્યા હતા. પરંતુ ત્યારબાદ સમાચાર આવ્યા કે પલાશે સ્મૃતિ સાથે છેતરપિંડી કરી હતી અને તેના કારણે લગ્ન તૂટી ગયા છે. જો કે હજી સુધી બંને તરફથી આ વિશે કોઇ સત્તાવાર નિવેદન આવ્યું હતું. પલાશ મુછલ સાથે લગ્ન સ્થગિત થયા બાદ સ્મૃતિ મંધાના એ લગ્નને લગતા તમામ વીડિયો અને ફોટા પોતાના ઇન્સ્ટાગ્રામ પરથી ડિલિટ કરી દીધા હતા. આ દરમિયાન પલાશ મુછલ વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજ પાસે ગયો છે.
પલાશ મુછની એક તસવીર વાયરલ થઈ રહી છે જેમાં તે આગળની હરોળમાં હાથ જોડીને બેઠો છે. વાયરલ ફોટામાં પલાશ મુછલ સફેદ શર્ટ અને બ્લેક જેકેટ પહેરેલો જોવા મળે છે. લગ્ન મુલતવી રાખ્યા પછી પલાશ મુછલનો આ બીજો પબ્લિક લુક છે. આ અગાઉ મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયો હતો.
સ્મૃતિ અને પલાશ લગ્ન સ્થગિત
હાલમાં જ પલાશ મુછલ અને સ્મૃતિ મંધાનાના લગ્નની નવી તારીખ 7 ડિસેમ્બર નક્કી કરવામાં આવી હોવાની અફવાઓ પણ ફેલાઈ હતી. પરંતુ સ્મૃતિના ભાઈ શ્રવણ મંધાનાએ હવે આ અટકળોનો જવાબ આપ્યો છે. શ્રવણે આ દાવાઓ વિશે વાત કરી હતી અને ખુલાસો કર્યો હતો કે લગ્ન મુલતવી રાખવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, મને આ અફવાઓ વિશે કોઈ ખ્યાલ નથી. હાલ સુધી લગ્ન સ્થગિત કરવામાં આવ્યા છે. ”
સ્મૃતિ અને પલાશ વચ્ચે શું થયું?
સ્મૃતિ અને પલાશ ૨૩ નવેમ્બરે લગ્ન કરવાના હતા. જો કે, તેના પિતા બીમાર પડ્યા બાદ લગ્ન સ્થગિત કરવામાં આવ્યા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સોશિયલ મીડિયા પેજ અને ઓનલાઇન ફોરમ પર દાવો કરવામાં આવ્યો હતો કે પલાશ મુછલે સ્મૃતિ મંધાનાને દગો આપ્યો છે. સ્મૃતિ મંધાના એ પોતાના લગ્નને લગતી તમામ પોસ્ટ્સ ડિલીટ કર્યા બાદ અફવાઓ તેજ થઇ હતી, તેમજ તેની ભારતીય ક્રિકેટ ટીમના સભ્યોએ તેમની પોસ્ટ્સ ડિલીટ કરી દીધી હતી. વિશ્વાસઘાતની અફવાઓ ફેલાયા બાદ લગ્નના કોરિયોગ્રાફર નંદિકા દ્વિવેદી અને ગુલનાઝ ખાનને પણ વિવાદમાં ખેંચવામાં આવ્યા હતા.
આ દરમિયાન, પલાશ મુછલને સાંગલીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં લગ્ન થવાના હતા, અને ત્યારબાદ તેના પરિવાર સાથે મુંબઈ પરત ફર્યો હતો. તેની માતાએ પલાશનો બચાવ કરતા કહ્યું હતું કે સ્મૃતિના પિતાની હાલત જોઈને તે પણ બીમાર પડ્યો હતો કારણ કે તે તેની ખૂબ નજીક હતો. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે પલાશે સ્મૃતિના પિતાની નાદુરસ્ત તબિયતને કારણે લગ્ન સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. આ બધી અટકળો વચ્ચે બંને સેલેબ્રિટી અને તેમના પરિવારોએ ચૂપ રહેવાનું પસંદ કર્યું છે.





