Mahabharat Actor Pankaj Dheer Passes Away : મહાભારત સિરિયલમાં કર્ણનું પાત્ર ભજવી લોકપ્રિયતા મેળવનાર કલાકાર પંકજ ધીરનું નિધન થયું છે. 15 ઓક્ટોબર, બુધવારે સવારે 11.30 વાગ્યે અભિનેતાનું નિધન થયું હતું. મૃત્યુનું કારણ હજુ જાહેર થયું નથી, પરંતુ તેમના નિધનથી તેમના ચાહકોને ઊંડો આઘાત લાગ્યો છે.
મહાભારતમાં અર્જુનનો રોલ કરનાર અભિનેતા ફિરોઝ ખાને પંકજ ધીરના નિધનની પુષ્ટિ કરતાં ઊંડો શોક વ્યક્ત કર્યો છે. ફિરોઝ ખાન પંકજ ધીરના ગાઢ મિત્ર હતા. અમર ઉજાલા સાથે વાત કરતાં તેમણે કહ્યું કે હા, એ વાત સાચી છે કે તેઓ હવે આ દુનિયામાં નથી. વ્યક્તિગત રીતે, મેં એક ખૂબ જ સારો મિત્ર ગુમાવ્યો, તે ખૂબ જ પ્રેમાળ વ્યક્તિ હતા. હું હજી આઘાતમાં છું, મને ખબર નથી કે શું બોલવું. તે હકીકતમાં સારા વ્યક્તિ હતા અને હું હમણાં તેનાથી વધુ કંઇ કહી શકતો નથી.
મહાભારતના કર્ણ પંકજ ધીર કેન્સર સામે યુદ્ધ હારી ગયા
પંકજ ધીર કેન્સર સામે ઝઝૂમી રહ્યો હોવાની માહિતી મળી હતી. તેઓ આ બીમારી માંથી સ્વસ્થ પણ થઈ ગયા હતા, પરંતુ થોડા મહિના પહેલા ફરીથી કેન્સરે ઉથલો માર્યો અને તેમને આઈસીયુમાં દાખલ કરવા પડ્યા હતા. આ પછી તેમની મોટી સર્જરી કરવામાં આવી હતી.
પંકજ ધીરના નિધન બાદ મંગળવારે સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશન (સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ્સ એસોસિએશન) દ્વારા એક સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું, જેમા પંકજ ધીરના નિધનના સમાચારની પુષ્ટિ કરવામાં આવી હતી.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ખૂબ જ દુ:ખ અને ઊંડા શોક સાથે અમે તમને જણાવીએ છીએ કે અમારા ટ્રસ્ટના ભૂતપૂર્વ અધ્યક્ષ અને CINTAAના ભૂતપૂર્વ માનનીય મહાસચિવ પંકજ ધીરજીનું 15મી ઓક્ટોબર 2025ના રોજ અવસાન થયું છે. તેમના અંતિમ સંસ્કાર આજે સાંજે 4.30 કલાકે પવન હંસની બાજુમાં મુંબઈના વિલે પાર્લે (પશ્ચિમ) ખાતે કરવામાં આવશે. ”
આ પણ વાંચો | પંકજ ધીર કર્ણ નહીં આ રોલ કરવાના હતા, તો બીઆર ચોપડાએ રોલ કેમ બદલ્યો? વાંચો રસપ્રદ કહાણી
પંકજ ધીરનો પુત્ર નિકેતન ધીર પણ એક અભિનેતા છે, તેને બોલિવૂડ ફિલ્મ ‘ચેન્નાઈ એક્સપ્રેસ’માં થંગબલિના રોલથી ઘણી લોકપ્રિયતા મળી હતી. નિકેતનની પત્ની કૃતિકા સેંગર પણ એક અભિનેત્રી છે, તેણે શો રાણી ઓફ ઝાંસીમાં રાણી લક્ષ્મીબાઈનો રોલ કર્યો હતો. આ ઉપરાંત તેણે રિમેરેજ, કસમ અને કસૌટી જિંદગી કી જેવા શોમાં પણ કામ કર્યું છે.