પંકજ ઉધાસ નિધન : પ્રખ્યાત ગઝલકાર ગુજરાત કનેક્શન, પરિવાર, શિક્ષણ, કરિયરથી લઈ બધુ જ

પંકજ ઉધાસનું નિધન થયું છે, તો જોઈએ તેમનું ગુજરાત કનેક્શન, તેમનો પરિવાર, શિક્ષણ, કરિયર, આલ્મબ, ફિલ્મી ગીતો, ગઝલો જેવી જાણી અજાણી બધી જ વાતો.

Written by Kiran Mehta
Updated : February 26, 2024 19:00 IST
પંકજ ઉધાસ નિધન : પ્રખ્યાત ગઝલકાર ગુજરાત કનેક્શન, પરિવાર, શિક્ષણ, કરિયરથી લઈ બધુ જ
પંકજ ઉધાસ અલવિદા (ફોટો - ઈન્સ્ટાગ્રામ)

પંકજ ઉધાસ નિધન : પ્રખ્યાત ગઝલકાર અને ગાયક પંકજ ઉધાસનું નિધન થયું છે. તેમનું લાંબી માંદગી બાદ મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં આજે અવસાન થયું છે. આ સમાચાર તેમની પુત્રીએ ઈન્સ્ટાગ્રામ દ્વારા જાહેર કર્યા છે. પંકજ ઉધાસના અંતિમ સંસ્કાર આવતીકાલે મંગળવારે કરવામાં આવશે. તો તમને જણાવી દઈએ કે, તેમનો જન્મ ગુજરાતમાં થયો હતો, અને બચપન તેમણે રાજકોટ જિલ્લાના એક ગામમાં વિતાવ્યું, તો જોઈએ તેમના જન્મથી લઈ તેમના કરિયરની કેટલીક વાતો.

પંકજ ઉધાસ કોણ છે

પંકજ ઉધાસ એક પ્રખ્યાત ગઝલકાર અને ગાયક છે. તેમનો જન્મ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના ચરખડી ગામ કસ્બામાં 17 મે 1951માં થયો હતો. તેમના માતા પિતા કેશુભાઈ અને જિતુબેન ના તે ત્રીજા નંબરના સંતાન હતા. તમને એ પણ જણાવી દઈએ કે, પંકજ ઉધાસના દાદા જમીનદાર હતા, અને તે ગામના પહેલા સ્નાતક હતા, તેઓ ભાવનગર સ્ટેટના દિવાન હતા. પંકજ ઉધાસ ત્રણ ભાઈઓમાં સૌથી નાના હતા. તેમના મોટા બે ભાઈના નામ મનહર ઉધાસ અને નિર્મલ ઉધાસ, તેઓ પણ ગાયક કલાકાર છે, પરંતુ સૌથી પહેલા ગાયકી પંકજ ઉધાસે શરૂ કરી હતી.

પંકજ ઉધાસ શિક્ષણ અને કરિયર

પંકજ ઉધાસ દ્વારા પ્રારંભિક શિક્ષણ તેમના ગામમાં શરૂ થયું હતુ. ત્યારબાદ તેમણે ભાવનગર બીપીટીઆઈ માં અભ્યાસ કર્યો. આ સમયમાં તેમના પિતા કેશુભાઈ પરિવાર સાથે મુંબઈ જઈ વસ્યા. જેથી તેમણે કોલેજ મુંબઈની સેંટ ઝેવિયર્સમાં પૂર્ણ કરી.

Pankaj Udhas childhood photo
પંકજ ઉધાસ બાળપણનો ફોટો (ફોટો – પંકજ ઉધાસ ઈન્સ્ટાગ્રામ)

પંકજ ઉધાસ સંગીત સાથે રૂચી

કહેવાય છે કે, પંકજ ઉધાસના પિતાની મલાકાત એક સમયે પ્રખ્યાત વીણા વાદક અબ્દુલ કરીમ ખાન સાથે થઈ, તેમણે તેમને દિલરૂબા વગાડવાનું શિખવ્યું. તેમના પિતા એકતાર વાળુ દિલરૂબા વગાડતા ત્યારે પુત્રોની પણ સંગીતમાં રૂચી જોઈ તેમના પિતાએ પંકજ ઉધાસને રાજકોટની સંગીત અકાદમીમાં એડમિશન અપાવ્યું અને અહીંથી તેમની સંગતની દુનિયામાં એન્ટ્રી થઈ. શરૂઆતમાં પંકજ ઉધાસે તબલાવાદક બનવાનું નક્કી કર્યું, પરંતુ બાદમાં ગુલામ કાદિર ખાન પાસે શાસ્ત્રીય સંગત શિખ્યું, ત્યારબાદ ગ્વાલિયર ઘરાનાના નવરંગ નાગપુરના પ્રશિક્ષણમાં મુંબઈ ગયા.

પંકજ ઉધાસનું પહેલુ ગીત કામના ફિલ્મમાં હતું

પંકજ ઉધાસના કરિયરની વાત કરીએ તો, તેમનું પહેલુ ગીત ફિલ્મ “કામના” માં હતું, જે ઉષા ખન્નાએ કમ્પોઝ કર્યું હતું અને નકાશ લાયલપુરીએ લખ્યું હતું, ફિલ્મ ફ્લોપ રહી હતી પરંતુ તેના ગાયનની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. ત્યારબાદ, ઉધાસે ગઝલમાં રસ દાખવ્યો અને ગઝલ ગાયક તરીકે કારકિર્દી બનાવવા માટે ઉર્દૂ શીખી. તેમણે કેનેડા અને અમેરિકામાં ગઝલના જલસા કરવામાં દસ મહિના ગાળ્યા અને નવા જોશ અને આત્મવિશ્વાસ સાથે ભારત પાછા ફર્યા. તેમનું પ્રથમ ગઝલ આલ્બમ, આહત, 1980 માં રજૂ થયું હતું. અહીંથી જ તેને સફળતા મળવા લાગી અને 2011 સુધીમાં તેણે પચાસથી વધુ આલ્બમ્સ અને સેંકડો સંકલન આલ્બમ બહાર પાડ્યા છે.

પંકજ ઉધાસને વધુ ઓળખ ‘ચિટ્ઠી આઈ હૈ’ ગીતથી મળી

પંકજ ઉધાસને 1986માં ફિલ્મ ‘નામ’માં અભિનય કરવાની બીજી તક મળી અને તેમણે આ ફિલ્મમાં ‘ચિટ્ઠી આઈ હૈ’ ગીત ગાયું, જેણે તેમને ખ્યાતિ અપાવી. 1990 માં, તેમણે ફિલ્મ ‘ઘાયલ’ માટે લતા મંગેશકર સાથે મધુર યુગલ ગીત “માહિયા તેરી કસમ” ગાયું હતું. આ ગીતે પણ જબરદસ્ત લોકપ્રિયતા મેળવી. 1994માં, ઉધાસે સાધના સરગમ સાથે ફિલ્મ મોહરાનું નોંધપાત્ર ગીત “ના કજરે કી ધર” ગાયું હતું, તે પણ ખૂબ લોકપ્રિય પણ બન્યું હતું.

પંકજ ઉધાસે પ્લેબેક સિંગર તરીકે કામ કરવાનું ચાલુ રાખ્યું અને સાજન, યે દિલ્લગી, નામ અને ફિર તેરી કહાની યાદ આયી જેવી ફિલ્મોમાં થોડા ઓન-સ્ક્રીન દેખાવ કર્યા. ડિસેમ્બર 1987માં મ્યુઝિક ઈન્ડિયા દ્વારા લોન્ચ કરાયેલ તેમનું આલ્બમ શગુફ્તા, ભારતમાં કોમ્પેક્ટ ડિસ્ક પર રજૂ થનારું પ્રથમ આલ્બમ હતું. પાછળથી, ઉધાસે સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન પર આદબ આરઝ હૈ નામનો ટેલેન્ટ સર્ચ ટેલિવિઝન પ્રોગ્રામ શરૂ કર્યો, કહેવાય છે કે, અભિનેતા જ્હોન અબ્રાહમ ઉધાસને તેના ગુરુ કહે છે.

પંકજ ઉધાસ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત

પંકજ ઉધાસને 2006 માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને કેન્સરના દર્દીઓ અને થેલેસેમિક બાળકો માટે તેમના મહાન યોગદાન બદલ અને ગઝલ ગાયન કલા માટે આ પદથી આપવામાં આવ્યા હતા. આ સિવાય પણ તેમણે તેમના જીવનમાં તેમની ગાયીકીમાં સફળતાના ભાગરૂપે લંડન, અમેરિકા સહિત ભારતમાં કુલ 18 જેટલા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

પંકજ ઉધાસ આલ્મબ

પંકજ ઉધાસે આ સિવાય 53 જેટલા આલ્બમ જાહેર કર્યા છે. જેમાં આહત, નશા, મુકરર, તરન્નુમ, મહેફિલ, શામખાના, પંકજ ઉધાસ આલ્બર્ટ હોલ ખાતે લાઈવ, નયાબ, દંતકથા, ખઝાના, આફરીન, શગુફ્તા, નબીલ, આશિયાના, એક ધૂન પ્યાર કી, રૂબાઈ, તીન મૌસમ, ગીતનુમા, કૈફ, ખ્યાલ, ઈક આદમી, વો લડકી યાદ આતી હૈ, ચુરાએ હુએ પલ, મહેક, ઘૂંઘટ, મુસ્કાન, ધડકન, પંકજ ઉધાસના શ્રેષ્ઠ ખંડ – 1,2, 3,4, લમ્હા, જેનમન, જશ્ન, અપાર પ્રેમ, શાયર, રજુઆત, બૈસાખી, યાદ, કભી આંસુ કભી ખુશ્બૂ કભી નઘુમા, હમનશી, ઈન સર્ચ ઓફ મીર, હસરત, ભાલોબાશા, યારા, શબ્દ, શાયર, બરબાદ મોહબ્બત, નશીલા, ભાવુક, ખામોશી કા આવાજ, ખ્વાબોં કી કહાની, મદહોશ અને ગુલઝાર કે સાથ નાયબ લમ્બેનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો – Pankaj Udas passes away : પંકજ ઉધાસ નું નિધન, પ્રખ્યાત ગાયકે 73 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ઉલ્લેખનીય છે કે, આ સિવાય પંકજ ઉધાસે 1970 થી 2016 સુધીમાં 64 જેટલી ફિલ્મોના ગીતમાં તેમનો અવાજ આપ્યો છે. જેમાં ચિટ્ઠી આઈ હૈ, ચાંદી જૈસા રંગ હૈ તેરા, માહિયા તેરી કસમ, જીયે તો જીયે કૈસે, એક પલ એક દીન, દિલ દેતા હૈ રો રો દુહાઈ, ખુદા કરે મોહબ્બત મે, છૂપાના ભી નહી આતા, ના કજરે કી ધાર જેવા સુપર હીટ પણ આપ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ