Parineeti Raghav Chadha : બોલિવૂડની જાણીતી અભિનેત્રી પરિણીતી ચોપરા અને આપ નેતા રાધવ ચઢ્ઢા પોતાના લગ્નના સમાચારને કારણે સતત ચર્ચામાં છે. આ યુગલે 13 મેના રોજ સગાઇ કરી રિલેશનશીપ પર સત્તાવાર મુહર લગાડી દીધી છે. હવે ચાહકો આ કપલ ક્યારે લગ્ન કરશે તેની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ત્યારે ફેન્સનો ઇંતજાર હવે ખતમ થવા જઇ રહ્યો છે. મળતી માહિતી અનુસાર પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા આગામી 23 અને 24 સપ્ટેમ્બરના રોજ લગ્ન કરશે. હાલમાં પરિણીતી અને રાઘવનું રિસેપ્શન કાર્ડ સોશિયલ મીડિયા પર જોરશોરથી ચર્ચામાં છે.
આ દંપતીના વેડિંગ કાર્ડમાં લખ્યું છે કે, આશીર્વાદ સાથે, શ્રી પીએન ચઢ્ઢા અને શ્રીમતી ઉષા અને સચદેવા, અલકા અને સુનીલ ચઢ્ઢા તમને તેમના પુત્ર રાઘવ અને પરિણીતીના રિસેપ્શન લંચ માટે આમંત્રિત કરે છે. કાર્ડમાં આપવામાં આવેલી વિગત પ્રમાણે આ રિસેપ્શન પાર્ટી તાજ ચંદીગઢ ખાતે 30 સપ્ટેમ્બરના રોજ યોજાશે.
પ્રાપ્ત વિગત અનુસાર, પરિણીતી અને રાઘવ ચઢ્ઢાના લગ્નના ફંક્શન 23 સપ્ટેમ્બરથી પ્રારંભ થઇ જશે. જેમાં મહેંદી, હળદક અને સંગીત સેરેમની થશે. મહત્વનું છે કે, આ સ્ટાર કપલ ઉદયપુરના લીલા પેલેસમાં શાનદાર રીતે લગ્ન કરી જન્મ જન્માંતર માટે એકબીજાના થઇ જશે. તેથી હોટલ અને વેડિંગ વેન્યુનું બુકિંગ થઇ ગયું છે.
રિપોર્ટ્સ અનુસાર લગ્નના લગભગ 10 દિવસ પહેલા કપલ તમામ તૈયારીઓ શરૂ કરી દેશે. સાથે જ તેમના લગ્ન પણ ભવ્ય રીતે થશે. લગ્નમાં પરિવારના સભ્યો ઉપરાંત ખાસ મિત્રો અને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીથી લઈને રાજકારણ સુધીના દિગ્ગજોને આમંત્રિત કરવામાં આવશે. આ ફંક્શનમાં 200 લોકો સામેલ થયાના સમાચાર છે. મોટાભાગના મહેમાનોને ઓબેરોય હોટેલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે.
નોંધનીય છે કે, પરિણીતી અને રાઘવ કોલેજકાળથી એકબીજાને ઓળખે છે. આ કપલે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં સાથે અભ્યાસ કર્યો હોવાનું કહેવાય છે. જો કે, ત્યારે તેઓ રિલેશનશિપમાં નહોતા. તેમની લવ સ્ટોરી ફિલ્મ ‘ચમકિલા’ના સેટ પરથી શરૂ થઈ હતી. ત્યારે રાઘવ એક મિત્ર તરીકે અભિનેત્રીને મળવા ગયો હતો. આ પછી તેમની મુલાકાતોનો સિલસિલો વધતો ગયો. વર્ષો સુધી ડેટિંગ કર્યા પછી, કપલે 13 મેના રોજ તેમને સગાઈ કરી.





