બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ રેકોર્ડબ્રેક કમાણી કરી રહી છે. કિંગ ખાનની ફિલ્મે રિલીઝ પહેલા જ રેકોર્ડ તોડવાનું શરૂ કરી દીધું હતું જે હજુ પણ યથાવત છે. એડવાન્સ બુકિંગથી લઈને સૌથી ઝડપી 100 કરોડ, 200 કરોડ અને 250 કરોડની કમાણી કરનાર પઠાણ સૌથી ઝડપી 300 કરોડની ક્લબમાં પહોંચનારી પ્રથમ ફિલ્મ બની ગઈ છે. મળતી માહિતી અનુસાર, આ ફિલ્મે તેની રિલીઝના આઠ દિવસમાં વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર કુલ રૂ. 667 કરોડનું કલેક્શન કરવામાં સફળ રહી છે.
યશ રાજ ફિલ્મસના જણાવ્યા અનુસાર, ‘પઠાણ’એ ભારતમાં આઠમા દિવસે રૂ. 18.25 કરોડની નેટ કમાણી કરી હતી, જેમાં હિન્દીમાં રૂ. 17.50 કરોડ અને ડબ કરેલા વર્ઝનમાં રૂ. 75 લાખનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, શાહરૂખ ખાને લગભગ પાંચ વર્ષ બાદ મોટા પડદા પર કમબેક કર્યું છે. આવામાં શાહરૂખ ખાન માટે ‘પઠાણ’ હિટ જાય તે ખુબ મહત્વપૂર્ણ હતું. તેમજ ‘પઠાણ’ રિલીઝ થયા પહેલા ફિલ્મ વિરુદ્ધ જોરશોરમાં વિરોધ પ્રદર્શન થયું હતું.
તદ્ઉપરાંત શાહરૂખ ખાનને મારી નાંખવાની ધમકી પણ મળી હતી. તેમ છતાં ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઇ અને KGF અને બાહુબલી 2 જેવી હિટ ફિલ્મોને કમાણી મામલે પછાડી નવો રેકોર્ડ પોતાના નામે નોંધાવી લીધો છે.
ફિલ્મની આટલી સફળતા જોઇને શાહરૂખ ખાને ટ્વીટ કર્યું કરી કહ્યું હતું કે, “મેં પરત ફરવા વિશે કંઈ વિચાર્યું નથી. મને લાગે છે કે જીવન એવું જ છે. તમે તમારા પુનરાગમનની યોજના નથી બનાવતા… તમે આગળ વધવાની યોજના ઘડી રહ્યા છો. રોકશો નહીં… તમે જે શરૂ કર્યું છે તેને પૂર્ણ કરવાનો પ્રયાસ કરો”.