ફિલ્મ ‘પઠાણ’ની ઉત્સુકતા સાથે પ્રશંસકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આ ફિલ્મ સાથે કિંગ ખાન ચાર વર્ષ બાદ ફિલ્મી પડદે કમબેક કરવા જઇ રહ્યો છે. આવામાં શાહરૂખ ખાનના ફેન્સમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. ભારતની સાથે દુબઇમાં પણ પઠાણની ચમક જોવા મળી રહી છે. ગઇકાલે રાત્રે દુબઇનું બુર્ઝ ખલીફા પઠાનના ટ્રેલરથી ઝળહળી ઉઠ્યું હતું.
ફિલ્મ ‘પઠાણ’નું ટ્રેલર (pathan trailer) રીલિઝ થયા બાદ ધૂમ મચાવી રહ્યું છે. શાહરૂખ ખાનનો એક્શન અવતાર જોઇને તેના ફેન્સ ખુશ થઇ રહ્યા છે. ભારતની સાથે દુબઇમાં પણ પઠાનને લઇને ફેન્સની દિવાનગી જોવા મળી રહી છે.
દુબઇના બુર્ઝ ખલીફા પર પઠાનનું ટ્રેલર બતાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાહરૂખ ખાન પણ હાજર હતો. સોશિયલ મીડિયા પર બુર્ઝ ખલીફાની કેટલીક તસવીરો અને વીડિયો વાયરલ થઇ રહ્યા છે, જેમાં જોઇ શકાય છે કે, દુનિયાની સૌથી ઊંચી બિલ્ડિંગ ‘પઠાણ’ના રંગે રંગાયેલી જોવા મળી રહી છે.
યશરાજ ફિલ્મ્સે દુબઇમાં આયોજીત આ ઇવેન્ટને લગતી કેટલીક પોસ્ટ શેર કરી છે. વીડિયોમાં જોઇ શકાય છે કે શાહરૂખની એન્ટ્રી થતાં ત્યાં હાજર લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. શાહરૂખ માટે તેના ફેન્સની દિવાનગી જોવાલાયક હતી.
નોંધનીય છે કે, શાહરૂખ ખાનની ફિલ્મ પઠાન 25 જાન્યુઆરીએ થિયેટર્સમાં રીલિઝ થશે. ફિલ્મમાં શાહરૂખ સાથે દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ લીડ રોલમાં જોવા મળશે. ટ્રેલર અને સોંગ દર્શકોને લુભાવી રહ્યા છે. એક્શન મોડમાં કિંગ ખાનનો રોમાન્સ તેના ફેન્સ માટે ડબલ ટ્રીટ હશે. હવે જોવાનું રહ્યું કે, રીલિઝ બાદ પઠાન કેટલી ધમાલ મચાવશે.