Prachi Desai Birthday : ટેલિવૂડથી લઇને બોલિવૂડમાં પોતાનું વર્ચસ્વ સ્થાપનાર ગુજરાતી અભિનેત્રી પ્રાચી દેસાઇ(Prachi Desai)નો આજે 12મી સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ છે. પ્રાચી દેસાઇનો જન્મ સુરતમાં થયો છે. પ્રાચી દેસાઇ આજે કોઇ પરિચયને મોહતાજ નથી. ત્યારે પ્રાચીએ પોતાના કરિયરની શરૂઆત ટીવી સીરિયલ ‘કસમ સે’થી કરી હતી. આ સીરિયલમાં પ્રાચી દેસાઇ બાનીનું પાત્ર અદા કર્યું હતું. આ સાથે તેને તેનાથી 16 વર્ષ મોટા અભિનેતા રામ કપૂર સાથે ઇન્ટીમેન્ટ સીન કર્યા હતા. મહત્વનું છે કે, પ્રાચી દેસાઇ ઘણા સમયથી એક પણ ફિલ્મ કે સીરિયલમાં જોવા મળી નથી. ત્યારે ફેન્સ એ જાણવા માટે તલપાપડ હશે કે આખરે અભિનેત્રી આજકાલ ક્યાં છે અને શું કરી રહી છે? તો આ સવાલનો જવાબ મેળવવા આ અહેવાલ વાંચો.
પ્રાચી દેસાઇએ અઢળક ટીવી સીરિયલ સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ’, ‘બોલ બચ્ચન’, ‘એક વિલન’ જેવી સુપરહિટ ફિલ્મો સામેલ છે. અભિનેત્રીને બોલિવૂડમાં ફરહાન અખ્તરની ફિલ્મ ‘રોક ઓન’થી બ્રેક મળ્યો હતો. આ તકે પ્રાચી દેસાઇએ એક ઇન્ટર્વ્યુમાં કાસ્ટિંગ કાઉચ અંગે ખુલાસો કર્યો હતો.
પ્રાચી દેસાઇએ કહ્યું હતું કે, ‘તેને એક મોટી ફિલ્મની ઓફર મળી હતી. પરંતુ મને આ રોલના બદલામાં સમાધાન કરવાનું કહેવામાં આવ્યું હતું. મેં આ માટે સ્પષ્ટ ના પાડી દીધી હતી. નેપોટિઝમ અંગે અભિનેત્રીએ કહ્યું હતું કે સ્ટાર કિડ્સની સરખામણીમાં બહારના વ્યક્તિ માટે ફિટ થવું સહેલું નથી.
મીડિયા અહેવાલ અનુસાર, પ્રાચી દેસાઈની કુલ સંપત્તિ 72 કરોડ રૂપિયા છે. અભિનેત્રી પાસે BMW 3 સીરિઝ સહિત ઘણી લક્ઝુરિયસ કાર પણ છે. અભિનેત્રીએ ભલે મોટા પડદા પરથી બ્રેક લીધો હોય પરંતુ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ દ્વારા ખુબ આવક મેળવે છે.
પ્રાચી દેસાઇના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ‘ફોરેન્સિક’ વેબ સીરીઝમાં જોવા મળી હતી. આ સીરિઝમાં અભિનેત્રીનો રોલ ઘણો નાનો હતો. આ સાથે અભિનેત્રી સાઉથની વેબસીરીઝ ‘દૂથા’માં પણ નજર આવી હતી. ફેન્સ અભિનેત્રીને મોટા પડદા પર જોવા માટે રાહ જોઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે,અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, તે અવારનવાર પોતાના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે.





