પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્રેમી એવોર્ડ વિજેતા અને ભારતીય-અમેરિકન ગાયક ફાલુ સાથે બાજરીના ફાયદા અને વિશ્વમાં ભૂખ ઓછી કરવાની તેમની ક્ષમતા સમજાવવા માટે ગીત લખ્યું છે. આ ગીતનું નામ એબ્યુન્ડન્સ ઇન મિલેટ્સ આપ્યું છે. તેમજ આ ગીત ગઇકાલે શુક્ર્વાર 16 જૂને સાંજે રિલીઝ કરી દેવાયું છે. જે બાદ પીએમ મોદીએ ટ્ટીટ કરીને સિંગર ફાલુની પ્રશંસા કરી અને આ પ્રયાસને ઉત્કૃષ્ટ ગણાવ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, બરછટ અનાજમાં વિપુલ પ્રમાણમાં સ્વાસ્થ્ય અને તંદુરસ્તી છે.
આ ગીત દ્વારા, રચનાત્મકતાને ખાદ્ય સુરક્ષા અને ભૂખ નાબૂદીના મહત્વના ઉદ્દેશ્ય સાથે જોડવામાં આવી છે. ત્યારે ફાલુએ કહ્યું, મિલટ્સમાં વિપુલતા એ એક ગીત છે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંયુક્ત રાષ્ટ્રમાં 2023ને બાજરીના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કરવાના પ્રસ્તાવથી પ્રેરિત છે. બાજરીનો પ્રચાર કરવા, ખેડૂતોને તેને ઉગાડવામાં મદદ કરવા અને વિશ્વની ભૂખ હટાવવામાં મદદ કરવા માટે તેમની સાથે મળીને ગીત લખવા માટે સન્માનિત ગણુ છુ.
હવે ફાલુની વાત કરીએ તો તેનું સાચું નામ ફાલ્ગુની શાહ છે અને તેનો જન્મ મુંબઈમાં થયો હતો. તેના પતિનું નામ ગૌરવ શાહ છે. આ ગીત પતિ-પત્ની બંનેએ સાથે ગાયું છે. ફાલુની વેબસાઈટ પર એક નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું કે ફાલુ અને ગૌરવ શાહ આ ગીત 16 જૂને રિલીઝ કરશે. કેન્દ્ર સરકારે સુપરગ્રેનના સૌથી મોટા ઉત્પાદકોમાંના એક તરીકે ભારતને સ્વીકારતો ઠરાવ રજૂ કર્યો હતો, જેને 72 દેશો અને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ સમર્થન આપ્યું હતું.
બાજરી એ જીણા દાણાવાળા, વાર્ષિક, ગરમ મોસમનુ અનાજ છે. જે મુખ્યત્વે ભારતમાં ઉગાડવામાં આવે છે. ભારતમાં સદીઓથી બાજરીનો દબદબો હતો, પરંતુ ધીમે ધીમે તે પાછળ રહી ગયો. ખાસ કરીને હરિયાળી ક્રાંતિ પછી બાજરી હાંસિયામાં ધકેલાઈ ગઈ કારણ કે ઘઉં અને ચોખાની ઉચ્ચ ઉપજ આપતી જાતોનો ઉપયોગ કરીને ખાદ્ય અનાજ ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. વિશ્વની ભૂખ ઘટાડવા માટે સુપરગ્રેન્સની જાગૃતિ વધારવા માટે એબ્યુન્ડન્સ ઇન મિલેટ્સની રચના કરવામાં આવી હતી.





