સાઉથના સુપરસ્ટાર રજનીકાંતને UAEના સંસ્કૃતિ અને પર્યટન વિભાગ દ્વારા ગોલ્ડન વિઝા આપવામાં આવ્યો છે. અભિનેતાએ આ સિદ્ધિ સોશિયલ મીડિયા પર શેર કરીને તેના ચાહકોને જાણ કરી છે. રજનીકાંત તાજેતરમાં અબુધાબી ગયા હતા. અભિનેતાને ત્યાં આ સન્માન પ્રાપ્ત થયું છે. આ સન્માન માટે રજનીકાંતે સરકાર અને લુલુ ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર એમએ યુસુફ અલીનો તેમના પ્રયાસો માટે આભાર માન્યો છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર લોકપ્રિય બની છે.
રજનીકાંતનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે UAE સરકાર તરફથી મળેલા ગોલ્ડન વિઝા માટે અબુ ધાબી સરકારનો આભાર માની રહ્યો છે. તેમજ અત્યંત સન્માનની લાગણી અનુભવે છે. સુપરસ્ટારે વીડિયોમાં કહ્યું, ‘અબુ ધાબી સરકાર તરફથી પ્રતિષ્ઠિત UAE ગોલ્ડન વિઝા પ્રાપ્ત કરીને હું ખૂબ જ સન્માનિત અનુભવું છું.
અભિનેતાએ વધુમાં કહ્યું, ‘હું આ વિઝાની સુવિધા આપવા અને તમામ સહયોગ માટે અબુ ધાબી સરકાર અને મારા સારા મિત્ર શ્રી યુસુફ અલી, લુલુ ગ્રુપના સીએમડીનો હૃદયપૂર્વક આભાર માનું છું.’ તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય થયો છે. આ સમાચારથી રજનીકાંતના ફેન્સ ઘણા ખુશ થઈ ગયા છે.
શું તમે જાણો છો કે, યૂએઈના ગોલ્ડન વીઝા શું હોય છે અને તેને કેવી રીતે મેળવી શકાય છે? કોઈપણ દેશની યાત્રા કરવા માટે તમારે બે વસ્તુની જરૂરિયાત હોય છે. પહેલો છે પાસપોર્ટ અને બીજા છે વીઝા. વિદેશમાં તમારો પાસપોર્ટ તમને એક ઓળખ પૂરી પાડે છે. જ્યારે વીઝા એક અનુમતિ પત્ર હોય છે, જેનાથી તમને સંબંધિત દેશમાં પ્રવેશ કરવાની અનુમતિ મળે છે. નેપાળ અને ભૂતાનને છોડીને કોઈપણ ભારતીય કોઈપણ દેશમાં વીઝા વિના પ્રવેશ કરી શકતો નથી.
દરેક દેશ અલગ-અલગ પ્રકારના વીઝા આપે છે. તેમાં બિઝનેસ વીઝા, સ્ટુડન્ટ વીઝા, ટૂરિસ્ટ વીઝા તો લગભગ કોમન રહે છે. તે સિવાય દરેક દેશ પોતાની જરૂરિયાત અનુસાર દરેક વીઝાને અલગ નામ આપે છે. તેમાંથી એક છે યૂએઈનો ગોલ્ડન વીઝા. આ વીઝાનો એક પ્રકાર છે, જે યૂએઈ જનારા વિદેશી નાગરિકોને સામાન્ય વીઝા કરતાં અનેક પ્રકારની સુવિધાઓ પ્રદાન કરે છે.
યૂએઈએ ગોલ્ડન વીઝાને પહેલીવાર 21 મે 2019ના રોજ લૉન્ચ કરવામાં આવ્યો હતો. યૂએઈના ઉપ રાષ્ટ્રપતિ અને દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમે આ વીઝાને લૉન્ચ કરતાં લખ્યું હતું કે આપણે રોકાણકારો, સારા ડોક્ટર્સ, એન્જિનિયર, વૈજ્ઞાનિકો અને કલાકારોને સ્થાયી નિવાસ આપવા માટે એક નવા ગોલ્ડન કાર્ડની વ્યવસ્થા શરૂ કરી છે. તેમણે ત્યારે જણાવ્યું હતું કે 100 અરબ ડોલરના રોકાણવાળા 6800 રોકાણકારોની પહેલી બેચને ગોલ્ડન કાર્ડ આપવામાં આવશે.
ગોલ્ડન વીઝા ધરાવનાર કેટલાં વર્ષ સુધી શકે છે:
ગોલ્ડન વીઝા ધરાવનાર લોકો યૂએઈમાં કોઈપણ મુશ્કેલી વિના 10 વર્ષ સુધી રહી શકે છે. 10 વર્ષ પૂરાં થઈ ગયા પછી આ વીઝાધારકે તેને રિન્યૂ કરાવવો પડશે. ગોલ્ડન વીઝાધારક સામાન્ય વીઝાધારકોની અપેક્ષાએ યૂએઈમાં વધારે સુવિધાઓનો લાભ ઉઠાવી શકે છે. જેમ કે જો કોઈ યૂએઈમાં બિઝનેસ કરે છે અને તેની પાસે ગોલ્ડન વીઝા છે તો તે કોઈપણ સ્થાનિક વ્યક્તિ કે કંપનીની સહાયતાથી પોતાની પત્ની/પતિ અને બાળકોને યૂએઈ લઈ જઈ શકે છે. હજુ સુધી તેના માટે સ્થાનિક સ્પોન્સરની જરૂર પડતી હતી.





