Ram Charan Movie Game Changer: રામ ચરણ અને કિયારા અડવાણીની નવી મુવી ગેમ ચેન્જર નવા વર્ષે બોક્સ ઓફિસ પર ધમાકો કરવા સજ્જ છે. આ ફિલ્મ 10 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે ત્યારે પ્રી પ્રમોશનમાં ફિલ્મ મેકર્સ કંઇક ખાસ કરવા માંગે છે. ફિલ્મ મેકર દિલ રાજુ આ ફિલ્મ રિલીઝ પહેલા કંઇક ઐતિહાસિક કરવા ઇચ્છી રહ્યા છે અને આ સંદર્ભે તેઓ આંધ્ર પ્રદેશ ડેપ્યૂટી સીએમ પવન કલ્યાણ સાથે મુલાકાત કરી હતી.
ગેમ ચેન્જર ફિલ્મ પ્રી લોન્ચિંગ ઇવેન્ટ અંગે જાણકારી આપતાં ફિલ્મ મેકર દિલ રાજુ જણાવે છે કે, ફિલ્મની પ્રી રિલીઝ ઇવેન્ટ બે દિવસ રાખવામાં આવી છે. જો પવન કલ્યાણ આ માટે સમય આપે તો એ 4-5 જાન્યુઆરીએ યોજાશે.
વધુમાં તેઓએ જણાવ્યું કે, આ પહેલા એક ઇવેન્ટ અમેરિકામાં કરવામાં આવી હતી. જે ઘણી સફળ રહી હતી. જેની સફળતા બાદ દિલ રાજુ ભારતમાં ગ્રાન્ડ ઇવેન્ટ કરવા ઇચ્છે છે અને પવન કલ્યાણ આ ઇવેન્ટમાં હાજરી આપશે.
રામ ચરણ મુવી ગેમ ચેન્જર ટ્રેલર માટે ફેન્સ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ફિલ્મ મેકર્સ દ્વારા ફેન્સ માટે નવા વર્ષના પ્રારંભે ભેટ સ્વરુપ ટ્રેલર રજુ કરવાની જાહેરાત કરવામાં આવી છે.આ સંજોગોમાં અભિનેતાના ફેન્સ દ્વારા 256 ફૂટ ઉંચુ કટ આઉટ બનાવાયું છે. ફિલ્મ રિલીઝ થયા પહેલા જ ઘણી ચર્ચામાં છે.
પવન કલ્યાણ હતા પહેલી પસંદ
ગેમ ચેન્જર મુવીમાં મુખ્ય રોલ માટે પવન કલ્યાણ પહેલી પસંદ હતા. ફિલ્મ મેકર્સ શંકર પવન કલ્યાણને મુખ્ય ભૂમિકા માટે પસંદ કરવા માંગતા હતા. પરંતુ રાજકીય કારકિર્દી અને ચૂંટણીને જોતાં દિલ રાજુ પવન કલ્યાણ માટે અવઢવમાં હતા. છેવટે આ રોલ માટે રામ ચરણ પસંદ થયા. મીડિયા અહેવાલ મુજબ રામ ચરણ આ ફિલ્મમાં પિતા પુત્રના ડબલ રોલમાં છે.
ગેમ ચેન્જર મુવી શૂટિંગ
ગેમ ચેન્જર મુવી માટે શૂટિંગની શરૂઆત ઑક્ટોબર 2021માં થઈ હતી અને જુલાઈ 2024માં પૂર્ણ કરાયું હતું. આ ફિલ્મનું શૂટિંગ મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, પંજાબ, હૈદરાબાદ અને વિશાખાપટ્ટનમ સહિત ભારતના ઘણા સ્થળોએ કરાયું છે. ફિલ્મનું કેટલુંક શૂટિંગ ન્યુઝીલેન્ડમાં પણ કરાયું છે.
ગીતો અને ફાઇટ પણ ખાસ
ગેમ ચેન્જર ફિલ્મમાં ગીતો અને એક્શન સીન પણ ખાસ છે. જેના શૂટિંગ માટે કરોડોનો ખર્ચ કરાયો છે. આ ફિલ્મના એક ગીતમાં હજાર જેટલા ડાન્સરોને સામેલ કરવામાં આવ્યા હતા. જ્યારે એક એક્શન સીનમાં 1200 જેટલા લડવૈયાઓ શામેલ કરાયા હતા! ફિલ્મના ગીતોને જાની માસ્ટર અને પ્રભુ દેવાએ કોરિયોગ્રાફ કર્યા છે, જ્યારે એક્શન દ્રશ્યોને અનબરીવ અને પીટર હેન દ્વારા દિશા આપવામાં આવી હતી.