સૌ કોઇ વાકેફ એ વાતથી હશે કે એક સમય ચડતી કે પડતી સૌને ભાગે આવે જ છે. આ જ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો હાલ બોલિવૂડ સ્ટાર રણવીર સિંહ કરી રહ્યો છે. રણવીર સિંહની છેલ્લા કેટલાય સમયથી એક પણ ફિલ્મ હિટ ગઇ નથી. તેની છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ સર્કસ પણ સિનેમાઘરોમાં નીચે પટકાઇ ગઇ હતી. ત્યારે ચોમેરથી તકલીફોમાં મૂકાયેલા રણવીર સિંહની કારકિર્દી ‘બૈજૂ બાવરા’થી ઉંચકાશે તેવો દાવો થઈ રહ્યો છે. સંજય લીલા ભણશાળી હવે આ પ્રોજેક્ટ આગળ વધારે તેની રણવીર રાહ જોઈ રહ્યો છે.
સંજય લીલા ભણશાળીએ ‘બૈજૂ બાવરા’નો પ્રોજેક્ટ અભેરાઈએ ચઢાવ્યો હોવાની અફવા અગાઉ ચગી હતી. પરંતુ હવે અભિનેતા પ્રાર્થના કરી રહ્યો છે કે જલ્દી આ પ્રોજેક્ટ આગળ વધે. સંજય લીલા ભણશાળીએ અગાઉ તેને ‘ગોલીયોં કી રાસલીલા, રામ-લીલા’, ‘પદ્માવત’ અને ‘બાજીરાવ મસ્તાની’ જેવી ફિલ્મોમાં તક આપી છે.તેથી રણવીરને આશા છે કે સંજય લીલાની ફિલ્મથી જ તેની કારકિર્દી ફરી પાટે ચઢશે.
આ ફિલ્મ માટે સંજય લીલા ભણશાળીએ દીપિકા પાદુકોણ અને આલિયા ભટ્ટ એમ બંને હિરોઈનોને ભૂમિકા ઓફર કરી છે.
આ પણ વાંચો: જાણો કોણ છે સિક્કિમની આ પોલીસ ઓફિસર, જે હવે સુપર મોડલ બનીને કમાઈ રહી નામ
રણવીર એક સમયે યશરાજ ફિલ્મ્સનો માનીતો કલાકાર હતો. પરંતુ, હવે ફલોપ ફિલ્મોની પરંપરા બાદ તેને ત્યાંથી હાંકી કઢાયો છે. જોકે, રણવીરની નજીકના સૂત્રો દાવો કરી રહ્યા છે કે આ વાત તદ્દન ખોટી છે અને આજની તારીખે પણ રણવીર કોઈપણ પ્રોજેક્ટમાં આગળ વધતાં પહેલાં યશરાજ ફિલ્મ્સના માલિક આદિત્ય ચોપરાની સલાહ લે છે.