Indian Government Issues Guidelines Against Deepfake : તાજેતરમાં રશ્મિકા મંદાના અને કેટરીના કૈફીના ડીપફેક વીડિયોથી વિવાદ થયો છે. ટેકનોલોજીનો ઉપયોગ કરીને અભિનેત્રીઓના આપત્તિજનક ખોટા વીડિયો બનાવવાના મામલાને ગંભીરતાથી લઇ ભારત સરકારે સોશિયલ મીડિયા પર ડીપફેક વીડિયો પોસ્ટ કરવાને લઇ કડક ગાઇડલાઇન જાહેર કરી છે. આ ગાઇડલાઇનમાં સોશિયલ મીડિયા કંપનીઓને ગેરમાર્ગે દોરનારા અને ડીપફેક વીડિયોની ઓળખવા અને તેને દૂર કરવા માટે વ્યાપક દિશાનિર્દેશો જારી કર્યા છે. જેમાં ડીપફેકનો દુરોપયોગ કરનારને જેલની સજાની સાથે સાથે નાણાંકીય દંડ ફટકારવાની જોગવાઇ કરવામાં આવી છે.
ડીપફેક વીડિયોને ઓળખી કાઢવા સોશિયલ મીડિયાને આદેશ
ભારત સરકારે આદેશ આપ્યો છે કે સોશિયલ મીડિયા કંપનીઓએ ગેરમાર્ગે દોરનારા અને ડીપફેક વીડિયોની તાત્કાલિક અને તાત્કાલિક ઓળખ કરવી જોઈએ. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે 2021ના ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (મધ્યસ્થી માર્ગદર્શિકા) નિયમો અનુસાર નિર્દિષ્ટ સમયમર્યાદામાં ઝડપી પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
36 કલાકની અંદર પ્રોમ્પ્ટ રિમૂવલ:
ડીપફેક વીડિયો સંબંધિત ગાઇડલાઇન અનુસાર, આ કેટેગરીમાં આવતા કન્ટેન્ટને પોસ્ટ થયાના 36 કલાકની અંદર સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી દૂર કરવી આવશ્યક છે. સોશિયલ મીડિયા કંપનીઓને એ પણ યાદ અપાવવામાં આવે છે કે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ અને તેની સાથે સંકળાયેલા નિયમોમાં દર્શાવેલા આ નિયમોનું પાલન કરવામાં નિષ્ફળતા, 2021ના ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (મધ્યસ્થી માર્ગદર્શિકા) નિયમોના નિયમ 7 હેઠળ કાયદાકીય કાર્યવાહીમાં પરિણમી શકે છે.
ડીપફેક ગાઇડલાઇનઃ
સોશિયલ મીડિયા કંપનીઓ માટે ડીપફેક મામલે જારી કરાયેલી ગાઇડલાઇનમાં આ મુખ્ય મુદ્દાઓનો સમાવેશ થાય છે :
(1) તકેદારી અને ઓળખ : કંપનીઓને યોગ્ય સાવચેતી રાખવા અને ખોટી માહિતી અને ડીપફેક કન્ટેન્ટ, ખાસ કરીને સ્થાપિત નિયમો, રેગ્યુલેશન અને યુઝર્સ એગ્રીમેન્ટનું ઉલ્લંઘન કરતા કન્ટેન્ટ ઓળખવા માટે આવશ્યક પગલા ફરજિયાત લેવા પડશે.
(2) સમયસર પગલાં : 2021ના IT રેગ્યુલેશન દ્વારા નિર્ધારિત નિર્દિષ્ટ સમયમર્યાદામાં ઝડપી પગલાં લેવા જોઈએ.
(3) જેલની સજા અને નાણાંકીય દંડ : ડીપફેક ગાઇડલાઇનનો ઉલ્લંઘન કરનારને 3 વર્ષ જેલી સજા અને 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.
(3) યુઝર્સની જવાબદારી: યુઝર્સને સ્પષ્ટપણે સૂચના આપવામાં આવે છે કે તેઓ કોઈપણ ભ્રામક અથવા ડીપફેક કન્ટેન્ટને હોસ્ટ અથવા પ્રમોટ ન કરે.
(4) રિપોર્ટિંગ મિકેનિઝમ: યુઝર્સ દ્વારા રિપોર્ટ કરવામાં આવેલી આવી કોઈપણ કન્ટેન્ટને 36 કલાકની અંદર તાત્કાલિક દૂર કરવી જોઈએ.
(5) અનુપાલન અને જવાબદારી : સોશિયલ મીડિયા ઇન્ટરમીડિયટ્સે ધ્યાન રાખવું કે, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ અને નિયમોની સંબંધિત જોગવાઇનું પાલન કરવામાં નિષ્ફળ જશો તો આઈટી રેગ્યુલેશન 2021ના નિયમ 7 હેઠળ શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.
આ પણ વાંચો | કોણ છે એ છોકરી જેના ચહેરા પર રશ્મિકા મંદાનાનો ચહેરો સુપરઇમ્પોઝ કરવામાં આવ્યો હતો?
કેન્દ્રીય રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું, “ઇન્ટરનેટ યુઝર્સની સલામતી કરવી અમારી પ્રતિબદ્ધતા અને મુખ્ય પ્રાથમિકતા છે. ખોટી માહિતી અને ડીપફેક દ્વારા ઉભા થયેલા નોંધપાત્ર પડકારોને જોતાં, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MEITY) એ છેલ્લા છ મહિનામાં બીજી એડવાઇઝરી જારી કરી છે, જેમાં ઑનલાઇન પ્લેટફોર્મને ડીપફેકના ફેલાવા સામે નિર્ણાયક પગલાં લેવા આદેશ કર્યો છે.”





