Republic Day | અક્ષય કુમારની ફિલ્મ ‘સ્કાય ફોર્સ’ વર્ષ 2025માં પ્રજાસત્તાક દિવસ (Republic Day) ના અવસર પર રિલીઝ થઈ છે. અક્ષય કુમારની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી શરૂઆત કરવામાં સફળ રહી છે. ખાસ વાત એ છે કે અત્યાર સુધી અક્ષય કુમારની ત્રણ ફિલ્મો ગણતંત્ર દિવસની આસપાસ રિલીઝ થઈ છે. 26 જાન્યુઆરીની આસપાસ રિલીઝ થનારી ફિલ્મોનું બોક્સ ઓફિસ પરફોર્મન્સ હંમેશા ચર્ચાનો રસપ્રદ વિષય રહ્યો છે.
પ્રજાસત્તાક દિવસ પર અહીં છેલ્લા 10 વર્ષમાં રિલીઝ થયેલ ફિલ્મની લિસ્ટ અને તેનું બોક્સ ઓફિસ કલેકશન આપ્યું છે. જાણો કયા વર્ષે રહ્યું સૌથી વધુ બોક્સ ઓફિસ કલેકશન
બેબી (Baby 2015)
અક્ષય કુમારની ફિલ્મ ‘બેબી’ પ્રજાસત્તાક દિવસના ત્રણ દિવસ પહેલા 23 જાન્યુઆરી 2015ના રોજ રીલિઝ થઈ હતી. આ ફિલ્મ આતંકવાદ અને ગુપ્તચર મિશન પર આધારિત હતી. દર્શકોએ તેની ખૂબ પ્રશંસા કરી. ભારતમાં ફિલ્મની કમાણી માત્ર 95.57 કરોડ રૂપિયા હતી, જેને બહુ સારી કહી શકાય નહીં.
એરલિફ્ટ (Airlift 2016)
અક્ષય કુમારની આ ફિલ્મ 2016માં ગણતંત્ર દિવસની આસપાસ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ પણ દર્શકોના દિલ જીતવામાં સફળ રહી હતી. તેણે ભારતમાં રૂ. 128.10 કરોડનું નેટ કલેક્શન કર્યું હતું. આ ફિલ્મમાં નિમરત કૌર પણ જોવા મળી હતી.
કાબિલ (Kaabil 2017)
રિતિક રોશન અને યામી ગૌતમ અભિનીત ફિલ્મ ‘કાબિલ’ 25 જાન્યુઆરી 2017ના રોજ મોટા પડદા પર આવી હતી. તે એક રોમેન્ટિક એક્શન થ્રિલર ફિલ્મ હતી, જેણે બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો હતો. આ ફિલ્મે ભારતમાં 104.34 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો હતો.
રઈસ (Raees 2017)
‘કાબિલ’ની સાથે શાહરૂખ ખાનની ફિલ્મ ‘રઈસ’ પણ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન પણ જોવા મળી હતી. આ તેની ડેબ્યુ ફિલ્મ હતી. આ ફિલ્મે ભારતમાં 138.63 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. ફિલ્મના ડાયલોગ લોકોમાં ખૂબ જ લોકપ્રિય થયા હતા.
પદ્માવત (Padmaavat 2018)
ગણતંત્ર દિવસના અવસર પર સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘પદ્માવત’ રીલિઝ થઈ હતી. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ અભિનીત આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાની સાથે જ ચર્ચાનો વિષય બની ગયું છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. ભારતમાં ફિલ્મની કમાણી 302.15 કરોડ રૂપિયા હતી.
મણિકર્ણિકા (Manikarnika 2019)
ગણતંત્ર દિવસની આસપાસ કંગના રનૌતની ફિલ્મ ‘મણિકર્ણિકા’ પણ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના જીવન પર આધારિત હતી. ફિલ્મને વિવેચકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 98.02 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મના મોટા બજેટના કારણે આ ફિલ્મનું કલેક્શન સંતોષજનક નહોતું.
પઠાણ (2023)
શાહરૂખ ખાનની ‘પઠાણ’ 2023માં પ્રજાસત્તાક દિવસના અવસર પર સિનેમાઘરોમાં આવી હતી. ચાર વર્ષ પછી મોટા પડદા પર પરત ફરેલા શાહરૂખે આ ફિલ્મથી જંગી કલેક્શન કર્યું છે. આ ફિલ્મે ઘણા રેકોર્ડ તોડ્યા અને ભારતીય બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું. આ ફિલ્મે ટિકિટ વિન્ડો પર 543.09 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.
ફાઈટર (2024)
રિતિક રોશન, દીપિકા પાદુકોણ અને અનિલ કપૂર અભિનીત ‘ફાઈટર’ પણ પ્રજાસત્તાક દિવસની આસપાસ રિલીઝ થઈ હતી, પરંતુ ફિલ્મ અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શકી ન હતી. ફિલ્મનું બજેટ ઘણું વધારે હતું. આ કારણોસર તેનું કલેક્શન સંતોષકારક માનવામાં આવતું ન હતું. આ ફિલ્મે ભારતમાં 212.73 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું હતું.





