Rishi Kapoor Birthday : ઋષિ કપૂર સૌથી પહેલાં 1970માં આવેલી ફિલ્મ મેરા નામ જોકરમાં સિલ્વર સ્ક્રીન પર દેખાયા હતા. જ્યારે ઋષિ કપૂર 1973માં ફિલ્મ બોબીમાં પ્રથમ વખત લીડ રોલમાં જોવા મળ્યા હતા. બોલિવૂડમાં તેની સફર અહીંથી શરૂ થઈ અને પાંચ દાયકાથી વધુ ચાલી. તેમણે પ્રેમ રોગ, ચાંદની, દામિની, મુલ્ક અને 102 નોટ આઉટ જેવી ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની છેલ્લી ફિલ્મ ધ બોડી હતી. જે 13 ડિસેમ્બર 2019ના રોજ રિલીઝ થઈ હતી. અભિનેતા ભલે આજે આપણી વચ્ચે નથી પરંતુ ચાહકોના દિલમાં હંમેશા તેઓ અમર રહેશે. ઋષિના જન્મદિવસ પર કેટલીક રસપ્રદ વાતો જણાવવા જઈ રહ્યા છીએ જે તમે ભાગ્યે જ ક્યાંય સાંભળી કે વાંચી હશે.
પંજાબના કપૂર પરિવારમાં 4 સપ્ટેમ્બર 1952માં મુંબઈના ચેમ્બુરમાં ઋષિ કપૂરનો જન્મ થયો હતો.ઋષિ કપૂર જાણીતા અભિનેતા અને ફિલ્મ દિગ્દર્શક રાજ કપૂરના પુત્ર અને અભિનેતા પૃથ્વીરાજ કપૂરના પૌત્ર હતા. તેમણે કેમ્પિયન સ્કૂલ, મુંબઈ અને મેયો કોલેજ અજમેરમાં ભાઈઓ સાથે શાળાકીય અભ્યાસ કર્યો હતો. તેમના પરિવારમાં તેમના ભાઈઓ રણધીર કપૂર, રાજીવ કપૂર, મામા પ્રેમનાથ, રાજેન્દ્રનાથ અને કાકા શશી કપૂર, શમ્મી કપૂર પણ અભિનેતા રહ્યા છે.
ઋષિ કપૂર અલગ-અલગ સ્વેટરના ખુબ જ શોખીન હતા. તેઓનો આ શોખ એટલો જબરો હતો કે એક્ટર તેની દરેક ફિલ્મમાં સ્વેટર પહેર્યા હતા. જો કે સ્વેટર ક્યારેય રિપીટ થયા નથી. જેને પગલે તેઓ સ્વેટરમેન તરીકે ઓળખાતા હતા. એક્ટરનો આ અંદાજ ચાહકોને પણ એટલો પસંદ આવ્યો હતો કે તેઓ દુકાનોમાં ખાસ સ્વેટર અને જેકેટની માંગ કરતા હતા.
ઉલ્લેખનીય છે કે, ઋષિ કપૂર તેના કાકા શશિ કપૂર જેમ રવિવારે કામમાંથી બ્રેક લેતા હતા. આ દરમિયાન તેઓ પોતાની જાતને સમય આપતા હતા. ઋષિ કપૂર ઉર્ફ ચિંટુજી કપૂર પરિવારના સૌથી લાડલા હતા, પરંતુ તેણે તેનો પ્રભાવ ક્યારેય પોતાની લાઇફસ્ટાઇલ પર પડવા દીધો ન હતો. ઋષિ કપૂર સખત અને શિસ્તબદ્ધ હતા. એક રિપોર્ટ અનુસાર, જ્યારે ઋષિ કપૂર નાના હતા ત્યારે તેઓ પણ પોતાના પિતા સામે ઉંચા અવાજે વાત કરી શકતા ન હતા.
ઋષિ કપૂરને બાળપણથી જ એક્ટિંગનો શોખ હતો અન તેઓએ જ્યારે ચાલવાનું શરૂ કર્યું હતુ ત્યારે તેઓ અરીસા સામે વિવિધ પ્રકારના ચહેરા બનાવતા હતા. ઋષિ કપૂરને નેશનલ ફિલ્મ એવોર્ડ અને ફિલ્મફેર સહિતના મોટા પુરસ્કારો એનાયત કરી સન્માનિત કરાયા છે.
નોંધનીય છે કે, ઋ।ષિ કપૂર બહુ કંજૂસ હતા. આ સંબંધિત તેમની પત્ની નીતૂ સિંહે એક કિસ્સો પણ સંભળાવ્યો હતો. નીતૂ સિંહે કહ્યું હતું કે, જ્યારે તેઓ ન્યૂયોર્કમાં તેના ઘરે પરત ફરી રહ્યા હતા તો સવારની ચા માટે દુધની બોટલ લેવાની હતી. ત્યારે અડધી રાત્રીનો સમય હતો. તેવામાં ચિંટૂ દુર એક દુકાન હતી ત્યા દુધ લેવા ગયા હતા કારણ કે ત્યાં દુધ સસ્તુ મળતું હતું.





