Ruhaanika Dhawan: રુહાનિકા ધવન આજના યુવાઓ માટે એક દિશા ચીંધી રહી છે. માધ્યમિક સ્કૂલમાં અભ્યાસ કરવાની ઉંમરે રુહાનિકા ધવન સફળતાના શિખર સર કરી રહી છે. ફિલ્મો અને ટીવી સીરિયલોમાં બાળ કલાકાર તરીકે કામ કરી પોતાની મહેનતથી પોતાના સપના પુરા કરી રહી છે. આપ બળે તેણીએ મુંબઇમાં આલિશાન ઘર ખરીદ્યું છે.
ટીવી શો યે હૈ મોહબ્બતે (ye hai mohabbatein) થી મશહુર થયેલ બાળ કલાકાર રુહાનિકા ધવને મુંબઇમાં પોતાનું આલિશાન ઘર ખરીદ્યું છે. આ બાળ અભિનેત્રી માત્ર 15 વર્ષની ઉંમરમાં જ કરોડોના ઘરની માલિક બની છે. રુહાનિકા ધવને પોતાના ફેન્સ સાથે આ ગૂડ ન્યૂઝ સોશિયલ મીડિયા પર શેયર કર્યા છે.
રુહાનિકા ધવન ઇન્ટાગ્રામ પર પોતાનો ફોટો શેયર કરતાં ઘણી ખુશ લાગી રહી છે. રુહાનિકાએ ફોટા સાથે લાંબુ લખાણ લખી પોતાની ખુશી વ્યક્ત કરી છે. તમને જણાવી દઇએ કે યે હૈ મોહબ્બતેમાં રુહાનિકાએ દિવ્યાંકા ત્રિપાઠીની પુત્રીનો રોલ પ્લે કર્યો છે. આ સીરિયલમાં રુહાનિકાના પાત્રનું નામ રુહી ભલ્લા છે જેને ઘણી ખ્યાતિ મળી હતી.
રુહાનિકા ધવને શેયર કર્યા નવા ઘરના ફોટા
બાળ કલાકાર રુહાનિકા ધવને ઇન્સ્ટાગ્રામ પર નવા ઘરના ફોટા શેયર કર્યા છે. ફોટોમાં ઘર ઘણું શાનદાર લાગી રહ્યું છે. ફોટોમાં રુહાનિકા ઘરની ચાવી સાથે પોઝ આપતી દેખાઇ રહી છે. ફોટા સાથે તેણીએ લાબું લખાણ થકી પોતાની ખુશી વ્યક્ત કરી છે. પોતાના માતા પિતાથી લઇને ફેન્સ સહિત લોકોનો તેણીએ આભાર વ્યક્ત કર્યો છે. પોસ્ટમાં રૂહાનિકાએ લખ્યું છે કે, વાહેગુરૂજી અને માતા પિતાના આર્શીવાદથી આ ખુશી હું આપ સૌની વચ્ચે શેયર કરી રહી છું. હું ઘણી જ ખુશ છું.
રુહાનિકા ધવનનો દ્રઢ વિશ્વાસ
રુહાનિકા ધવન વધુમાં લખે છે કે, મેં એક મોટા સપનાને પુર્ણ કરી લીધું છે. આ મારા માટે મોટી સફળતા છે. એટલે હું આપ સૌની સાથે આ ખુશી શેયર કરી રહી છું. હું એ તમામ લોકોનો આભાર વ્યક્ત કરુ છું કે જેમના લીધે આ સપનું સાકાર કરવામાં મને સફળતા મળી છે.
માતા પિતાના ધન્યવાદ
રુહાનિકાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, આ મારા માતા પિતા વગર સંભવ ન હતું. જેવું કે મે લખ્યું છે કે, માતા પિતાને પામી હું ધન્ય થઇ છું. હું મારા માતાનો ઉલ્લેખ કરવા ઇચ્છું છું કે હકીકતમાં તે એક જાદુગર છે. તે દેશી મમ્મીઓ જેવી જ છે, જે એક એક પાઇ બચાવે છે અને એને ડબલ કરે છે. માત્ર ભગવાન અને તે જ જાણે છે કે આ કેવી રીતે શક્ય બન્યું છે.
રુહાનિકા ધવનનો સફળ મંત્ર
રુહાનિકા ધવન વધુમાં લખે છે કે, આ તો માત્ર એક શરૂઆત છે. હું શરૂઆતથી જ મોટા સપના જોવું છું. હું હજુ વધુ મહેનત કરીશ અને વધુ સપના પુરા કરીશ. જો હું મારા સપના સાકાર કરી શકતી હોઉ તો તમે પણ તમારા સપના સાકાર કરી શકો છો. એટલ જ વધુ સપનાઓ જુઓ અને સપના સાકાર કરવા માટે અથાગ મહેનત કરો એન મને વિશ્વાસ છે કે એક દિવસ સપના જરૂર સાકાર થશે.
રુહાનિકા ફિલ્મો અને શો કરી ચૂકી છે
રુહાનિકા ધવને ફિલ્મો અને સીરિયલોમાં કામ કર્યું છે. કેરિયરની શરૂઆતમાં વર્ષ 2012 માં ટીવી સીરિયલ મિસેજ કૌશિકની પાંચ બહેનોથી કરી હતી. પરંતુ રુહાનિકાને ઓળખ યે હૈ મોહબ્બતેથી મળી હતી. આ શો માટે તેણીએ મોસ્ટ પોપ્યુલર ચાઇલ્ડ આર્ટિસ્ટનો આઇટીએ એવોર્ડ પણ જીત્યો હતો. ટીવી ઉપરાંત રુહાનિકાએ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. સલમાન ખાનની ફિલ્મ જય હો અને સની દેઓલની સ્ટારર ઘાયલ વંસ અગેનમાં પણ દેખાઇ હતી.