Saif Ali Khan Attack Update News: બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર હુમલા સાથે જોડાયેલા સતત અપડેટ્સ સામે આવી રહ્યા છે. મુંબઈના બાંદ્રા વિસ્તારમાં ગઈ કાલે રાત્રે અભિનેતા સૈફ અલી ખાન પર તેના ઘરની અંદર છરી વડે હુમલો કરનાર અજાણ્યા ઘૂસણખોરના સીસીટીવી ફૂટેજ પણ પોલીસને મળી ગયા છે. પોલીસના જણાવ્યા મુજબ આ ઘટનાની તપાસ માટે 10 ટીમો બનાવવામાં આવી છે. હાલ સૈફ અલી ખાનની સર્જરી સફળ રહી છે, તે ખતરાથી બહાર છે. પોલીસને છઠ્ઠા માળના સીસીટીવી ફૂટેજ મળ્યા છે અને સૈફ અલીનું ઘર 12માં માળે આવેલું છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ચોર બળજબરીથી ઘરમાં પ્રવેશ્યો ન હતો, પરંતુ રાત્રે શાંતિથી પ્રવેશ્યો હશે. આ તમામ અહેવાલો વચ્ચે આ ઘટના સાથે જોડાયેલા ઘણા સવાલો એવા છે જેના જવાબ હજુ સુધી મળ્યા નથી.
સવાલ નંબર 1 : ચોર ઘરમાં ઘૂસ્યો કેવી રીતે?
પ્રારંભિક તપાસમાં ચોર કઈ રીતે ઘૂસ્યો તે સ્પષ્ટ થયું નથી. જોકે હવે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં એક શંકાસ્પદ દેખાય છે. પોલીસનું કહેવું છે કે શંકાસ્પદ વ્યક્તિ ફાયર એક્ઝિટ સીડીથી ઘરમાં પ્રવેશ્યો હતો અને કલાકો સુધી ત્યાં રહ્યો હતો. આ શંકાસ્પદ વ્યક્તિ આ જ બિલ્ડિંગના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગયો હતો, જેના 12મા માળે સૈફ તેના પરિવાર સાથે રહે છે. સવાલ એ છે કે ચોર કોઈ પણ સીસીટીવીમાં ઘૂસતો જોવા મળતો નથી. આ સિવાય તે કલાકો સુધી બિલ્ડિંગની અંદર કેવી રીતે રહ્યો?
સવાલ નંબર 2 : ચોર કેવી રીતે નાસી છૂટ્યો ?
ચોર ઘરમાં ઘૂસી ગયા પછી પણ તે સરળતાથી કેવી રીતે ભાગી ગયો? એક તરફ સૈફ અલી ખાનને આટલી ઘણી ઇજા પહોંચી છે તો બીજી તરફ ચોર ભાગવામાં સફળ રહ્યો અને ભાગતી વખતે તે કેમેરામાં કેમ ન પકડાયો. ઘરમાં લાગેલા સીસીટીવીને લઈને પણ લોકોના મનમાં સવાલો ઉઠી રહ્યા છે. લોકો સોશિયલ મીડિયા પર ચર્ચા કરી રહ્યા છે.
સવાલ નંબર 3- સૈફના ઘરમાં મજૂરો કામ કરતા હતા, શું તેમાંથી કોઈ હુમલાખોર છે?
બીજી એક વાત નોંધનીય છે કે ત્રણ દિવસથી સૈફના ઘરે ફ્લોરને પોલિશ કરવાનું કામ ચાલી રહ્યું હતું. કામદારો તેમના ઘરમાં કામ કરતા હતા. માનવામાં આવી રહ્યું છે કે તેમાંથી કોઇએ આ ઘટનાને અંજામ આપ્યો હશે. પોલીસ હવે આ મજૂરોની પણ પૂછપરછ કરી રહી છે અને તે નોકરાણીની પણ પૂછપરછ કરશે જેની સાથે હુમલાખોરે દલીલ કરી હતી. પરંતુ નોકરાણી હાલ ઇજાગ્રસ્ત છે. હુમલાખોરે તેના ઉપર પણ હુમલો કર્યો હતો.
આ પણ વાંચો – રાશા થડાની રવીના ટંડન સાથે બિગ બોસના સેટ પર, સલમાન ખાન વિષે આ રમૂજ કિસ્સા કર્યા શેર
સવાલ નંબર 4: સિક્યુરિટી એરિયા પર ગેલેરીમાં સીસીટીવી નથી?
કરીના અને સૈફના ઘરની ગેલેરીમાં સીસીટીવી નથી? સામાન્ય રીતે પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતી હોય છે, પરંતુ અત્યાર સુધી આ હુમલામાં માત્ર એક જ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જે ચર્ચાનો વિષય છે.
સવાલ નંબર 5 : રિક્ષાથી હોસ્પિટલ કેમ લઇ ગયા?
સૈફ અલી ખાનને તેનો મોટો પુત્ર ઇબ્રાહિમ ઓટોમાં લિલાવતી હોસ્પિટલમાં લઇ ગયો હોવાની વાત પણ સામે આવી છે, જ્યારે ઘરમાં લક્ઝરી કાર છે, ડ્રાઇવર ક્યાં હતો? લોકોએ એમ પણ કહ્યું હતું કે ઘણા બધા સ્ટાફ છે, તો તેઓ ક્યાં હતા?
આ ઉપરાંત એવી પણ પૂછપરછ કરવામાં આવી રહી હતી કે નોકરાણી સાથે દલીલ કરતી વખતે સૈફે અવાજ સાંભળ્યો અને તે ત્યાં પહોંચ્યો અને પછી તેના પર હુમલો થયો હતો. તેને 6 જગ્યાએ ઈજાઓ પહોંચી છે. લોકો કહી રહ્યા છે કે શું ચોરી થયું છે અને તે નોકરાણી સાથે શા માટે દલીલ કરી રહ્યો હતો? આ કેસ સાથે જોડાયેલી તમામ માહિતી તપાસ બાદ જ સામે આવશે. પોલીસ હાલ આ મામલે તપાસ કરી રહી છે.





