Salman Khan House Firing Case : બોલિવૂડના દબંગ સ્ટાર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ થયું છે અને આ સમાચારે સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીને હચમચાવી દીધી છે. જણાવવામાં આવી રહ્યું છે કે બે બાઈક સવાર હુમલાખોરોએ આવીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. હવે એક તસવીર સામે આવી છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે તેમાં જોવા મળતા બે લોકો એ જ છે જેમણે સલમાન ખાનના ઘર પર ગોળીઓ ચલાવી હતી.
તસવીર સીસીટીવી કેમેરામાં કેદ થઇ
આ તસવીર સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે, જેમાં બે લોકો નજરે પડે છે, બંનેના માથે ટોપી છે. આગળ ચાલી રહેલી વ્યક્તિએ સફેદ અને કાળા રંગના કપડાં પહેર્યા છે અને પાછળ ચાલી રહેલી વ્યક્તિ લાલ ટીશર્ટ પહેરેલી જોવા મળી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ બંને સલમાન ખાનના ઘરની બહાર ગોળીઓ ચલાવતા જોવા મળ્યા હતા. એજન્સીઓએ આ તસવીરના આધારે બંનેની શોધખોળ શરૂ કરી દીધી છે.
સલમાન ખાનને ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યા કરનાર ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ ગેંગ આ કામ કરી રહી છે. આ વાતનો લોરેન્સ બિશ્નોઇએ પોતે સ્વીકાર કર્યો છે અને હવે જે બહાર આવ્યું છે તે વધુ આશ્ચર્યજનક છે. સલમાન ખાનના ઘરે ગોળીબાર કરનાર એ જ ગેંગ છે અને તેની પુષ્ટિ લોરેન્સના ભાઈ અનમોલ બિશ્નોઇએ પોતે કરી છે.
આ પણ વાંચો – સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ, બાઇક પર આવ્યા હતા બે શૂટર
સોશિયલ મીડિયા પર આપી ધમકી
અનમોલ બિશ્નોઇએ પોતાના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે અને કહ્યું છે કે આ માત્ર ટ્રેલર છે અને હવે પછી ફાયરિંગ ઘરે નહીં થાય. અનમોલે સલમાન ખાનને ખુલ્લેઆમ ખતમ કરવાની ધમકી આપી છે. તેણે લખ્યું છે ક ઓમ જય શ્રી રામ, જય ગુરુજી જમ્ભેશ્વર, જય ગુરુ દયાનંદ સરસ્વતી, જય ભારત. અમે શાંતિ ઈચ્છીએ છીએ. જો જુલમ સામેનો ફેંસલો જો જંગથી થાય તો જંગ જ સહી. સલમાન ખાન અમે માત્ર તને ટ્રેલર બતાવવા માટે આ કામ કર્યું છે, જેથી તમે અમારી તાકાતને સમજો અને અમારી તાકાતની કસોટી ન કરો.
આગળ લખ્યું કે આ પહેલી અને છેલ્લી ચેતવણી છે. આ પછી ગોળીઓ ખાલી ઘર પર ચાલશે નહીં. તમે દાઉદ ઈબ્રાહીમ અને છોટા શકીલને ભગવાન માની રાખ્યા છો, અમને વધારે વાતો કરવાની આદત નથી. લોરેન્સ બિશ્નોઈ ગ્રુપ, ગોલ્ડી બરાડ ગ્રુપ, કાલા જેઠેડી ગ્રુપ.
તમને જણાવી દઈએ કે સલમાન ખાનને ગયા વર્ષે એક ઈમેલ મળ્યો હતો, જેમાં તેમને ધમકી આપવામાં આવી હતી. આ ઉપરાંત સલમાન ખાનના પિતા સલીમ ખાનને પણ એક પત્ર મળ્યો હતો, જેમાં સલમાનને મારી નાખવાની વાત લખી હતી. આ પછી સલમાન ખાનને પોલીસ તરફથી સુરક્ષા આપવામાં આવી હતી અને એક્ટરે પોતાના માટે બુલેટ પ્રૂફ કાર ખરીદી હતી.





