Salman Khan Birthday : સલમાન ખાન હાલમાં તેની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘ટાઈગર 3’ની રિલીઝની રાહ જોઈ રહ્યો છે. તેના ચાહકો પણ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ વચ્ચે ભાઇજાને પોતાના ઇન્સ્ટાગ્રામ એક તસવીર શેર કરી છે જેને પગલે ચાહકો બેકાબૂ બન્યા છે. આ તસવીરમાં તેની સાથે એક મિસ્ટ્રી ગર્લ જોવા મળી રહી છે. તમે જોઇ કે નહીં તે તસવીર ન જોય હોય તો તમે આ અહેવાલમાં જોઇ શકો છો. સાથે જ સલમાન ખાન લગ્ન કરવા જઇ રહ્યો છે કે શું તે અંગે પણ વાંચો.
સલમાન ખાને 8 ઓક્ટોબરે રવિવારના રોજ તેના ઇન્સ્ટાગ્રામ પર એક મિસ્ટ્રી ગર્લ સાથે તસવીર શેર કરી હતી. જો કે આ તસવીરમાં છોકરીનો ચહેરો દેખાતો નથી, માત્ર છોકરીના જેકેટ પર લખેલી તારીખ જ દેખાઈ રહી છે. તેના પર તારીખ 27/12 લખેલી છે. ઉલ્લેખનીય છે કે, સલમાન ખાનનો જન્મદિવસ 27 ડિસેમ્બરે છે. સલમાન ખાને આ તસવીર શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, ‘હું જાણું છું કે તમે હંમેશા મને સપોર્ટ કરશો.’
હવે આ તસવીર જોઈને ભાઈજાના ચાહકો એવી અટકળો ખેંચી રહ્યા છે કે, કદાચ સલમાન ખાન તેના જન્મદિવસ પર તેને તેની લેડી લવ સાથે પરિચય કરાવશે. સોશિયલ મીડિયા પર આવી અનેક ઢગલાબંધ કોમેન્ટ્સ આવી રહી છે. એક પ્રશંસકે લખ્યું, લાગે છે કે ભાઈ તેના જન્મદિવસ પર ભાભીનો પરિચય કરાવવા જઈ રહ્યો છે. અન્ય એક ફેને લખ્યું, ભાભીને જન્મદિવસે લોન્ચ કરવામાં આવશે? એકે લખ્યું, શું ભાઈના લગ્ન થઈ ગયા છે?
સલમાન ખાનની આગામી ફિલ્મ ટાઇગર 3નું મેકર્સે ટીઝર રિલીઝ કર્યું હતું. જે ચાહકોને ખુબ પસંદ આવ્યું હતું. આ અંગે સલમાન ખાને કહ્યું હતું કે, ‘ટાઇગર 3’ની કહાણીએ મને ખૂબ પ્રભાવિત કર્યો હતો. મેં સ્ક્રીપ્ટ સાંભળીને તુરંતજ નક્કી કરી લીધું હતુ કે હું આ કરીશ. ખરેખર મને વિશ્વાસ નહોતો થતો કે આદિ અને તેની ટીમ શું લઈને આવ્યા છે. આ ચોક્કસપણે ‘ટાઇગર’નું સૌથી ખતરનાક મિશન છે અને તેમાં તક મેળવવા માટે તેણે પોતાનો જીવ જોખમમાં મૂકવો પડશે.’
મનીષ શર્મા દ્વારા નિર્દેશિત ‘ટાઈગર 3’માં કેટરિના કૈફ અને ઈમરાન હાશ્મી પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ ટાઇગર ફ્રેન્ચાઇઝીનો ત્રીજો ભાગ છે અને તે દિવાળીના તહેવાર પર રિલીઝ થશે. YRFની જાસૂસી થ્રિલર 12 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. એટલું જ નહીં, સલમાન ખાનની ફિલ્મમાં શાહરૂખ ખાન એક્શનથી ભરપૂર કેમિયો પણ કરશે. અગાઉ સલમાન ‘પઠાણ’માં કેમિયોમાં જોવા મળ્યો હતો અને તેણે થિયેટરોમાં તોફાન મચાવી દીધું હતું. હવે ફેન્સ આ જોડીને ફરી એકવાર સ્ક્રીન પર જોવા માટે ઉત્સાહિત છે.