‘સારાભાઈ vs સારાભાઈ’માં જાસ્મિનનું યાદગાર પાત્ર ભજવનારી વૈભવી ઉપાધ્યાય (Vaibhavi Upadhyaya) આ દુનિયાને અલવિદા કહી ચૂકી છે. તેના અંતિમ સંસ્કાર બુધવારે મુંબઈના બોરિવલીમાં આવેલા સ્મશાન ગૃહમાં કરવામાં આવ્યા હતા. આ એક અકસ્માત હોવાથી પોલીસ કેસ બન્યો હતો. ઉલ્લેખનીય છે કે, ત્રણ મહિના પહેલા જ વૈભવીની સગાઈ જય ગાંધી સાથે થઈ હતી, તે તેના ફિયાન્સ સાથે 15 દિવસના વેકેશન હિમાચલ પ્રદેશ ગઈ હતી. આ દરમિયાન અકસ્માત થયો અને તે ચાલી ગઈ. વૈભવી ઉપાધ્યાયના અકાળે મોતને પગલે તેમના ફેન્સને આઘાત લાગ્યો છે. તેવામાં આ અકસ્માતને લઇને વધુ વિગતો પ્રાપ્ત થઇ છે.
હવે કુલ્લુના પોલીસ અધિક્ષકનું નિવેદન સામે આવ્યું છે. પોલીસ અધિક્ષકે જણાવ્યું છે કે, કેવી રીતે વૈભવી જે કારમાં મુસાફરી કરી રહી હતી તેમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરતી વખતે તેનું મૃત્યુ થયું. પોલીસના જણાવ્યા અનુસાર વૈભવીએ કારમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેને માથામાં ઈજા થઈ જે જીવલેણ સાબિત થઈ.
કુલ્લુના પોલીસ અધિક્ષક સાક્ષી વર્માએ પીટીઆઈ જણાવ્યું હતું કે, “વૈભવીએ કારની બારીમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્ હતો અને તેને માથામાં ઈજા થઈ જે જીવલેણ સાબિત થઈ. ઇજાને પગલે તેને બંજાર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. તેની સાથે મુસાફરી કરી રહેલ તેનો મંગેતર પણ ઇજાગ્રસ્ત થયો હતો.
બીજી બાજુ બુધવારે સ્માશાન ઘાટ બહાર એકઠા થયેલા પત્રકારો સાથે વાત કરતા જેઠી મજેઠીયાએ જણાવ્યું હતું કે, વૈભવી તેના મંગેતર સાથે ડિસેમ્બરમાં લગ્ન કરવાની યોજના બનાવી રહી હતી. તેમજ તેઓ હાલ હિમાચલ પ્રદેશમાં હતા અને તેની કાર વળાંક પર હતી અને રસ્તો ખૂબ જ સાંકડો હતો. તેઓ એક ટ્રક પસાર કરવા માટે રોકાયા. જ્યારે ટ્રક તેમની પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે તેણે કારને ટક્કર મારી હતી અને તે ખીણમાં પડી હતી. જયને બંને હાથમાં ઈજા પહોંચી હતી પરંતુ વૈભવી ખીણ તરફ બેઠી હોવાથી તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. દુર્ભાગ્યપૂર્ણ રીતે તેણે સિટબેલ્ટ નહોતો પહેર્યો. તે નીચે પટકાઈ હતી અને તેને માથામાં વાગ્યું હતું, આ સિવાય સ્થળ પર જ તેને કાર્ડિયેક અરેસ્ટ આવ્યો હતો. ઘટના બાદ ઘણા લોકો ત્યાં ભેગા થયા હતા અને વૈભવીને બહાર કાઢી હતી પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું.