Shah Rukh Khan Birthday : લાખો ચાહકોના દિલોની ધડકન અને બોલિવૂડનો કિંગ ખાન શાહરૂખ ખાનનો આજે 2 નવેમ્બરે બર્થડે છે. શાહરૂખ ખાન આજે પોતાનો 58મો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યો છે. કિંગ ખાનનો જન્મ 2 નવેમ્બર 1965ના રોજ થયો હતો. આ અહેવાલમાં તમને શાહરૂખ ખાન અને તેના માતા-પિતા વિશે એવી વાતો જાણવા મળશે જે કદાચ તમે નહીં જાણતા હોય.
હું બોલિવૂડનો છેલ્લો સ્ટાર : શાહરૂખ ખાન
શાહરૂખ ખાને પોતાના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘હું બોલિવૂડનો છેલ્લો સ્ટાર છું.’ અમુક અંશે, અભિનેતાની આ વાત ખરી છે. શાહરૂખ ખાને પોતાની ફિલ્મી કરિયરમાં ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. ઉપરાંત વર્ષ 2023 તો તેના નામે જ છે. કારણે કે આ વર્ષે તેણે બે સુપરહિટ ફિલ્મો ‘પઠાણ’ અને ‘જવાન’ આપી. પઠાણ અને જવાને દેશ સહિત વિશ્વભરમાં ખુબ ધૂમ મચાવી અને બંપર કમાણી કરી અનેક રેકોર્ડ તોડ્યા.
સૌથી વધુ ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર વિજેતા કોણ?
શાહરૂખ ખાન છેલ્લા 3 દાયકાથી બોલિવૂડ પર રાજ કરી રહ્યો છે. અભિનેતાએ પોતાની શાનદાર એક્ટિંગના દમ પર ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. શાહરુખ અને દિલીપ કુમાર એકમાત્ર એવા અભિનેતા છે જેમણે સૌથી વધુ ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર જીત્યો છે. આ સિવાય શાહરૂખ ખાનને સિનેમામાં અભૂતપૂર્વ અને અનુપમ યોગદાન માટે વર્ષ 2005માં ભારત સરકાર દ્વારાન સર્વોચ્ચ સન્માન ‘પદ્મશ્રી પુરસ્કાર’થી સન્માનિત કરવામાં આવ્યો છે.
શાહરૂખ ખાનનું અસલી નામ શું છે?
IMDb પર શાહરૂખની પ્રોફાઇલ અનુસાર, તેનું અસલી નામ અબ્દુર રહેમાન ‘શાહરુખ’ ખાન છે. તેમના પિતાનું નામ મીર તાજ અને માતાનું નામ લતીફ ફાતિમા હતું. કિંગ ખાનના પિતા વકીલ હતા, પરંતુ તેઓ આ વ્યવસાયમાં નિષ્ફળ થતાં ફર્નીચર, ટ્રાંસપોર્ટેશન અને કેરોસીનની ડીલિંગનો બિઝનેસ કરતા હતા.
શાહરૂખ ખાનની માતા ઈન્દિરા ગાંધીની ખૂબ નજીક હતી?
ભારત-પાકિસ્તાનના વિભાજન પછી શાહરૂખ ખાનના પિતા મીર તાજ પરિવાર સાથે દિલ્હીમાં સ્થાયી થયા હતા. આ પછી તે દિલ્હીમાં ચા વેચતા હતા. કિંગ ખાનના પિતાએ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લીધો હતો. જે બાદ તેઓ સરકારી ચીફ એન્જિનિયર બન્યા. શાહરૂખ ખાનની માતા હૈદરાબાદની હતા. તેણે ઈંગ્લેન્ડની ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો હતો. તે તેના સમયની ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ હતા. લતીફ ફાતિમા પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ખૂબ નજીક હતી. તેણે ઈન્દિરા ગાંધી સાથે કામ કર્યું.
શાહરૂખ ખાનના પિતા આ વ્યવસાય કરતા હતા?
ભારત-પાકિસ્તાનના ભાગલા પછી અભિનેતાનો પરિવાર દિલ્હીના રાજેન્દ્ર નગરમાં ભાડાના મકાનમાં રહેતો હતો. આ સમયે અભિનેતા 15 વર્ષનો હતો. માતા-પિતા કેરોસીન એજન્સી ચલાવતા હતા. એકવાર શાહરૂખ ખાનની ગેરકાયદે કેરોસીન ડીલિંગના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જોકે, પોલીસે તેને તરત જ છોડી દીધો હતો. આ પછી એક એડિટરને મારી નાખવાની ધમકી આપવા બદલ કિંગ ખાનને એક દિવસ માટે જેલમાં જવું પડ્યું હતું. શાહરૂખે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘જેલ ખૂબ જ ગંદી હતી, જ્યાં પેશાબ અને મળ સ્પષ્ટપણે જોવા મળતુ હતુ.’
શાહરૂખ ખાનની નેટવર્થ
શાહરૂખ ખાને 25 ઓક્ટોબર 1991ના રોજ ગૌરી છિબ્બર સાથે લગ્ન કર્યા હતા. તેમને ત્રણ બાળકો આર્યન ખાન, અબરામ અને પુત્રી સુહાના ખાન છે. શાહરૂખ ખાન વિશ્વના બીજા સૌથી અમીર અભિનેતા છે. 2021માં શાહરૂખની કુલ સંપત્તિ 5116 કરોડ રૂપિયા હોવાનું અનુમાન છે.