બોલિવૂડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા કિયારા અડવાણી સંગ જેસલમરમાં ભવ્યતિભવ્ય સૂર્યગઢ પેલેસ ખાતે લગ્ન કરશે. લગ્ન પહેલાં રવિવારની રાતથી શરુ થયેલો સંગીત સમારોહ વહેલી પરોઢ સુધી ચાલ્યો હતો. મહેમાનોને પાંચ જાતની બાટી સાથે દાળ અને ચૂરમું સહિતની રાજસ્થાની વાનગીઓ તથા પંજાબી સ્વાદિષ્ટ વાનગીઓનું વેલકમ લંચ પીરસવામાં આવ્યું હોવાનું કહેવાય છે.
અહેવાલો અનુસાર કિયારા અડવાણીના હાથોમાં સોમવારે (6 ફેબ્રુઆરી) મહેંદી રચવામાં આવી હતી. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી આજે (8 ફેબ્રુઆરી) ના રોજ એકમેકનો સાથ જન્મો જન્મ સુધી નિભાવવાનાં વચનો સાથે સાત ફેરા લેશે. પ્રાપ્ત વિગતો અનુસાર, સૂર્યગઢ પેલેસ ખાતે એટલી ટાઇટ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કપલના કે અન્ય કોઇ પણ લગ્ન સમારોહની તસવીરો લીક ન થાય.
સંગીત સહિતના કાર્યક્રમોમાં ભાગ લેવા માટે શાહિદ કપૂર અને તેની પત્ની મીરાં ઉપરાંત કરણ જોહર ગઈકાલે જ જેસલમેર પહોંચી ગયા હતા. રવિવારે રાતે ઈશા અંબાણી પણ તેના પતિ સાથે પહોંચી હતી. આકાશ અને શ્લોકા પણ લગ્નમાં ભાગ લેવા જેસલમેર પહોંચ્યાં હતાં. ઈશા અને કિયારા સ્કૂલ ફ્રેન્ડ હોવાથી ઈશાને કિયારાનાં લગ્ન માટે સવિશેષ ઉમંગ છે. જુહી ચાવલા પણ જેસલમેર પહોંચી હતી. જુહી ચાવલા અને કિયારાના પિતા બાળપણનાં મિત્રો છે અને તેમના વચ્ચે પારિવારિક સંબંધો છે.
બીજી તરફ, યુગલનાં લગ્ન જીવન વિશે આગાહીઓ પણ થવા લાગી છે. એક ટેરોટ કાર્ડ રિડરની આગાહી મુજબ કિયારા સિદ્ધાર્થ માટે શુકનિયાળ પુરવાર થશે. લગ્ન બાદ સિદ્ધાર્થની કેરિયર આગળ ધપશે. સિદ્ધાર્થ લગ્ન બાદ ફિલ્મ નિર્માણમાં પણ ઝંપલાવશે. કિયારા બહુ જ સુશીલ અને ગુણકારી પત્ની સાબિત થશે. કિયારા લગ્નના બે વર્ષમાં માતા બનશ એવી આગાહી કરવામાં આવી છે.
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના શાહી લગ્નની જવાબદારી મુંબઈની એક મોટી વેડિંગ પ્લાનર કંપનીને આપવામાં આવી છે. હોટેલ બુકિંગથી લઈને ટ્રાન્સપોર્ટેશન સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આ લગ્નમાં આવનાર મહેમાનો અને અન્ય કાર્યક્રમોના આયોજન માટે હોટલ મેનેજમેન્ટ દ્વારા ઘણી ગુપ્તતા જાળવવામાં આવી રહી છે.