Sunita Ahuja and Govinda: અભિનેતા ગોવિંદા અને તેની પત્ની સુનિતા આહુજા તેમના છૂટાછેડાના સમાચારને કારણે આ વર્ષે ચર્ચામાં રહ્યા હતા. જો કે પોતાના પરિવારની નજીક રહેલા ગોવિંદાના વકીલે આ સમાચારને રદિયો આપ્યો હતો. જોકે ગયા અઠવાડિયે આ કપલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું હતું. આ વખતે ચર્ચા એવી હતી કે સુનિતા આહુજાએ ગયા વર્ષે ડિસેમ્બરમાં છૂટાછેડા માટે અરજી કરી હતી.
જોકે આ પછી ગોવિંદાની મેનેજર અને તેમની પુત્રી ટીના આહુજાએ આ અફવાઓ પાયાવિહોણી હોવાની સ્પષ્ટતા કરી હતી. હવે ગણેશ ચતુર્થી નિમિત્તે આ કપલે પોતે જ આ અફવાઓનો કાયમ માટે ખતમ કરવાનો નિર્ણય કર્યો હતો.
ગોવિંદા અને સુનીતા આહુજા એકસાથે પાપારાઝી સામે આવ્યા હતાં અને છૂટાછેડાના સમાચાર પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું. તેમણે ફોટોગ્રાફરોને મીઠાઈ વહેંચી હતી અને તેમની સાથે ગણેશ ચતુર્થીની ઉજવણી કરી અને ગણપતિ બાપ્પાનું ઘરમાં સ્વાગત કર્યું હતું.
સુનિતાએ છૂટાછેડાના સમાચાર પર પોતાનું મૌન તોડ્યું
સુનિતા હંમેશાની જેમ ખૂબસૂરત લાગતી હતી, તેણે રોયલ ગોલ્ડન બોર્ડર, ગોલ્ડ જ્વેલરી સાથે પર્પલ સાડી પહેરી હતી. જ્યારે ગોવિંદા બેરી કલરનો કુર્તા પાયજામો અને ગળામાં સોનેરી દુપટ્ટો પહેરેલો જોવા મળ્યો હતો. મીડિયા સાથે વાતચીત કરતી વખતે અને હાથ જોડીને ફોટા પડાવતી વખતે બંનેના ચહેરા પર સ્મિત સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. આ સાથે સુનિતાએ તેના અને ગોવિંદાના છૂટાછેડાના સમાચાર પર પોતાનું મૌન તોડ્યું હતું.
આ પણ વાંચો – અનન્યા પાંડ સહિત આ સેલેબ્સે ગણેશ ચતુર્થી પર બાપ્પાનું સ્વાગત કર્યું
એએનઆઈએ સુનીતાનો એક વીડિયો શેર કર્યો છે જેમાં તેણે તેના છૂટાછેડાના સમાચાર ફેલાવનારા લોકોને જવાબ આપ્યો છે. વીડિયોમાં તે પાપારાઝીને પૂછી રહી છે કે શું તેને અને ગોવિંદાને સાથે જોઇને તેમના ચહેરા પર થપ્પડ નથી પડી? જો કશુંક હોત તો અમે આટલા નજીક હોત? અમારી વચ્ચે અંતર હોત. અમને બંનેને કોઈ અલગ કરી શકશે નહીં, ઉપરથી કોઇપણ આવે, ભગવાન આવે કે શેતાન આવી જાય. તે એક ફિલ્મ હતી ને કે મેરા પતિ સિર્ફ મેરા હૈ, મારો ગોવિંદા ફક્ત મારો છે અને બીજા કોઈનો નથી. જ્યાં સુધી આપણે મોઢું ન ખોલીએ ત્યાં સુધી કોઈ પણ વસ્તુ પર તમે ના બોલો.
ગણપતિને ઘરે લાવવાનું કારણ સમજાવ્યું
સુનિતા આહુજાએ જણાવ્યું કે તે ઘણા સમયથી ગણપતિ લાવે છે. ગોવિંદા જ્યારે પોતાની કારકિર્દીમાં આગળ વધી રહ્યા હતા ત્યારે તેમણે ગણપતિને પોતાની ઓફિસમાં રાખવાની પરંપરા શરૂ કરી હતી. સુનીતાએ કહ્યું કે યશવર્ધનની ફિલ્મનું શૂટિંગ આવતા મહિને શરૂ થવાનું છે, તેથી મેં કહ્યું કે આ વખતે મારો પુત્ર ગણપતિ લાવશે. હું ઇચ્છું છું કે તે પણ ગોવિંદાની જેમ ખ્યાતિ, આદર અને પ્રેમ મેળવે. તેથી જ મેં આ વખતે યશવર્ધન પાસે ગણપતિ સ્થાપના કરાવી હતી.





