Sunny Deol Juhu Bungalow : સની દેઓલ આજકાલ ફિલ્મ ‘ગદર 2’ને લઈને ચર્ચામાં છે. તેની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર 300 કરોડથી વધુની કમાણી કરી છે. ફિલ્મના 22 વર્ષ બાદ પણ લોકોમાં અવો જ ક્રેઝ જોવા મળી રહ્યો છે, જે પ્રથમ ગદર ફિલ્મ સમયે હતો. ‘ગદર 2’ બોલિવૂડની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં સામેલ થઇ ગઇ છે. આ દરમિયાન ગઇકાલે 20 ઓગસ્ટના રોજ એવા સમાચાર પ્રકાશમાં આવ્યાં હતા કે, તેનો મુંબઈનો બંગલો હરાજી થવાની અણી પર આવી ગયો છે. જો કે હવે બેંકે તેના પર પ્રતિબંધ લગાવી દીધો છે.
વાસ્તવમાં બેંક ઓફ બરોડાએ સની દેઓલને જુહુ સ્થિત તેના બંગલાની હરાજી અંગે નોટિસ પાઠવી હતી. બેંક તરફથી કહેવામાં આવ્યું હતું કે, સની દેઓલે તેના જુહુના બંગલા પર લગભગ 56 કરોડ રૂપિયાની લોન લીધી હતી, જે તે પરત કરી શક્યો ન હતો. જે બાદ બેંકે નોટિસ જાહેર કરી હતી કે હવે તેના બંગલાની હરાજી કરવામાં આવશે. પરંતુ 24 કલાકની અંદર બેંકે પોતાનો નિર્ણય બદલી નાખ્યો છે અને હરાજી પર પ્રતિબંધ લગાવી દીધો છે.
જાહેરાત મુજબ મિલકતની અનામત કિંમત રૂ. 51.43 કરોડ છે. સિક્યોરિટાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઑફ ફાઇનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઑફ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ એક્ટ, 2002 હેઠળ જરૂરી 30 દિવસની નોટિસ જારી કરવામાં આવી હતી.
ધ ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા સની દેઓલની ટિપ્પણી મેળવવા માટે તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેનો કોઈ જવાબ મળ્યો ન હતો.





