Sunny Deol Juhu Bungalow : સની દેઓલ આજકાલ ફિલ્મ ‘ગદર 2’ને લઈને ચર્ચામાં છે. તેની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર 300 કરોડથી વધુની કમાણી કરી છે. ફિલ્મના 22 વર્ષ બાદ પણ લોકોમાં અવો જ ક્રેઝ જોવા મળી રહ્યો છે, જે પ્રથમ ગદર ફિલ્મ સમયે હતો. ‘ગદર 2’ બોલીવૂડની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં સામેલ થઇ ગઇ છે. છેલ્લા બે દાયકાથી સની દેઓલની ફિલ્મ બોક્સ ઑફિસ પર ખાસ કમાલ કરી શકી ન હતી. આ દરમિયાન હવે અભિનેતા એવા સમાચાર સામે આવી રહ્યા છે કે તેનો મુંબઈનો બંગલો હરાજી થવાની અણી પર આવી ગયો છે.
અભિનેતા સની દેઓલની એક મોટી પ્રોપર્ટીની હરાજી થવાનો ખતરો છે. તેના પર બેંકનું મોટું દેવું હતું, જેના માટે બેંકે તેની મુંબઈની પ્રોપર્ટીની હરાજી કરવાની અખબારમાં જાહેરાત આપી છે. એક અખબારમાં જારી કરવામાં આવેલી નોટિસ અનુસાર બેંક ગાંધી ગ્રામ રોડ પર આવેલા સની વિલાની હરાજી કરશે. જેમાં અભિનેતા પર ગયા વર્ષે 26 ડિસેમ્બરથી વ્યાજ અને ખર્ચ સહિત 55.99 કરોડ રૂપિયા વસૂલવામાં આવશે.
આ પણ વાંચો – સની દેઓલની ગદર 2 પઠાણને માત આપીને આ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બનશે?
ધિરાણકર્તાની ઝોનલ સ્ટ્રેસ્ડ એસેટ રિકવરી શાખા દ્વારા જારી કરવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે હરાજી 25 સપ્ટેમ્બરના રોજ યોજાશે અને બિડ્સ 22 સપ્ટેમ્બર સુધીમાં સબમિટ કરી શકાશે. તેમાં કહેવામાં આવ્યું છે કે બાકી નીકળતી રકમની વસૂલાત માટે બંગલો જેમ છે તેમ જ વેચવામાં આવશે.
નોટિસમાં કહેવામાં આવ્યું છે કે સની દેઓલનો બંગલો બેંક પાસે ગીરવે છે, જેનો કબજો અધિકૃત બેંક અધિકારી દ્વારા લેવામાં આવ્યો છે. ગીરવે મૂકેલી મિલકતોમાં સન્ની વિલાની નીચે 599.44 ચોરસ મીટરની જમીનના તમામ ટુકડાઓ અને પાર્સલનો સમાવેશ થાય છે. લોનના ગેરન્ટર્સમાં અજય સિંહ દેઓલ ઉર્ફે સની દેઓલ અને વિજય સિંહ ધર્મેન્દ્ર દેઓલનો સમાવેશ થાય છે.
જાહેરાત મુજબ મિલકતની અનામત કિંમત રૂ. 51.43 કરોડ છે. 14 સપ્ટેમ્બરે મિલકતનું નિરીક્ષણ કરી શકાશે અને બિડના વિજેતાને શરૂઆતમાં પ્રતીકાત્મક કબજો આપવામાં આવશે. સિક્યોરિટાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઑફ ફાઇનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઑફ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ એક્ટ, 2002 હેઠળ જરૂરી 30 દિવસની નોટિસ જારી કરવામાં આવી હતી.
ધ ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા સની દેઓલની ટિપ્પણી મેળવવા માટે તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેનો કોઈ જવાબ મળ્યો ન હતો.





