‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah) સીરિયલની અભિનેત્રી જેનિફર મિસ્ત્રી બંસીવાલે (Jennifer Mistry Bansiwal) તાજેતરમાં જ શોના પ્રોડ્યુસર આસિત કુમાર મોદી (Asit Kumarr Modi) સામે જાતીય શોષણનો આક્ષેપ કર્યો હતો. ઉપરાંત શોના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતીન બજાજ અને પ્રોજેક્ટ હેડ સોહિલ રામાણી સામે માનસિક ત્રાસ આપવાનો આક્ષેપ કર્યો હતો. હાલમાં જ આપેલા ઈન્ટરવ્યૂમાં જેનિફરે આસિત મોદી પર લગાવેલા આક્ષેપો અંગે ખુલીને વાત કરી છે. સાથે જ 2019ની એ ઘટના યાદ કરી છે જેને લીધે તે અંદરથી હચમચી ગઈ હતી. જેનિફરે કહ્યું છે કે, તે આસિત કુમાર મોદી, સોહિલ રામાણી અને જતીન બજાજ પાસે માફીની અપેક્ષા રાખી રહી છે. આ સાથે એક્ટ્રેસે વધુ એક વાત કરી છે.
ANI સાથેની વાતચીત દરમિયાન અભિનેત્રીએ કહ્યું, લોકો એવી ચર્ચા કરી રહ્યા છે કે, અસિત મોદીએ મારી સાથે શારીરિક સંબંધ બનાવ્યો છે, પરંતુ હકીકતમાં એવું નથી. તેણે આ અંગે માત્ર મને મૌખિક વાત કહી હતી. આ સાથે જેનિફરે કહ્યું કે, આ હું પૈસાના લાલચમાં નથી કરી રહી. આ લડાઇ સ્વાભિમાન અને ન્યાય માટેની છે.
ઈટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં જેનિફરે 2019ની એ ઘટના વિશે વાત કરતાં કહ્યું, “માર્ચ 2019માં અમે સીરિયલના સ્પેશિયલ એપિસોડનું શૂટિંગ કરવા માટે સિંગાપોર ગયા હતા. આખી ટીમ અહીં હતી અને આસિતજીએ મારી સૌથી વધુ શાબ્દિક છેડતી ત્યાં જ કરી હતી.7 માર્ચે મારી મેરેજ એનિવર્સરી હતી અને 8 માર્ચે તેમણે મને કહ્યું હતું કે, ‘તારી એનિવર્સરી તો પૂરી થઈ ગઈ, હવે શાનો અફસોસ છે, મારા રૂમમાં આવી જજે આપણી વ્હીસ્કી પીશું.’ મેં તેમને આ વાતને અવગણી હતી. પછી બીજા દિવસે તેમણે મને ફરી કહ્યું-‘તારી રૂમ પાર્ટનર તો રાત્રે ફરવા જતી રહે છે, તું શું કરે છે રૂમમાં એકલી? આવી જવાનું, સાથે વ્હીસ્કી પીશું.’ મેં તેમને ટાળવા માટે કહ્યું હતું કે, બહાર છું, અજાણ્યા દેશમાં, શું કરી શકું? મારા પતિ પણ અહીં નથી. કોઈ છે નહીં.”
વધુમાં જેનિફરે જણાવ્યું હતું કે, આસિત મોદી આટલેથી નહોતા અટક્યા અને તેમણે તે પછીના દિવસે જે કહ્યું તે સાંભળીને જેનિફર અંદરથી હચમચી ગઈ હતી. હું એક જગ્યાએ ઊભી હતી, કોફી કાઢી રહી હતી ત્યારે તેઓ એકદમથી મારી બાજુમાં આલ્યા અને ધીરેથી કહ્યું-‘તારા હોઠ બહુ સુંદર છે, એવું થાય છે કે પકડીને કિસ કરી લઉં.’ આ સાંભળીને હું ધ્રૂજવા લાગી હતી. મેં વિચાર્યું કે આ શું છે? શું બોલી રહ્યા છે તેઓ? મારી રૂમ પાર્ટનર તો રાત્રે ફરા જતી રહે છે એવામાં તેઓ મારા રૂમમાં આવી ગયા તો હું શું કરીશ? મને ખૂબ બીક લાગવા માંડી હતી.
જેને પગલે જેનિફરે તેના પતિને ફોન કર્યો હતો અને તેણે મને તુરંતજ પાછા આવવા કહ્યું હતું. મેં મારા પતિને કહ્યું કે, શૂટિંગ છોડીને કેવી રીતે આવી જઉં? હું એટલી ગભરાયેલી હતી કે શું કરવું તેની સમજ નહોતી પડતી”, તેમ જેનિફરે ઉમેર્યું હતું. બાદમાં જેનિફરે આ ઘટના વિશે તેના બે સાથી કર્મચારીઓને વાત કરી હતી. જેમાંથી એકે આસિત મોદી પાસે જઈને જેનિફરને પરેશાન ના કરવાનું કહ્યું હતું. જ્યારે બીજાએ આસિત મોદી આસપાસ હોય ત્યારે જેનિફરની રક્ષા કરવાનું બીડું ઝડપ્યું હતું. જોકે, જેનિફરના કહેવા પ્રમાણે, બંને સાથીકર્મીઓએ આ મદદ હળવાશમાં જ કરી હતી કારણકે આસિત મોદી તેમના પ્રોડ્યુસર હતા. જેનિફરે એમ પણ કહ્યું કે, આ મુદ્દે તે અત્યાર સુધી ચૂપ રહી કારણકે તેને કામના રૂપિયા મળતા હતા અને તેને રૂપિયાની ખૂબ જરૂર હતી.
અગાઉ આસિત કુમાર મોદી અને શોના પ્રોજેક્ટ હેડ સોહિલ રામાણીએ મીડિયામાં નિવેદનો આપીને જેનિફરના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. આસિત મોદીએ એક નિવેદનમાં કહ્યું હતું કે, “અમે તેની સામે લીગલ એક્શન લઈશું કારણકે તે મને અને શો બંનેને બદનામ કરવાની કોશિશ કરી રહી છે. અમે તેને કાઢી મૂકી હોવાથી આવા પાયાવિહોણા આક્ષેપ કરી રહી છે.” આ તરફ સોહિલ રામાણીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, “તે આ બધું જ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા કરી રહી છે. જો તેની સાથે સતામણી થઈ રહી હતી તો પછી તેણે ઓથોરિટીઝને જાણ કેમ ના કરી. અમારા પ્રો઼ક્શન હાઉસમાં મહિલાઓની સમસ્યાઓ માટે કમિટી પણ છે અને તે તેમાં પણ ફરિયાદ કરી શકી હોત. અમે તેના બધા જ આક્ષેપોના જવાબ લીગલી આપીશું અને તે દિશામાં અમે કામ કરી રહ્યા છે. અમારા શો, પ્રોડક્શન હાઉસ અને અમને બદનામ કરવાનું તેનું કાવતરું છે.”