તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના શો પર માઠી બેઠી હોય તેવું લાગી રહ્યું છે. એક પછી એક કલાકારો શો છોડી રહ્યા છે. ત્યારે હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં રોશન ભાભીનું પાત્ર નિભાવી ફેમસ થનારી જેનિફર મિસ્ત્રી બંસીવાલાએ શો છોડી દીધો હોવાના સમાચાર સામે આવ્યાં છે. એવું લાગી રહ્યું છે કે પ્રોડ્યૂસર આસિત કુમાર મોદીના (Asit Kumarr Modi) ખરાબ દિવસો ચાલી રહ્યા છે. હવે આ સમાચાર સાંભળીને તમને સવાલ થયો હશે કે કેમ અચાનક જેનિફર મિસ્ત્રી બંસીવાલે શો છોડી દીધો? અને આખરે શું છે સમગ્ર મામલો? તો વાંચો સંપૂર્ણ અહેવાલ.
જેનિફર મિસ્ત્રી બંસીવાલ (Jennifer Mistry Bansiwal), જે TMKOCમાં છેલ્લા 15 વર્ષથી મિસિસ રોશન સોઢીનું પાત્ર ભજવી રહી છે, તેણે પ્રોડ્યૂસર આસિત મોદી, પ્રોજેક્ટ હેડ સોહેલ રામાણી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યૂસર જતીન બજાજ સાથે કાર્યસ્થળ પર શારીરિક શોષણ કરવાનો આરોપ લગાવ્યો છે. શોના સુત્રો પ્રમાણે, જેનિફરે બે મહિના પહેલા જ શૂટિંગ કરવાનું બંધ કરી લીધું છે. 7 માર્ચે તેણે છેલ્લો શોટ આપ્યો હતો. સોહિત અને જતિને તેનું અપમાન કરતાં તે સેટ છોડીને જવા માટે મજબૂત થઈ હતી.
આ મામલે જેનિફરે જણાવ્યું કહ્યું હતું કે ‘હા, મેં શો છોડી દીધો છે. આ વર્ષના સાત માર્ચે મેં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માટે છેલ્લા એપિસોડનું શૂટિંગ કર્યું હોવાની વાત સાચી છે. સોહેલ અને અન્ય એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતીન બજાજે મારું અપમાન કર્યું હોવાથી મારે સેટ છોડવો પડ્યો હતો તેમ તેણે ખુલાસો કર્યો છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ પર 7 માર્ચે શું થયું હતું સવાલના જવાબમાં તેણે કહ્યું હતું કે, ‘એ દિવસે મારી વેડિંગ એનિવર્સરી અને હોળી હતી. સોહેલ રામાણીએ મને ચાર વખત સેટ પરથી હટી જવાનું કહ્યું હતું અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસરે મારી કારને તેની પાછળ ઊભી રાખીને રોકવાનો પ્રયાસ કર્યો હતો અને મને સેટ બહાર જવા દીધી નહોતી. મેં તેમને કહ્યું હતું કે, 15 વર્ષ સુધી મેં આ શોમાં કામ કર્યું છે અને તેઓ મને બળજબરીથી રોકી શકે નહીં. જ્યારે હું જઈ રહી હતી ત્યારે સોહેલે મને ધમકી આપી હતી. મેં આસિત કુમાર મોદી, સોહેલ રામાણી અને જતીન બજાજ સામે શારીરિક શોષણનો કેસ કર્યો છે’.
જેનિફર, જેણે શારીરિક શોષણનો કેસ ફાઈલ કર્યો છે, તેણે દાવો કર્યો હતો કે ‘આસિત મોદીએ ભૂતકાળમાં મારો લાભ ઉઠાવવાનો ઘણીવાર પ્રયાસ કર્યો હતો. શરૂઆતમાં મેં તેમના દરેક નિવેદનને અવગણ્યા હતા કારણ કે મને નોકરી ગુમાવવાનો ડર હતો. પરંતુ હવે આ બધું નહીં ચલાવી લેવામાં આવે. તેમણે મને બળજબરીથી સેટ પર રોકવાનો પ્રયાસ કર્યો હતો અને ગેટ પણ બંધ કરી દીધો હતો, જેથી હું બહાર ન જઈ શકું. મેં મહિના પહેલા સત્તાધીશોને મેઈલ કર્યો હતો પરંતુ કોઈ જવાબ મળ્યો નથી. મને ખાતરી છે કે આ અંગે તપાસ હશે. મેં વકીલ હાયર કર્યા છે અને હું જાણું છું કે મને ખૂબ જલ્દી ન્યાય મળશે’. જ્યારે ઈટાઈમ્સ ટીવીએ આસિત મોદીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો તો તેમણે કહ્યું હતું ‘હાલ હું મંદિરે છું. આપણે પછી વાત કરીશું’.