TMKOC : લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને લઈને મોટા સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. છેલ્લા 15 વર્ષથી સતત દર્શકોનું મનોરંજન કરનારો કોમેડી શો તારક મહેતા બંધ થવાના આરે છે તેવા સમાચાર છે. આવી સ્થિતિમાં આ મુદ્દે શોના પ્રોડ્યુસર અસિત મોદી (Asit Modi) નું મોટું નિવેદન પણ સામે આવ્યું છે.
છેલ્લા ધણા સમયથી તારક મહેતા શો વિવાદોને કારણે ચર્ચામાં છે. તારક મહેતામાં ઘણા ફેમસ કલાકારોએ શો છોડી દીધો છે. દયાબેનનું પાત્ર ભજવનારી દિશા વાકાણીએ 6 વર્ષ પહેલા શોને અલવિદા કહ્યું હતું. ત્યારથી અત્યાર સુધી શોમાં દયાનું પાત્ર ભજવવા માટે કોઈની એન્ટ્રી થઈ નથી.
નિર્માતાઓએ વચન આપ્યું હતું કે, દયાબેન ટૂંક સમયમાં શોમાં પાછા ફરશે, પરંતુ હજુ સુધી થઇ નથી. તાજેતરમાં તારક મહેતાના લેટેસ્ટ પ્રોમોમાં જોવા મળ્યું હતું કે, દયા કમબેક કરી રહી છે. પરંતુ જ્યારે આવું ન થયું તો સોશિયલ મીડિયા પર યુઝર્સે શોનો બહિષ્કાર કરી પોતાનો રોષ ઠાલવ્યો હતો. આ પછી એવી ચર્ચાએ જોર પકડ્યું કે આ શો બંધ થવા જઈ રહ્યો છે. હવે આ અંગે નિર્માતા અસિત મોદીનું નિવેદન સામે આવ્યું છે.
ટેલી ચક્કરના અહેવાલ પ્રમાણે, “અસિત મોદીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નું પ્રસારણ બંધ થશે નહીં. “હું અહીં મારા દર્શકોનું મનોરંજન કરવા આવ્યો છું અને તેમની સાથે ક્યારેય ખોટું બોલીશ નહીં. અમુક સંજોગોને કારણે અમે દયાના પાત્રને સમયસર પરત લાવી શકતા નથી. પરંતુ તેનો અર્થ એ નથી કે અમે પાત્રને લાવી શકીશું નહીં.”
આ સાથે અસિત મોદીએ કહ્યું કે, “દર્શકોને મારું વચન છે કે દયા ચોક્કસ પાછી આવશે. વધુમાં અસિત મોદીએ કહ્યું કે, એક કોમેડી શો 15 વર્ષથી નિરંતર ચલાવવો સરળ નથી. તે પોતાનામાં અનોખો છે, જેમાં એક પણ લીપ જોવા મળી નથી.”
વર્ષ 2017માં દિશા વાકાણી શોથી અલગ થઈ ગઈ હતી. ત્યારથી દર્શકો દયાબેનને શોમાં પાછા જોવાની રાહ જોઈ રહ્યા છે. આ અંગે અસિત મોદીએ મહિનાઓ પહેલા આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “રોલ પસંદ કરવો સરળ નથી અને દિશાની ભૂમિકા ભજવવી તે કોઈપણ અભિનેત્રી માટે પડકારરૂપ હશે. આ રોલ માટે અમને એક શાનદાર કલાકારની જરૂર છે.” આ પછી ઘણી અભિનેત્રીઓનાં નામ સામે આવ્યાં, પરંતુ દયા હજુ પણ શોમાં નથી.
સોશિયલ મીડિયા પર શોનો બહિષ્કાર કરવાની માંગ ઉઠી છે. ટ્વિટર પર #BoycottTMKOC ટ્રેન્ડમાં છે. યુઝર્સનું કહેવું છે કે મેકર્સ શોની ટીઆરપી વધારવા માટે દયાની વાપસીનો ઉલ્લેખ કરે છે પરંતુ ઘણા વર્ષોથી તે પૂરો થઈ રહ્યો નથી. તેથી દર્શકો ખૂબ જ નિરાશ છે.