કોમેડીની દુનિયામાં જાણીતું નામ કપિલ શર્મા જે ‘ધ કપિલ શર્મા શો’ દ્વારા ઘણા વર્ષોથી લોકોને નિરંતર ખળખળાટ હસાવી રહ્યો છે. ત્યારે આ શો સંબંધિત મહત્વના સમાચાર સામે આવ્યાં છે. ધ કપિલ શર્મા શો’ (The Kapil Sharma Show) હંગામી ધોરણે બંધ થઈ જશે. છેલ્લા થોડા વર્ષોથી કપિલ શર્મા શોમાંથી આ પ્રકારે બ્રેક લેતો રહે છે જેથી તે પોતાના પરિવાર સાથે સમય વિતાવી શકે. સાથે જ શોના મેકર્સને પણ તેમાં થોડા ફેરફાર કરવાની તક મળી શકે.
મીડિયા અહેવાલ મુજબ, શોના નિર્માતાઓએ હવે શોને થોડા સમય માટે બંધ કરવાનું મન બનાવી લીધું છે. પરંતુ અત્યાર સુધી કોઈ રિપોર્ટમાં શો બંધ થવાનું કારણ જણાવવામાં આવ્યું નથી.
જોકે, એવું માનવામાં આવે છે કે, શો બંધ થયા પછી, શોના કલાકારો તેમના અન્ય પ્રોજેક્ટ્સ ચોક્કસપણે પૂર્ણ કરશે. કહેવામાં આવી રહ્યું છે કે, આ કારણે શો ફરી એકવાર બંધ થઈ રહ્યો છે. ઈન્ડિયન એક્સપ્રેસના સમાચાર અનુસાર, શોનો છેલ્લો એપિસોડ જૂનમાં બતાવવામાં આવશે.
કપિલ શર્માએ આવા જ બ્રેક 2021 અને 2022માં લીધા હતા. થોડા સમય માટે શો ઓફ એર થયા પછી છ મહિના બાદ કેટલાક નવા કાસ્ટ મેમ્બર્સ સાથે વાપસી કરી હતી. જોકે, શોની હાલની સીઝન શરૂ થઈ ત્યારે તેમાંથી ચંદન પ્રભાકર અને કૃષ્ણા અભિષેક ગાયબ જોવા મળ્યા હતા. કૃષ્ણાએ કહ્યું હતું કે, ચેનલ સાથે કોન્ટ્રાક્ટ મુદ્દે વાટાઘાટ થઈ હોવાથી તે પાછો ના ફર્યો. તો ચંદને કહ્યું કે, તે કંઈક નવું કરવા માગતો હોવાથી બ્રેક લીધો છે. હવે નવી સીઝનમાં ચંદન અને કૃષ્ણા આવશે કે કેમ તે અંગે હાલ તો કોઈ માહિતી નથી.
પહેલો બ્રેક 2017માં લીધો હતો
‘ધ કપિલ શર્મા શો’ની શરૂઆત 2016માં થઈ હતી. સુનીલ ગ્રોવર અને અલી અસગર સાથે વિખવાદ થયા પછી 2017માં શો બંધ થયો હતો. એક વર્ષ પછી ફરીથી શો શરૂ કરવામાં આવ્યો હતો. શોમાં અત્યાર સુધીમાં સુમોના ચક્રવર્તી, ભારતી સિંહ, અર્ચના પૂરણ સિંહ, કિકૂ શારદા, રોચેલ રાવ, સૃષ્ટિ રોડે સહિત કેટલાય કલાકારો જોવા મળી ચૂક્યા છે.