The Kerala Story : મમતા બેનર્જીની આગેવાની હેઠળની પશ્ચિમ બંગાળ સરકારે સોમવારે ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય કર્યો છે. સીએમ મમતા બેનર્જીએ રાજ્યના ચીફ સેક્રેટરીને આદેશ આપ્યો કે બંગાળના થિયેટરોમાંથી ફિલ્મ હટાવવામાં આવે. નફરત અને હિંસાની કોઈપણ ઘટનાને ટાળવા અને રાજ્યમાં શાંતિ જાળવવા માટે ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો છે. આ પછી કેરલા સ્ટોરીના નિર્માતા વિપુલ શાહનું મોટું નિવેદન સામે આવ્યું છે. જેમાં વિપુલ શાહે કહ્યું કે, તેઓ પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા રાજ્યમાં ફિલ્મની રિલીઝ પરના પ્રતિબંધ સામે કાનૂની કાર્યવાહી કરશે.
હકીકતમાં ફિલ્મના દિગ્દર્શક સુદીપ્તો સેન અને નિર્માતા વિપુલ શાહેએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં વિપુલ શાહે એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, અમે કાયદાની જોગવાઇઓ હેઠળ જે પણ શક્ય હશે તે કરીશું. પશ્વિમ બંગાળ પહેલા તમિલનાડુના સિનેમાધરોમાં ધ કેરલા સ્ટોરી પર પ્રતિબંઘ લાદવામાં આવ્યો છે. જે અંગે સવાલ પૂછાયો હતો કે, પ્રતિબંધને કારણે ફિલ્મને શું નુકસાન થઇ શકે છે? આ સવાલના જવાબમાં વિપુલ શાહે કહ્યું હતું કે, અમે હવે નફા-નુકસાન વિશે વાત કરીશું નહીં, અમે માત્ર એ સુનિશ્વિત કરવાનો પ્રયાસ કરીશું કે વધુને વધુ લોકો આ ફિલ્મ જોવે, જો કોઇ રાજ્ય સરકાર કે કોઇ ખાનગી વ્યક્તિ ફિલ્મને રોકવાનો પ્રયાસ કરશે તો અમે તેની સામે તમામ સંભવિત કાયદાકીય પગલા લેશું. મહત્વનું છે કે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) એ ફિલ્મની તપાસ કરી છે અને તે જાહેર પ્રદર્શન માટે યોગ્ય હોવાનું જણાયું છે.
વધુમાં વિપુલ શાહે પોતના નિવેદનમાં કહ્યું હતું કે, જો તે પ્રચારની ફિલ્મ હોત તો લોકોએ ફિલ્મને નકારી દીધી હોત.તે કેરળમાં સફળતાપૂર્વક ચાલી રહી છે અને આવતા બુધવાર અથવા ગુરુવારે અમે ફિલ્મને મલયાલમમાં ડબ કરીશું. અમે પ્રયાસ કરી રહ્યા છીએ. અમને કેરળમાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો ન હતો તેથી જ લોકોએ ફિલ્મ જોઈ અને કેરળમાં તેની પ્રશંસા કરી, પરંતુ તમિલનાડુમાં એક વ્યક્તિએ રાજ્ય અને તેની સરકારને બાનમાં લીધી છે.
ગૃહમંત્રી અમિત શાહે ધ કેરલા સ્ટોરીને ગંભીર સામાજિક વિષય પરની ફિલ્મ ગણાવી તમિલનાડુ સરકારને વિનંતી કરી હતી કે, તે ફિલ્મની સરળ અને ન્યાયી રિલીઝ સુનિશ્વિત કરે. નોંધનીય છે કે, મમતા બેનર્જીએ બીજેપી પર મોટો આરોપ પણ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે બીજેપીની સરકાર ખોટી પાયા વગરની અને જુઠી કહાનીવાળી બંગાળ ફાઇલ્સ બનાવવા માટે ફિલ્મકારોને પૈસા આપી રહી છે. બીજેપી ધ કેરાલા સ્ટોરી નામની ફિલ્મ બતાવી રહી છે, જેની કહાની સાવ ખોટી છે. કેટલાક દિવસો પહેલા તેમના મોકલાવેલા એક્ટર્સ બંગાળ આવ્યા હતા અને પાયા વગરની અને ખોટી કહાનીવાળી ફિલ્મ બંગાળ ફાઇલ્સની તૈયારી કરી રહ્યા છે.
મમતા બેનર્જીએ કહ્યું કે આ લોકો કેરળ અને તેમના લોકોની માનહાનિ કરી રહ્યા છે. આ રોજ બંગાળના માનને પણ હાનિ પહોંચાડે છે. કેમ બીજેપી સામુદાયિક મુશ્કેલી ઉભી કરી રહી છે? આ બધું કરવું શું કોઇ રાજનીતિક પાર્ટીનું કામ છે? તેમને આ કરવાનો હક કોને આપ્યો છે.
આ પણ વાંચો: બ્રેકિંગ ન્યૂઝ: અરિજીત સિંહ ઔરંગાબાદમાં લાઇવ પરફોર્મન્સ દરમિયાન ઇજાગ્રસ્ત, જુઓ વીડિયો
વિવાદો વચ્ચે પણ ફિલ્મ 5 મેના રોજ તમિલનાડુ સિવાયના સિનેમાઘરોમાં રિલીઝ થઇ અને ફિલ્મે ઓપનિંગ ડે પર શાનદાર પ્રદર્શન કરી કમાણીના મામલામાં ધ કાશ્મીર ફાઇલ્સ જેવી ફિલ્મને પાછળ છોડી દીધી હતી. આ સાથે કેરાલા સ્ટોરી વર્ષ 2023ની પાંચમી સૌથી મોટી ઓપનિંગ સાથે ફિલ્મોની યાદીમાં સામેલ થઈ ગઈ છે. આંકડાની વાત કરવામાં આવે તો ‘ધ કેરાલા સ્ટોરી’એ પહેલા દિવસે 8.3 કરોડનો બિઝનેસ કર્યો હતો. ત્યાર બાદ શનિવારે ફિલ્મની કમાણીમાં ઉછાળો આવ્યો અને તેણે 11.22 કરોડ રૂપિયાનો વેપાર કર્યો. ત્રીજા દિવસે એટલે કે રવિવારે 16.50 કરોડનું કલેક્શન કર્યું છે. આ સાથે ફિલ્મની કુલ કમાણી હવે 35.75 કરોડ રૂપિયા થઈ ગઈ છે. જોકે આ અનુમાનિત આંકડા છે ઓફિશિયલ ડેટા આવવાના બાદ નંબર્સમાં થોડો ફેરફાર થઈ શકે છે.