વિવાદોમાં ઘેરાયેલી ‘ધ કેરલા સ્ટોરીને’ લઇને મોટા સમાચાર સામે આવ્યાં છે.અદા શર્મા સ્ટારર આ ફિલ્મમાં કેરળમાં છોકરીઓને ધર્મ પરિવર્તન કરવા અને તેમને ISISમાં જોડાવા માટે મજબૂર કરવામાં આવતી વાર્તા બતાવવાનો દાવો કરવામાં આવ્યો છે. એ વાત તો નોંધનીય છે કે ફિલ્મનું ટીઝર રિલીઝ થયું ત્યારથી જ ‘ધ કેરલા સ્ટોરી’ પર ઘણો વિવાદ થયો હતો અને તેના પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી.
આ ફિલ્મ શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને બોક્સ ઓફિસ પર પણ જોરદાર બિઝનેસ કરી રહી છે. અત્યાર સુધી ફિલ્મનું ઈન્ડિયા કલેક્શન બે દિવસમાં લગભગ 20 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે પણ હવે ‘ધ કેરલા સ્ટોરી’ ફરી એકવાર વિવાદમાં આવી છે. તમિલનાડુના મલ્ટીપ્લેક્સ એસોસિએશને આ ફિલ્મને સિનેમાઘરોમાં બતાવવાની ના પાડી દીધી છે.
મળતી જાણકારી અનુસાર તમિલનાડુ મલ્ટીપ્લેક્સ એસોસિએશને જાહેરાત કરી છે કે રવિવારથી રાજ્યભરમાં ‘ધ કેરલા સ્ટોરી’નું સ્ક્રીનિંગ બંધ કરી દેવામાં આવશે. તેના નિર્ણય પાછળનું કારણ જણાવતા એસોસિએશને કહ્યું છે કે આ ફિલ્મ ‘કાયદો અને વ્યવસ્થા માટે ખતરો’ બની શકે છે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું હતું કે સામાન્ય લોકો તરફથી ફિલ્મને મળેલો ઠંડો પ્રતિસાદ પણ આ નિર્ણય પાછળ એક કારણ છે.
તમિલનાડુના ઘણા રાજકીય સંગઠનોએ પણ ધમકી આપી છે કે જો આ ફિલ્મ કોઈપણ સિનેમા હોલમાં બતાવવામાં આવશે તો તેને બંધ કરી દેવામાં આવશે. તમિલનાડુની નામ તમિલાર કાચી (NTK) પાર્ટીએ પણ શનિવારે ચેન્નાઈમાં ‘ધ કેરલા સ્ટોરી’ની રિલીઝ સામે વિરોધ કર્યો હતો. પાર્ટીના કાર્યકરોએ ફિલ્મ વિરુદ્ધ પ્રદર્શનો શરૂ કર્યા. પાર્ટીના કાર્યકરોએ થિયેટરોની અંદર પણ પ્રદર્શન કર્યું જ્યાં ફિલ્મ પ્રદર્શિત થઈ રહી હતી અને પોલીસે તેમની ધરપકડ કરી હતી. તમિલનાડુ સરકાર પાસે ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરી હતી.