Tiger 3 Box Office Collection Day 4 : હિન્દી ફિલ્મ ઉદ્યોગના દમદાર અભિનેતા સલમાન ખાન અને કેટરિના કૈફની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ટાઇગર 3’ એ દિવાળીના દિવસે બોક્સ ઓફિસ પર ખુબ ધૂમ મચાવી હતી. આ ફિલ્મે પહેલા ત્રણ દિવસ સારી કમાણી કરી હતી. પરંતુ ચોથા દિવસે એટલે કે 15 નવેમ્બરે ‘ટાઇગર 3’ની કમાણીમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.
15 નવેમ્બરે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે સેમીફાઇનલ મેચ રમાઇ હતી. જેને પગલે સૌનું ધ્યાન મેચ તરફ આકર્ષિત હતુ. તેથી ‘ટાઇગર 3’ના બોક્સ ઓફિસ કલેક્શનમાં મોટો ઘટાડો થયો હતો. ઉલ્લેખનીય છે કે, યશ રાજ સ્પાય યુનિવર્સની ફિલ્મ ‘ટાઈગર 3’એ 44.5 કરોડ રૂપિયાની શાનદાર ઓપનિંગ કરી હતી. આ પછી બીજા દિવસે આ આંકડો વધીને 59 કરોડ થઈ ગયો. ત્રીજા દિવસે ફિલ્મનું કલેક્શન ઘટીને 44 કરોડ રૂપિયા થઈ ગયું હતું. તે જ સમયે ‘ટાઇગર 3’એ રિલીઝના ચોથા દિવસે 20 કરોડ રૂપિયાથી પણ ઓછી કમાણી કરી છે.
સેકનિલ્કના શરૂઆતના અહેવાલ મુજબ, ‘ટાઈગર 3’એ ચાર દિવસમાં સૌથી ઓછું કલેક્શન (18.98 કરોડ) કર્યું છે. ફિલ્મનો કુલ ડોમેસ્ટિક બિઝનેસ 166.48 કરોડ રૂપિયા પર અટકી ગયો છે. મહત્વનું છે કે ફિલ્મે માત્ર બે દિવસમાં 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો હતો અને તેનું કલેક્શન 200 કરોડના ક્લબમાં સામેલ થવાની નજીક છે.
‘ટાઈગર 3’નું સૌથી વધુ કલેક્શન હિન્દી ભાષામાં થઈ રહ્યું છે. જો આપણે સલમાનની પાછલી ફિલ્મોની વાત કરીએ, જેની ઓપનિંગ 40 કરોડ રૂપિયાથી વધુ હતી, તો તેમાં ભારત અને ‘પ્રેમ રતન ધન પાયો’નો સમાવેશ થાય છે. ભારતે રૂ. 40.30 કરોડની ઓપનિંગ કરી હતી અને પ્રેમ રતન ધન પાયોએ રૂ. 40.35 કરોડથી શાનદાર ઓપનિંગ કર્યું હતુ.





