બોલીવુડ અભિનેત્રી વિદ્યા બાલન (Vidya Balan) ની પહેલી મુવી પરિણીતા (Parineeta) ને 20 વર્ષ પૂર્ણ થયા છે. આ પ્રસંગને ખાસ બનાવવા માટે ફિલ્મ નિર્માતા વિધુ વિનોદ ચોપરા (Vidhu Vinod Chopra) એ મુંબઈમાં એક ખાસ સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન, ફિલ્મ નિર્માતાએ જણાવ્યું કે ‘ટોચની અભિનેત્રીઓ’ ને હરાવીને વિદ્યાને આ ભૂમિકા કેવી રીતે મળી હતી.
પરિણીતામાં મુખ્ય ભૂમિકામાં વિદ્યા બાલનને કેમ પસંદ કરવામાં આવી?
તાજતેરમાં વિધુ વિનોદ ચોપરાએ વિદ્યા બાલન વિશે વાત કરી હતી કે, ઘણા કંટાળાજનક ઓડિશન બાદ વિદ્યાને આ ભૂમિકા કેવી રીતે મેળવી હતી, ચોપરાએ સ્ક્રીનિંગ કાર્યક્રમમાં કહ્યું, “ઘણી ટોચની અભિનેત્રીઓ પરિણીતામાં કામ કરવા માંગતી હતી. પરંતુ પ્રદીપ સરકારે કહ્યું કે ચેમ્બુરની એક નવી છોકરી છે.
તેમણે કહ્યું કે, ‘ચેમ્બુરની આ છોકરીને ટેસ્ટ માટે લઈ જાઓ.’ હું સામાન્ય રીતે સ્ક્રીન ટેસ્ટ દરમિયાન કલાકારોને મળતો નથી. વિદ્યાએ ઘણા ઓડિશન આપ્યા હતા. પછી મેં પ્રદીપને કહ્યું, ‘ચાલો એક છેલ્લો ટેસ્ટ કરીએ.’
વિધુ વિનોદે કહ્યું, તે આ પ્રક્રિયાથી એટલી કંટાળી ગઈ હતી કે તેના છેલ્લા ઓડિશન પહેલાં, તેણે અપશબ્દો બોલવાનું શરૂ કરી દીધું હતું. હું તેને કહેતી જોઈ શકતો હતો, તે કહેતી ‘તે પોતાને શું માને છે?’ ત્યાં સુધીમાં તેણે 20-25 ટેસ્ટ આપી દીધા હતા. પરંતુ પછી તેણે એટલું શાનદાર ઓડિશન આપ્યું કે મેં તરત જ કહ્યું, “તેને તાત્કાલિક બોલાવો.”
વિદ્યા બાલનએ પરિણીતા ઓડિશન પર શું કહે છે?
વિદ્યા બાલનએ યાદ કર્યું કે તે એનરિકના એક મ્યુઝિક કોન્સર્ટમાં વિધુ વિનોદ ચોપરાના આસિસ્ટન્ટ સાથે હતી ત્યારે ફિલ્મના ડિરેક્ટરે તેને ફોન કર્યો. તેણે કહ્યું કે “તો દાદા (પ્રદીપ સરકાર) એ તેને ફોન કર્યો અને મેં તેને કહ્યું, ‘દાદા, હું કોન્સર્ટમાં છું, હું તમને પછી ફોન કરીશ.’ પણ તેણે કહ્યું, ‘ના, મિસ્ટર ચોપરા તમારી સાથે વાત કરવા માંગે છે.’ તો મેં કહ્યું, ‘હા, હું કોન્સર્ટ પછી તમને ફોન કરીશ.’
મિસ્ટર ચોપરાએ કહ્યું, ‘તમારું જીવન બદલાઈ જશે, બહાર આવો.’ મેં વિચાર્યું, ‘તમે મને શું કહેવાના છો કે મને ફરીથી તે ભૂમિકા ન મળી?’ મેં એક ક્ષણ માટે પણ વિચાર્યું નહીં કારણ કે હું પહેલાથી જ ઘણા ટેસ્ટમાંથી પસાર થઈ ચૂકી હતી. પણ તેણે કહ્યું, ‘બહાર આવો.’ તો હું બહાર આવી અને તેણે મને ફોન પર કહ્યું, ‘તું મારી પરિણીતા છે’ અને હું ત્યાં જ રડવા લાગી હતી. તે એક વિચિત્ર ક્ષણ હતી.”
પરિણીતા
પરિણીતા મુવીમાં મુખ્ય ભૂમિકામાં વિદ્યા બાલન છે જે વર્ષ 2005 રિલીઝ થયું હતું, વિદ્યા બાલનએ બોલિવૂડમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને તેની પહેલી ફિલ્મનું નામ ‘પરિણીતા’ હતું. હવે આ ફિલ્મ ફરીથી સિનેમાઘરોમાં રિલીઝ થશે, જેનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ટ્રેલરમાં ફરી એકવાર સૈફ અલી ખાન અને વિદ્યા બાલનનો રોમેન્ટિક અંદાજ જોવા મળે છે. આ ઉપરાંત ટ્રેલરની ગુણવત્તા દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. આ ઉપરાંત ‘પિયા બોલે’ ગીત ક્લાસિક ફિલ્મનો અહેસાસ આપી રહ્યું છે.





