Welcome 3 Controversy : બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર (Akshay Kumar) હાલમાં તેની અપકમિંગ મુવી વેલકમ 3 (Welcome 3) ને કારણે સતત ચર્ચામાં છે. હાલમાં જ ખેલાડી કુમારે આ ફિલ્મનું એક પોસ્ટર શેર કરીને સ્ટાર કાસ્ટનો પરિચય કરાવ્યો હતો. આ જોઇને ચાહકો ભારે ઉત્સાહમાં આવી ગયા છે. પરંતુ વેલકમ 3ને લઇને વિવાદ ઉભો થયો છે. જેને પગલે ફિલ્મનું શૂટિંગ અધવચ્ચે જ અટકી પડ્યું હતું.
શું છે સમગ્ર મામલો?
હકીકતમાં વેલકમ 3 ફિરોઝ નડિયાદવાલાના નિર્દેશન હેઠળ નિર્માણ પામી રહી છે. આવી સ્થિતિમાં ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝે ફિલ્મના નિર્માતાઓ પર આરોપ લગાવ્યો છે કે, તેઓએ આ ફ્રેન્ચાઈઝીની અગાઉની ફિલ્મોમાં કામ કરનારા કામદારોને હજુ સુધી ચૂકવણી કરી નથી. તો આ વિવાદને કારણે ફિલ્મનું શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું હતું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, FWICEએ ફિલ્મના કલાકારોને ફિરોઝ નડિયાદવાલા 2 કરોડ રૂપિયાની ચૂકવણી ન કરે ત્યાં સુધી શૂટિંગ ન કરવા હાંકલ કરી છે. આ સાથે ફેડરેશને એમ પણ કહ્યું કે, નડિયાદવાલાએ કામદારોને ચૂકવણી માટે લગભગ 4 કરોડ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. પરંતુ બાદમાં તેણે તેમાં ઘટાડો કરી 2 કરોડ રૂપિયા કરી દીધા હતા અને તે ચેક લઈને કામદારો બેંકમાં ગયા ત્યારે ચેક બાઉન્સ થયો હતો. આવી સ્થિતિમાં, ફેડરેશને કહ્યું કે, જ્યાં સુધી ચૂકવણી કરવામાં નહીં આવે ત્યાં સુધી ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા દેવામાં આવશે નહીં. મહત્વનું છે કે, આ સમગ્ર ઘટના વર્ષ 2015માં રિલીઝ થયેલી ‘વેલકમ 2’ દરમિયાન બની હતી.
ETimes સાથે વાત કરતા, FWICE પ્રમુખ BN તિવારીએ જણાવ્યું હતું કે, “અમે અક્ષય કુમાર અને દિશા પટાની સહિત ફિલ્મના બાકીના કલાકારોને જાણ કરી છે કે ફેડરેશને ફિરોઝ નડિયાદવાલા સામે બાકી રકમની ચૂકવણી ન કરવા બદલ અસહકાર જારી કર્યો છે. જ્યાં સુધી તે ટેકનિશિયનોને 2 કરોડ રૂપિયા ચૂકવશે નહીં ત્યાં સુધી ફિલ્મનું શૂટિંગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે ફિલ્મમાં અક્ષય કુમાર સિવાય રવીના ટંડન, જેકલીન ફર્નાન્ડીઝ, દિશા પટણી, સુનીલ શેટ્ટી, પરેશ રાવલ, લારા દત્તા અને અરશદ વારસી પણ જોવા મળશે.
નોંધનીય છે કે, વેલકમ 3માં ઘણા લાંબા સમય બાદ અક્ષય કુમાર અને રવીના ટંડન એક સાથે મોટા પડદા પર જોવા મળવાના છે. ત્યારે વર્ષો પછી બંનેને સ્ક્રીન પર એક સાથે જોવા માટે ચાહકો બેબાક બન્યા છે.