Yodha Vs Shaitaan Box Office Collection : હાલમાં સિનેમાઘરોમાં એક પછી એક ઘણી ફિલ્મો રિલીઝ થઈ છે. આ તમામ ફિલ્મો દર્શકોના દિલ જીતવા માટે પૂરા પ્રયાસ કરી રહી છે. હાલમાં જ બે ફિલ્મો ‘યોદ્ધા’ અને ‘બસ્તર ધ નક્સલ સ્ટોરી’ સિનેમાઘરોમાં આવી છે. તે જ સમયે, અજય દેવગણ-આર માધવન સ્ટારર ‘શૈતાન’ અને યામી ગૌતમની ‘આર્ટિકલ 370’ પહેલેથી જ દર્શકોનું મનોરંજન કરી રહી છે. તો ચાલો જાણીએ સોમવારે બોક્સ ઓફિસ પર આ ફિલ્મો કેટલી કમાણી કરવામાં સફળ રહી?

બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા, રાશિ ખન્ના અને દિશા પટાની સ્ટારર ફિલ્મ ‘યોધ્ધા’ 15 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી.યોદ્ધાએ રિલીઝના ત્રીજા દિવસે 7 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે સોમવારે ફિલ્મની કમાણીમાં ઘટાડો જોવા મળ્યો હતો. ‘યોદ્ધા’એ ચોથા દિવસે રૂ. 2.15 કરોડની જ કમાણી કરી હતી, જેનું કુલ કલેક્શન રૂ. 19.00 કરોડ થયું હતું.
સુદીપ્તો સેનના નિર્દેશન હેઠળ બનેલી બહુચર્ચિત ફિલ્મ ‘બસ્તર ધ નક્સલ સ્ટોરી’ ફિલ્મ ‘યોદ્ધા’ની સાથે રિલીઝ થઇ હતી. આ ફિલ્મ ઓપનિંગ ડે પર માત્ર 40 લાખ રૂપિયાની કમાણી કરી શકવામાં સફળ રહી હતી.
જો કે ‘બસ્તર ધ નક્સલ સ્ટોરી’એ રવિવારે 90 લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. જ્યારે ફિલ્મે રિલીઝના ત્રીજા દિવસે 24 લાખ રૂપિયાની કમાણી કરી હતી. આ સાથે કુલ બિઝનેસ માત્ર 2.24 કરોડ રૂપિયા થયો છે.
ગુજરાતી ફિલ્મ ‘વશ’ની હિન્દી રીમેક ‘શૈતાન’ની કહાની કાળા જાદુ (બ્લેક મેજીક) આસપાસ ફરે છે. વિકાસ બહલ દ્વારા નિર્દેશિત ફિલ્મમાં અજય દેવગણ અને આર.માધવન છે. આર.માધવન વિલેનની ભૂમિકામાં નજર આવે છે.
શૈતાને બોક્સ ઓફિસ પર 14.75 કરોડની કમાણી કરી ખાતું ખોલાવ્યું હતું. તે જ સમયે, ફિલ્મે 11માં દિવસે 3 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હવે તેનું કુલ કલેક્શન 106.05 કરોડ પાર પહોંચ્યું છે.
આદિત્ય સુહાસ જાંભલે દ્વારા નિર્દેશિત ‘આર્ટિકલ 370’એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. યામી ગૌતમ અભિનીત આ ફિલ્મને દર્શકોએ ખૂબ જ પસંદ કરી છે. ફિલ્મે રવિવારે 1.60 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મે 25માં દિવસે 40 લાખ રૂપિયાની કમાણી કરી હતી, હવે તેની કુલ કમાણી 72.80 કરોડ રૂપિયા છે.





