108 Ambulance Service In Gujarat: ગુજરાતમાં 108 ઇમરજન્સી સેવા શરૂ થયાને 17 વર્ષ પૂર્ણ થયા છે. રાજ્યમાં મેડિકલ ઇમરજન્સીને પહોંચી વળવા હેતુ 108 ઇમરજન્સી સેવા વર્ષ 2007માં 29 ઓગસ્ટના રોજ શરૂ કરવામાં આવી હતી. એક જ ફોન કોલ પર દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડનાર 108 ઇમરજન્સી સેવા એ ૧૭ વર્ષમાં અંદાજે 15.52 લાખથી વધુ લોકોના જીવ બચ્યા છે. તો અત્યાર સુધી એમ્બ્યુલન્સમાં 1.43 લાખ બાળકોનો જન્મ થયો છે. આપત્તિનાં સમયમાં લાખો લોકોના જીવન બચાવનાર ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા જીવાદોરી સમાન બની ગઈ છે. 108ની સાયરન એ માત્ર સાયરન જ નહિ પણ કોઈના દિલની ધડકન હોય છે.
108 ઇમરજન્સી સેવામાં ઉપલબ્ધ મેડિકલ સર્વિસ
ગુજરાત રાજ્યના નાગરિકોના આરોગ્યના હિત માટે વર્ષ 2007માં ઈમરજન્સી તાકીદની સ્થિતમાં જરૂરિયાતમંદ ગંભીર બીમાર કે ઇજાગ્રસ્ત વ્યક્તિને ઝડપથી હોસ્પિટલ પહોચાડવા માટે નિઃશુલ્ક એમ્બ્યુલન્સ પરિવહનની સુવિધા પૂરી પાડવા અને તમામ પ્રકારની મેડિકલ ઈમરજન્સી જેવી કે હૃદયરોગ, કેન્સર, કીડની, પ્રસૂતિ સંબંધિત, ઝેરી જીવજંતુ કરડવું, મારામારીમાં ઘવાયેલ, ગંભીર બીમારી અને દાઝી જવાથી થતી ગંભીર ઇજાઓ, રોડ અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત, બીમાર નવજાત શિશુ વગેરે જેવી મેડિકલ ઈમરજન્સીમાં ૨૪ કલાક કાર્યરત અદ્યતન એમ્બ્યુલન્સ સેવા નિઃશુલ્ક મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા ૧૦૮ સેવાની શરૂઆત ૨૯ ઓગસ્ટ ૨૦૦૭ના રોજ કરવામાં આવી હતી. આ ૧૦૮ યોજનાનું લોકાર્પણ આપણા હાલના વડાપ્રધાન તથા તત્કાલીન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું.
વર્ષ ૨૦૦૭માં શરૂ કરાયેલી આરોગ્યલક્ષી ૧૦૮ ઇમરજન્સી સેવાનું માળખું આજે અન્ય રાજ્યો માટે એક આદર્શ મોડલ તરીકે પ્રસ્થાપિત થયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના સફળ માર્ગદર્શન હેઠળ ગુજરાતના તમામ જિલ્લાનાં શહેરો, તાલુકા અને છેવાડાનાં ગામ સુધી આજે ૧૦૮ ઇમરજન્સી સેવા ૨૪*૭ વિનામૂલ્યે ઉપલબ્ધ થઇ રહી છે, જે ગુજરાતના નાગરિકો માટે આશીર્વાદ સમાન છે. રાજ્યકક્ષાના અદ્યતન ટેક્નોલૉજીસભર સ્ટેટ-ઓફ-આર્ટ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર અમદાવાદના નરોડા કઠવાડા ખાતે પ્રસ્થાપિત કરીને ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા અસરકારક રીતે અમલીકરણ કરવામાં આવી છે.
૧૦૮ જીવીકે ઈએમઆરઆઇના ચીફ ઓપરેટિંગ ઓફિસર જશંવત પ્રજાપતિના જણાવ્યા અનુસાર, ૨૦ ઓગસ્ટ ૨૦૨૪ સુધીમાં ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા થકી ૧.૬૩ કરોડ કરતા વધારે લોકોને મેડિકલ કટોકટીના સમયમાં સેવા, ૨.૩૧ લાખથી વધુ પોલીસ અને ૬ હજારથી વધુ ફાયર આમ, કુલ ૧.૬૬ કરોડથી વધુ કોલ એટેન્ડ કરીને સેવા આપવામાં આવી છે. એટલું જ નહીં, ૧૫.૫૨ લાખથી વધુ વિકટ પરિસ્થિતિમાં મુકાયેલી અમૂલ્ય માનવ જિંદગીઓનો બચાવ કરવામાં આવ્યો છે. જ્યારે ૫૫.૨૫ લાખ કરતાં વધારે પ્રસૂતા માતાને કટોકટીની સ્થિતિમાં તેમજ ૧૦૮ એમ્બ્યુલન્સ સ્ટાફ દ્વારા ૧,૪૩,૪૩૨થી વધુ ઘટના સ્થળે પ્રસૂતિઓમાં મદદ કરવામાં આવી છે. ૧૦૮ સેવા માટે આવતા કોલ્સ પૈકી મોટાભાગના કોલ્સ પ્રસૂતા માતાઓ માટે ઈમરજન્સી સેવાને લગતા હોય છે. ગુજરાત રાજ્યમાં માતા અને બાળ મૃત્યુદરના સૂચકાંકને લગતા સરકારના લક્ષ્યાંકોને સિદ્ધ કરવામાં ૧૦૮ સેવાનો મહત્ત્વનો ફાળો રહ્યો છે.
108 ઇમરજન્સી સેવાથી રોડ અકસ્માતમાં 16 લાખથી વધુ લોકોનો જીવ બચ્યો
આ ઉપરાંત રોડ અકસ્માત સંબંધિત ૨૦ લાખ ૨૮ હજારથી વધુ ઈમર્જન્સી તેમજ ૧૬ લાખ ૩૮ હજારથી પણ વધુ લોકોને તાત્કાલિક સારવાર આપીને તેમના જીવ બચાવવામાં આવ્યા છે. આ સિવાય ૧૭ લાખ ૨૨ હજારથી વધુ કોલ્સ પેટમાં દુખાવાની તકલીફની ફરિયાદના, ૭ લાખ ૮૪ હજારથી વધુ કોલ્સ હૃદયરોગ સંબંધિત ઇમરજન્સી માટે, ૯ લાખ ૮ હજારથી વધુ કોલ્સ શ્વાસ લેવામાં પડેલી તકલીફ તેમજ ૭ લાખ ૧૪ હજારથી વધુ કોલ્સ ભારે તાવની ફરિયાદને લઇને મળ્યા છે. અત્યાર સુધીમાં ૫૧.૩૫ કરોડથી વધારે એમ્બ્યુલન્સના કિલોમીટરનું સંચાલન કરવામાં આવ્યું છે.
108 સિટીઝન મોબાઇલ એપ્લિકેશન થકી મેડિકલ સેવા
108 ઇમરજન્સી એમ્બ્યુલન્સની ઝડપી સેવા માટે અદ્યતન લોકોપયોગી 108 સિટીઝન મોબાઇલ એપ્લીકેશન શરૂ કરવામાં આવી છે, જેને સાડા ત્રણ લાખ કરતા પણ વધુ લોકોએ ડાઉનલોડ કરી છે. એટલું જ નહીં ૩૦ હજારથી વધુ કોલ આ એપ્લિકેશન મારફતે રિસીવ કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં 800 થી વધારે 108 એમ્બ્યુલન્સ વાન ઉપરાંત બોટ અને એર એમ્બ્યુલન્સ
108 ઇમરજન્સી સેવાની આ આરોગ્યલક્ષી સેવામાં આજે રાજ્યભરમાં કુલ ૮૦૦થી વધારે એમ્બ્યુલન્સ કાર્યરત છે. દરિયામાં બીમારી અથવા અકસ્માત સમયે મેડિકલની ઇમરજન્સીમાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે પણ રાજ્ય સરકારે નવતર અભિગમ અપનાવીને ૧૦૮ બોટ એમ્બ્યુલન્સ અને ૧૦૮ એર એમ્બ્યુલન્સ પણ કાર્યરત કરી છે. અત્યાર સુધીમાં એર એમ્બ્યુલન્સ થકી ૫૦થી વધુ લોકોના જીવ બચાવવામાં આવ્યા છે, જ્યારે બોટ એમ્બ્યુલન્સ થકી ૭૪૨ લોકોના જીવ બચ્યા છે.
108 માં 4000થી વધુ કર્મચારીઓ જનતાની સેવામાં ખડેપગ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વખતો વખત સેવાઓમાં કાર્યરત એમ્બ્યુલન્સ તેમજ ટેકનોલોજીમાં જરૂરી અપગ્રેડેશન અને ઉમેરો એમ્બ્યુલન્સના સ્ટાફને જરૂરિયાત મુજબ તાલીમ આપવા માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અધ્યતન ટ્રેનિંગ સેન્ટર, રિસર્ચ સેન્ટર તથા તાલીમાર્થીઓને રહેવાની સગવડ માટે હોસ્ટેલ વગેરે ઇન્ફ્રાસ્ટ્રકચર વિકસાવવામાં આવ્યું છે. હાલમાં ૪૦૦૦થી વધુ કર્મચારીઓ ૧૦૮માં સેવામાં આપી રહ્યા છે.
108 નંબર ફોન કોલ પર બે રિંગમાં તાત્કાલિક જવાબ
108 નંબર પર આવેલા ૯૯ ટકા જેટલા ફોન કોલ પ્રથમ બે રિંગમાં જ પ્રતિસાદ આપવામાં આવે છે, જે આંતરરાષ્ટ્રીય સ્તર અને ધોરણ કરતાં પણ વધુ સારી ગુણવતા છે. ૧૦૮ એમ્બ્યુલન્સનો રાજ્યમાં સરેરાશ રિસ્પોન્સ ટાઈમ ૧૮ મિનિટ જેટલો છે, જયારે શહેરી વિસ્તારમાં ૧૧ મિનિટ જેટલો રિસ્પોન્સ ટાઈમ અને ગ્રામીણ વિસ્તારમાં ૨૨ મિનિટ જેટલો રિસ્પોન્સ ટાઈમ છે. એમ્બ્યુલન્સમાં અદ્યતન મેડીકલ સાધનો, દવાઓ, વેન્ટીલેટર મશીન અને તેની સાથે ટેકનોલોજીનો સમન્વય કર્યો છે, જેનો સીધો લાભ કટોકટીની પળોમાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોને મળે છે.





