“DGP’S Commendation Disc -2024” અલંકરણ સમારોહની ઉજવણી રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં ગુજરાત પોલીસ અકાદમી કરાઈ, ગાંધીનગર ખાતે કરવામાં આવી હતી. ગુજરાત પોલીસની કર્તવ્યનિષ્ઠા, શૌર્ય અને સમર્પણને બિરદાવવા 2019 થી શરૂ થયેલા “DGP’S Commendation Disc” એવોર્ડ સમારોહ અંતર્ગત, આજે છઠ્ઠા વર્ષે ભવ્ય ઉજવણી કરાઈ ખાતે ગુજરાત પોલીસ પરિવારના સભ્યો, અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતમાં કરવામાં આવી હતી.
આ સન્માન પ્રસંગે વિકાસ સહાયે સન્માનિત થનાર તમામ 110 પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતાં. આ સાથે જ તેમણે પોલીસ કર્મીઓની આ ઉપલબ્ધિમાં સૌથી વધુ સહયોગી તેમના પરિવારજનો હોવાનું જણાવતા, પરિવારજનોને પણ શુભેચ્છાઓ પાઠવી હતી.
પરિવારજનોનો સપોર્ટ ખૂબ મહત્વનો છે
વિકાસ સહાયે જણાવ્યું હતું કે પોલીસની જે કામગીરી છે, તેમાં તેમના પરિવારજનોનો સપોર્ટ ખૂબ મહત્વનો છે. એટલે જ આપણે ગુજરાત પોલીસ નહીં પરંતુ ‘ગુજરાત પોલીસ પરિવાર’ તરીકે સંબોધન કરીએ છીએ. તેમણે ઉમેર્યું હતું કે આપણા સૌની સૌથી પ્રબળ શક્તિ આપણી એકતા છે. યુનિફોર્મ સર્વિસમાં એક ચંદ્રકનું મહત્વ અને તેનું ગર્વ એક પોલીસ કર્મચારી સારી રીતે સમજી શકે છે.
વધુમાં તેમણે મેડલ પ્રાપ્ત કરનાર તમામ અધિકારીઓ તથા કર્મચારીઓ અંગે ખાસ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયની કામગીરીની સમીક્ષા કર્યા બાદ આ એવોર્ડ માટે ચયન થનાર આ 110 ઉત્કૃષ્ટ કામગીરી કરનારા કર્મયોગીઓ આજે સન્માન પામી રહ્યા છે.
આ પણ વાંચો – જીગ્નેશ મેવાણીનું ટ્વીટ – નાયબ મુખ્યમંત્રી મંદિરોની આસપાસ દારુ ડ્રગ્સ વેચાતા બંધ કરાવો
ગુજરાત પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવણી અને ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા ઉપરાંત સિટીઝન સેન્ટ્રીક કામગીરી સહિતની અનેક ફરજો એકસાથે વહન કરી રહી છે, પરંતુ આ સન્માન માટેની નીતિ મુજબ 110ની મર્યાદા હોવાથી ઘણા બધા કર્મચારીઓને કામગીરીને એવોર્ડથી સન્માનિત કરી શકાતી નથી. તેમણે આ વર્ષે સન્માન ન મેળવી શકેલા પોલીસ કર્મીઓને, નાસીપાસ ન થઈ પોતાની ઉત્કૃષ્ટ કામગીરી ચાલુ જ રાખવા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
આત્મસન્માન અને ગર્વથી ભયમુક્ત બની કામગીરી કરો
આ ઉપરાંત પોલીસના મનોબળની વાત કરતાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આપણા પોલીસ બળના કર્મચારીઓનું મનોબળ તોડવાનો પ્રયાસ કરવામાં આવે તો એક નીડર લીડર તરીકે આ વાતને સ્વીકારો નહીં. આત્મસન્માન અને ગર્વથી ભયમુક્ત બની કામગીરી કરો. દરેક સંવર્ગના અધિકારી કર્મચારી એકબીજાનું માન સન્માન જાળવીએ તો આપણા તાબા હેઠળ કાર્ય કરતા દરેક કર્મચારીઓ અધિકારીઓ ભયમુક્ત બની કામ કરી શકશે.
આ પ્રસંગે વિકાસ સહાયે 110 અધિકારી કર્મચારીઓ ઉપરાંત ગુજરાતના ખૂણે ખૂણે ખૂબ જ ઉત્કૃષ્ટ કામગીરી કરી રહેલા પોલીસ કર્મચારીઓને પણ બિરદાવતા ઉમેર્યું હતું કે, આપણી જે શક્તિ છે તે આપણી એકતામાં છે, એકબીજાને સાથ સહયોગ થકી કામ કરી શકીએ, આ જ મૂળ ધ્યેયથી ગુજરાત પોલીસ સુંદર કાર્ય કરી રહી છે.
આ પ્રસંગે પોલીસ મહાનિદેશક (તાલીમ) નીરજા ગોટરુ દ્વારા શાબ્દિક સ્વાગત સંબોધન કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે આ એવોર્ડ વિતરણ કાર્યક્રમ અંગે વિસ્તૃત માહિતી પણ આપી હતી. આ પ્રસંગે સીઆઈડી ક્રાઈમ ડીજીપી કે.એલ.એન.રાવ, અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ મલીક, ગુજરાત પોલીસ અકાદમી, કરાઈના ઇન્ચાર્જ આચાર્ય પી. એલ માલ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.





